ટિકટોક ગર્લે હદ વટાવી! કિર્તી પટેલે વેપારી પાસેથી ખંડણી માંગી, જાનથી મારી નાંખવાની ધમકી આપી

Lady Don Kirti Patel : સુરતમાં ટીકટોક સ્ટાર કિર્તી પટેલ ફરી વિવાદમાં આવી... વેપારી પાસે 2 કરોડની ખંડણી માગવા અંગે નોંધાઈ ફરિયાદ... કાપોદ્રા પોલીસે એક આરોપીની કરી ધરપકડ અને કિર્તી પટેલની શોધખોળ હાથ ધરી

ટિકટોક ગર્લે હદ વટાવી! કિર્તી પટેલે વેપારી પાસેથી ખંડણી માંગી, જાનથી મારી નાંખવાની ધમકી આપી

Surat News ચેતન પટેલ/સુરત : ટીક ટોકથી સોશ્યલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે. વેપારી પાસે બે કરોડની ખંડણી માંગનાર કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. સુરતના બિલ્ડર વધુ કાત્રોડીયાને ધમકાવીને તેની પાસેથી બે કરોડ રૂપિયાની ખંડણી માંગવાના કેસમાં સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે. આ કેસમાં કાપોદ્રા પોલીસે ટિકટોક સ્ટાર કીર્તિ પટેલ સહિત કુલ 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. આ કેસમાં મુખ્ય આરોપી વિજય સવાણીની ધરપકડ પણ કરાઈ છે.

કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ અને વિજય સવાણી સામે ફરિયાદ કરનાર વજુ કાત્રોડિયા અને વિજય સવાણીને અગાઉ એક પ્રોપર્ટીની લેતીદેતી મામલે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. આ કેસ બોર્ડ ઉપર આવવાનો હોવાથી વિજય સવાણી અને તેના સાગરીતો સાથે મળીને વજુ કાત્રોડિયા પાસેથી બળજબરી થી પૈસા કઢાવવા ઈચ્છતો હતો અને એટલા માટે જ વિજય સવાણીએ કીર્તિ પટેલ અને તેના સાગરીતો સાથે મળીને સોશિયલ મીડિયા પર વજુ કાત્રોડીયાને બદનામ કરવાના કાવતરાઓ કર્યા હતા.

વજુ કાત્રોડીયાના ફોટા સાથે રીલ્સ કીર્તિ પટેલ અને વિજય સવાણીએ અપલોડ કરી હતી. આ ઉપરાંત કીર્તિ પટેલ દ્વારા ફરિયાદી અને તેના પરિવારને સોશિયલ મીડિયામાં લાઈવ થઈને અપશબ્દો કહીને બદનામ કરવામાં આવતા હતા. આ ઉપરાંત મરાવી નાખવાની પણ ધમકી પણ આપવામાં આવી હતી.

આ કેસમાં ફરિયાદીને સમાધાન કરવા માટે કોસમાડી પાટીયા ખાતે આવેલા સિલ્વર ફાર્મમાં મળવા માટે બોલાવવામાં આવ્યા હતા. આ ફાર્મમાં જાનવી ઉર્ફે મનીષા ગૌસ્વામી, ઝાકીર, કીર્તિ પટેલ અને વિજય સવાણીએ ફરિયાદી વજુ કાત્રોડીયાને કોઈ ઠંડા પીણામાં નશીલો પદાર્થ પીવડાવી તેના ફોટા અને વિડિયોમાં બનાવીને ફરિયાદીને બ્લેકમેલ કરી સમાધાન માટે બે કરોડ રૂપિયાની માગણી કરી હતી અને પૈસા નહીં આપે તો ફોટા અને વિડીયો instagram તેમજ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી ફરિયાદીને બદનામ કરવાની ધમકી આપી હતી. 

ત્યાર બાદ વજુ કાત્રોડીયાએ પૈસા ન આપતા અલગ અલગ સોશિયલ મીડિયાના માધ્યમોથી વિજય સવાણીએ તેમજ કીર્તિ પટેલે ફરિયાદી નાની દીકરીઓ સાથે બળાત્કાર કરે છે. તેમજ તેની પત્નીના ફોટા ક્યાંકથી મેળવીને અલગ અલગ લખાણની સ્ટોરીઓ મૂકી ખોટા કેસમાં ફરિયાદીને ફસાવવાની ધમકી આપી હતી. તેથી આ સમગ્ર મામલે વજુ કાત્રોડિયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા કાપોદ્રા પોલીસે વિજય સવાણીની ધરપકડ કરી છે અને કીર્તિ પટેલ સહિત અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. તો પોલીસના હાથે ઝડપાયેલા વિજય સવાણી સામે અગાઉ સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના, કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ગુનો અને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો છે આમ કુલ 6 ગુનાઓ વિજય સવાણી સામે નોંધાયા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news