આજે ગ્રાહકોની થઈ સાચી જીત! મેડિકલ ઇન્સ્યોરન્સ ક્લેમ માટે હવે 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી

વડોદરાના રમેશચંદ્ર જોશીના પત્નીની અમદાવાદની લાઇફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડર્મેટોમાયોસાઈટીસ રોગની સારવાર લીધી હતી, જોકે નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીએ 44468 રૂપિયાનો ક્લેમ ફગાવી દીધો હતો.

આજે ગ્રાહકોની થઈ સાચી જીત! મેડિકલ ઇન્સ્યોરન્સ ક્લેમ માટે હવે 24 કલાક હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી નથી

રવિ અગ્રવાલ/વડોદરા: આજે વિશ્વ ગ્રાહક દિવસ છે ત્યારે વડોદરાની ગ્રાહક તકરાર નિવારણ ફોરમે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. વીમા ધારક 24 કલાક હોસ્પિટલમાં દાખલ ના થયા હોય તો પણ વીમા રકમ ચૂકવવા આદેશ કર્યો છે. નેશનલ ઇનસ્યુરન્સ કંપનીને 44 હજાર રૂપિયા ગ્રાહકને વ્યાજ સાથે ચૂકવવા આદેશ કર્યો છે.

વીમા કંપનીઓ મેડિકલ વીમા કવચ પોલિસીમાં વીમા ધારક 24 કલાક હોસ્પિટલ દાખલ થાય તોજ ક્લેમમાં નાણાં મળે છે તેવો નિયમ બતાવે છે ત્યારે વડોદરાના રમેશચંદ્ર જોશીના પત્નીની અમદાવાદની લાઇફ કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ડર્મેટોમાયોસાઈટીસ રોગની સારવાર લીધી હતી, જોકે નેશનલ ઇન્શ્યોરન્સ કંપનીએ 44468 રૂપિયાનો ક્લેમ ફગાવી દીધો હતો. જોકે વડોદરા ગ્રાહક કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે, જેમાં ગ્રાહકને સારવાર ખર્ચના નાણાં ઉપરાંત ગ્રાહકને પડેલી મુશ્કેલીનું વળતર આપવા વડોદરા ગ્રાહક સુરક્ષા ફોરમે આદેશ કર્યો છે. 

વડોદરા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના આ ચુકાદાને વડોદરા જાગૃત ગ્રાહક સુરક્ષા સંગઠનના અધ્યક્ષે પણ ઐતિહાસિક ગણાવ્યો છે કારણ કે વર્તમાન સમય આધુનિક સુવિધાઓ અને મેડીસીનના કારણે 24 કલાક દાખલ રહેવાની જરૂર પડતી નથી ત્યારે આવા સંજોગોમાં ગ્રાહકનો અધિકાર છે કે તેને વીમા કવચનું રક્ષણ મળવું જોઈએ. આ ચુકાદાના કારણે વીમા કંપનીઓ પર લગામ આવશે અને અનેક ગ્રાહકોને ફાયદો થશે..

દેશ અને રાજ્યમાં અનેક ગ્રાહકોને 24 કલાક દાખલના નામે વીમા કંપનીઓ નાણાં આપતી નથી. જોકે આ ચુકાદામાં ગ્રાહકને વ્યાજ સાથે હેરાનગતિનું વળતર આપવાનો આદેશ કર્યો છે આ બાબતે નેશનલ ઇન્શ્યુરન્સ કંપનીને આદેશ કર્યો છે, ત્યારે નેશનલ ઇન્સ્યોરન્સ કંપનીના સિનિયર ડિવિઝન મેનેજરે આ બાબતે જણાવ્યું કે ચુકાદાનો અભ્યાસ કરીશું અને એડવોકેટની સલાહ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

મહત્વની વાત છે કે નેશનલ ઇન્સ્યોરન્સ કંપની સામે ગ્રાહક સુરક્ષા ફોરમે લાલ આંખ કરતાં અનેક વીમા કંપનીઓમાં ફફડાટ ફેલાયો છે કારણ કે હવે આવા અનેક ગ્રાહકો હશે જેમને 24 કલાકથી ઓછા સમય સુધી દાખલ રહેવાના કારણે ક્લેમ નહિ મળ્યો હોય. ત્યારે આવા ગ્રાહકો જાગૃત થશે જેના કારણે વીમા કંપનીઓના લોકોને છેતરવાના કિસ્સા ઘટશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news