રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ, જામનગરમાં રસ્તા પર જતાં ઘોડાએ વૃદ્ધાને અડફેટે લીધા

રાજ્યમાં રસ્તાઓ પર રખડતાં ઢોરના ત્રાસથી લોકો સતત પરેશાન છે. રસ્તાઓ પર ઢોરને કારણે અકસ્માતો પણ થાય છે. જામનગરમાં પણ એક ઘોડાએ વૃદ્ધિને અડફેટે લીધા છે. 

રાજ્યમાં રખડતાં ઢોરનો ત્રાસ, જામનગરમાં રસ્તા પર જતાં ઘોડાએ વૃદ્ધાને અડફેટે લીધા

અમદાવાદ: રાજ્યમાં રખડતાં ઢોરનો આતંક હજુ પણ યથાવત છે. અવાર નવાર રખડતાં ઢોર દ્વારા લોકોને અડફેટે લેવાની ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે હવે જામનગરમાં રસ્તા પર જતાં ઘોડાએ વૃદ્ધાને અડફેટે લીધા છે. તો નવસારીમાં રસ્તા પર રખડતાં ઢોરોએ અડીંગો જમાવી દેતા લોકો હેરાન પરેશાન છે. ત્યારે લોકોને રખડતાં આતંકમાંથી ક્યારે મળશે મુક્તિ, જોઈએ આ અહેવાલ... 

રાજ્યમાં રખડતાં ઢોરોનો ત્રાસ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો છે. અરવલ્લીના મોડાસાના, કે જ્યાં એક દંપતિ બાઈક પર આરામથી જઈ રહ્યુ હતુ. તે લોકોએ સપને પણ વિચાર નહીં કર્યો હોય કે તેમના પર એક ઢોર હુમલો કરશે. તો બીજા દ્રશ્યો છે રાજકોટના જેતપુરના, જ્યાં રખડતાં આખલાઓએ આતંક મચાવતા દોડધામ મચી હતી. બે આખલાએ રસ્તાને બાનમાં લેતા લોકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. 

રાજ્યમાં અત્યાર સુધીમાં રખડતાં ઢોરનો ત્રાસ જોવા મળતો હતો. પરંતુ હવે તો પાલતું ઘોડાઓ પણ લોકોના જીવ માટે જોખમ બન્યા છે. જીહાં, આવો જ એક બનાવ જામનગરમાં બન્યો છે. જામનગરના લાલવાડીમાં એક ઘોડાએ વૃદ્ધા પર હુમલો કરી દેતા વૃદ્ધાને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી. ઉમિયાનગરમાં 76 વર્ષીય નિવૃત્ત શિક્ષક બાબુભાઈ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે જ ઘોડાએ હુમલો કરી દેતાં બે આગળી અને અંગુઠામાં ફ્રેક્ચર થઈ ગયા છે. તો વૃદ્ધને હાથમાં 13 ટાંકા પણ લેવા પડ્યા છે.   

જામનગરમાં ઘોડાએ આતંક મચાવ્યો છે તો નવસારીમાં રખડતાં ઢોરોનો આતંક યથાવત છે. નવસારી શહેરના રસ્તા ઉપર અડીંગો જમાવીને બેસતા રખડતા ઢોર શહેરીજનો માટે માથાનો દુખાવો બની ગયા છે. એટલું જ નહીં આ જ ઢોર ક્યારેક અકસ્માતોને પણ નોંતરી રહયા છે. નવસારી વિજલપોર પાલિકા શહેરમાંથી ઢોર પકડે છે. પરંતુ પાલિકાનું પાંજરાપોળ ન હોવાથી સંસ્થાગત પાંજરાપોળના સહારે ઢોર રાખવાની ફરજ પડે છે. રખડતા ઢોરને કારણે પાલિકાના તત્કાલીન સીઓ અને તત્કાલીન કારોબારી ચેરમેન સામે પણ કોર્ટ ફરિયાદ થઈ ચૂકી છે. તેમ છતાં શહેરમાં રખડતા ઢોરની સમસ્યા જેમની તેમ છે. 

નવસારી પાલિકાના તંત્રએ પાંજરાપોળ બનાવવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ જ્યાં પાંજરાપોળ બનાવવાનું વિચારે ત્યાં સ્થાનિકોનો વિરોધ પાંજરાપોળના કામને અટકાવી દે છે. તો બીજી તરફ ઢોર પકડાયા બાદ પશુપાલકો લાગવગ અથવા તો દાદાગીરી કરીને ઢોર છોડાવી જાય છે. આ બધા કારણોના લીધે જ આજે નવસારીના રસ્તા પર રખડતાં ઢોરનો અડિંગો જામ્યો છે. 

આગામી સમયમાં પાંજરાપોળ બનાવાવની ફરી તંત્રએ હૈયા ધારણા આપી દીધી છે. ત્યારે હવે સમય જ બતાવશે કે પાલિકા ક્યારે પાંજરાપોળ બનાવે છે અને ક્યારે લોકોને રખડતાં આતંકથી મુક્તિ મળે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news