Saurashtra ના આ છે ફેમસ Breakfast, એકવાર તો તેનો સ્વાદ માણવો જ પડે
ગુજરાતીઓ ખાવાના શોખીન છે માટે જ ગુજરાતમાં અવનવી વાનગીનો સ્વાદ માણવા દૂર દૂરથી લોકો આવે છે. જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર. જો તમે ખાવાના શોખીન હોવ તો એકવાર તો સૌરાષ્ટ્રની સફર કરવી જ જોઈએ. કેમ કે સૌરાષ્ટ્ર ફેમસ નાસ્તા હાઉસથી ભરેલું છે. ત્યાંના ચટપટા અને સ્પાઈસી નાસ્તા જો તમે એકવાર ખાશો તો વારંવાર ત્યાં જવાનું કહેશો.
Trending Photos
હીના ચૌહાણ, અમદાવાદ: 'બાર ગાઉએ બોલી બદલાય' એ કહેવત તો તમે સાંભળી જ હશે. તેવી જ રીતે વિવિધ સ્થળે નાસ્તા (Breakfast) ના સ્વાદ બદલાય. એવી પણ એક કહેવત હોવી જોઈએ. કેમ કે, તમે ગુજરાત (Gujarat) ના અલગ અલગ ખૂણામાં ફરશો તો ત્યાં તમને જુદા જુદા સ્વાદ માણવાનો મોકો મળશે. જેમ કે તમે, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત કે પછી સૌરાષ્ટ્ર (Saurashtra) ની સફર કરશો તો તમને દરેક સ્થળે જુદી જુદી વાનગીઓનો સ્વાદ માણવા મળશે. એટલે જ કહેવું જોઈએ કે ગુજરાતના ખુણે ખુણે સ્વાદ બદલાય. ત્યારે ગુજરાતમાં સૌથી વધુ અને એકદમ સ્વાદિષ્ટ નાસ્તા જો ક્યાંય મળતાં હોય તો તે સૌરાષ્ટ્રમાં. સૌરાષ્ટ્રના નાસ્તાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. કેમ કે, ગાંઠીયા, ફાફડા,
ખમણ-ઢોકળા અને અન્ય ચટપટા નાસ્તાથી ભરપૂર સ્થળ એટલે સૌરાષ્ટ્ર. જો તમે ગુજરાત (Gujarat) માં છો અથવા તો ગુજરાતની મુલાકાતે આવો છો તો ચોક્કસથી એકવાર તો સૌરાષ્ટ્ર (Saurashtra) ના નાસ્તાઓનો સ્વાદ માણવો જ જોઈએ. કેમ કે, જો સૌરાષ્ટ્રના ફેમસ નાસ્તા નથી ચાખ્યા તો તમે જીવનમાં જમવાનો સાચો સ્વાદ નથી માણ્યો તેમ કહી શકાય. માટે એકવાર તો સ્વાદ માણવા માટે તમારે સૌરાષ્ટ્રના ફેમસ નાસ્તા હાઉસની મુલાકાત કરવી જ જોઈએ. ત્યારે અહીં જણાવીશું કે સૌરાષ્ટ્રના કયા નાસ્તા હાઉસ પ્રખ્યાત છે અને જે વર્ષોથી ચાલે છે જ્યાના નાસ્તા ખાવા માટે લોકોની લાંબી લાઈનો લાગે છે. એવા ફેમસ નાસ્તા હાઉસ કે જ્યાં દૂર દૂરથી લોકો આવે છે. ત્યારે જોઈએ સૌરાષ્ટ્રના ફેમસ નાસ્તા હાઉસ જ્યાંના નાસ્તાઓ છે એકદમ સ્વાદિષ્ટ અને હટકે.
1. રાજકોટમાં રસીકભાઈ ચેવડાવાળા
રાજકોટ (Rajkot) , જે અવનવા નાસ્તાઓથી ભરેલું છે. ફાફડા, ગાંઠીયા અને ખમણથી લોકોની સવાર પડે છે. રાજકોટમાં ઘણીબધી ફેમસ વાનગીઓ છે જેનો એકવાર સ્વાદ માણ્યા પછી વારંવાર તમને ત્યાં જ જમવા જવાનું મન થશે. તેમાં સૌથી પહેલાં આવે છે રસીકભાઈ ચેવડાવાળા. જો તમે રાજકોટના છો કે પછી રાજકોટ જવાના છો તો ચોક્કસથી એકવાર તમારે રસીકભાઈ ચેવડાવાળાને ત્યાં જવું જ જોઈએ. રસીકભાઈ ચેવડાવાળાનો ફેમસ પૌવાનો ચેવડો. આ પૌવાનો ચેવડો એકવાર ખાશો તો વારંવાર તમને તે ખાવાનું મન થશે. તે સિવાય ત્યાંની બટાટાની વેફર અને ગ્રીન ચટણી. આ વેફર અને ગ્રીન ચટણીનો સ્વાદ માણવા તો લોકો દૂર દૂરથી ત્યાં આવે છે. એકદમ ચટપટી અને ખાટીમીઠી આ ચટણીનો સ્વાદ જે કોઈ એકવાર માણે તેને વારંવાર તે ચટણી ખાવાનું મન થાય છે. રસીકભાઈ ચેવડાવાળાનું નાસ્તા હાઉસ 1969થી કાર્યરત છે. આટલું જૂનું અને જાણીતું નાસ્તા હાઉસ આજે પણ એટલું જ ધમધોકાર ચાલે છે તે પરથી સમજી શકાય કે ત્યાંના નાસ્તાઓ કેટલા ફેમસ હશે. એટલે જો તમે રાજકોટની મુલાકાત લો તો ચોક્કસથી એકવાર આ બંને ફેમસ વસ્તુઓનો સ્વાદ માણજો.
2. રાજકોટમાં જય સીયારામના પેંડા
તમે અનેકવાર પ્રખ્યાત પેંડા તો ખાધા જ હશે પણ જો તમે જય સીયારામના પેંડાનો સ્વાદ નથી માણ્યો તો એકવાર ચોક્કસથી માણી લેજો. કેમ કે, 1933થી કાર્યરત જય સીયારામના પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. ખાસ કરીને ત્યાંના સાદા, કેસર અને થાબડી પેંડાનો સ્વાદ તો અદભૂત છે. જય સીયારામના પેંડા વર્ષોથી વેચાય છે પણ છતાં તેમાં એક જ સરખો સ્વાદ આવે છે. અહીંના પેંડા લોકો દૂર દૂરથી મંગાવે છે. ત્યારે એકવાર તો તમારે જય સીયારામના પેંડા તો ખાવા જ પડે.
3. જૂનાગઢના પેંડા છે એકદમ ફેમસ
જો જૂનાગઢ જાવ તો અવશ્ય એકવાર હરીઓમના થાબડી પેંડા ખાજો. કેમ કે, અહીં જેવા થાબડીના પેંડા તમે ક્યારેય નહીં ખાધા હોય. જૂનાગઢમાં કહી શકાય કે સૌથી ફેમસ છે હરીઓમના થાબડી પેંડા. 1984થી આ હરીઓમ પેંડાવાળાની દુકાન કાર્યરત છે. વર્ષોથી ચાલતી આ દુકાનના થાબડી પેંડા ખૂબ જ ફેમસ છે. આ સિવાય જૂનાગઢમાં મોર્ડનની તથા ચામુંડાની મેંગો લસ્સી બહુ ફેમસ છે. જો જૂનાગઢમાં જાવ તો એકવાર લસ્સીનો સ્વાદ જરૂરથી માણજો.
4. જામનગરમાં દિલીપના ઘૂઘરા
જામનગરી ઘૂઘરા તો સૌ કોઈએ સાંભળ્યા જ હશે. ફેમસ નાસ્તાની વાત થઈ રહી હોય ત્યારે ચોક્કસથી જામનગરી ઘૂઘરાનું નામ મોખરે છે. તેમાં પણ ખાસ દિલીપના ઘૂઘરા. એકદમ ચટપટા અને સ્પાઈસી ઘૂઘરાનો સ્વાદ માણવા એકવાર ચોક્કસથી દિલીપના ઘૂઘરા ખાવા જ જોઈએ. દિલીપના ઘૂઘરા 50 વર્ષથી પણ વધુ સમયથી વેચાય છે. આ ઘૂઘરા ખાસ તેની ચટણીના કારણે ખૂબ ફેમસ થયા છે. લોકોની લાઈન લાગે છે આ ઘૂઘરા ખાવા માટે. જામનગરમાં આમ તો ઘણી ડીશ ફેમસ છે પણ દિલીપના ઘૂઘરાની વાત જ કંઈક અલગ છે. માટે જો તમે હજુ સુધી દિલીપના ઘૂઘરા નથી ખાધા તો એકવાર સ્પેશિયલ જામનગરની મુલાકાત લો આ ઘૂઘરા ખાવા માટે.
5. જામનગરી જૈન વિજયની કચોરી
જામનગરની જૈન વિજયની કચોરી દેશ વિદેશમાં પ્રખ્યાત છે. 1979માં જૈન વિજય કચોરીની દુકાન શરૂ થઈ હતી. આજે ત્રીજી પેઢી આ દુકાનને સંભાળી રહી છે જે પરથી કહી શકાય કે ત્યાંની કચોરી કેટલી ફેમસ હશે. જૈન વિજયની ડ્રાય ફ્રૂટ અને સૂકી કચોરી ખૂબ જ પ્રખ્યાત છે. આ કચોરીની મહત્વની વાત છે એ છે તેનું પેકિંગ એ રીતે કરેલું હોય છે કચોરી 150 દિવસ સુધી ફ્રેશ રહે છે. જૈન વિજયમાં રોજની લગભગ 1000 કચોરી બને છે. આ કચોરી વિદેશમાં પણ મોકલવામાં આવે છે. જો તમે એકવાર જૈન વિજયની કચોરી ખાશો તો અન્ય સ્વાદ તમને ફીકા લાગશે. આખા સૌરાષ્ટ્રમાં બેસ્ટ છે આ કચોરી.
6. જામનગરી આ પેંડા છે ફેમસ
જામનગરમાં આમ તો ઘણી બધી વસ્તુઓ ફેમસ છે. માટે એકવાર તો તમારે જામનગરની મુલાકાત લેવી જ પડે. કચોરી અને ઘૂઘરા સિવાય સ્વીટ માટે પણ જામનગર એટલું જ ફેમસ છે. તેમાં ખાસ વલ્લભના પેંડા અને ઠાકરના પેંડા ખૂબ પ્રખ્યાત છે. વલ્લભના પેંડાની શોપ 1850માં શરૂ થઈ હતી જ્યારે ઠાકરના પેંડાની શોપ 1854માં શરૂ થઈ હતી. આ બંને દુકાનના માવાના પેંડા ખૂબ જ પ્રખ્યાત છે. લોકો દૂર દૂરથી આવીને આ પેંડા લઈ જાય છે. જેમાં ઠાકરના પેંડાને પોતાની બાસુંદી માટે સ્ટેટ લેવલે એવોર્ડ મળેલો છે. આ બંને દુકાનોની સ્વીટની ગુણવત્તા ખૂબ જ સારી છે.
7. સુરેન્દ્રનગરના સમોસા અને ઘૂઘરા
સૌરાષ્ટ્રના નાસ્તા હાઉસની વાત કરીએ ત્યારે ચોક્કસથી સુરેન્દ્રનગરનું નામ આવે. જો તમે સુરેન્દ્રનગર જાવ તો ચોક્કસથી ત્યાંના સમોસા એકવાર ખાજો. કેમ કે, સુરેન્દ્રનગરના સમોસા ખૂબ જ પ્રખ્યાત છે. રઘુભાઈ અલ્પાહારના સમોસા ખૂબ પ્રખ્યાત છે. આ સમોસાનો ટેસ્ટ લોકોને ખૂબ પસંદ આવે છે. સમોસા સિવાય ત્યાંના ઘૂઘરા પણ ખૂબ પ્રખ્યાત છે.
8. ભાવનગરી ગાંઠીયા
ભાવનગરી ગાંઠીયા ફેમસ છે તે સૌ કોઈએ સાંભળ્યું જ હશે. ગાંઠીયા ખાવા હોય તો ભાવનગરના. ગાંઠીની અવનવી વેરાઈટી ભાવનગરમાં મળી રહે છે. ખાસ કરીને ભાવનગરી લસણીયા ગાંઠીયા ખૂબ જ પ્રખ્યાત છે. ભાવનગરમાં મુનાભાઈના ગાંઠીયા સૌથી વધુ પ્રખ્યાત છે. સૌરાષ્ટ્ર એમ પણ ગાંઠીયા ફાફડા માટે જાણીતું છે ત્યારે ભાવનગરમાં મુનાભાઈના ગાંઠીયા તો એકવાર ખાવા જ પડે.
9. બોટાદમાં પંચવટીના ઢોસા
અનેક જગ્યાના પ્રખ્યાત ઢોસા તો તમે ખાધા હશે. પણ જો બોટાદના પંચવટીનો ઢોસો નથી ખાધો તો જરૂરથી એકવાર તેનો સ્વાદ માણવો જ પડે. કેમ કે બોટાદમાં આવેલી પંચવટી હોટેલનો ઢોસો ખૂબ જ પ્રખ્યાત છે. ટાવર રોડ પર પંચવટીના ઢોસા લગભગ 35થી 40 વર્ષથી કાર્યરત છે. આ હોટેલમાં લોકો સ્પેશિયલી ઢોસો ખાવા માટે જાય છે. બોટાદમાં આમ તો ઘણુ બધુ ફેમસ છે પણ તે બધામાંથી જો એક એક ડીશનું નામ આપવું હોય તો તે પંચવટીનો ઢોસો છે. માટે એકવાર તો પંચવટીના ઢોસા ખાવા જ પડે.
10. ધંધુકાના નંબર વન ખમણ-ભજીયા
ધંધુકામાં નંબરના ખમણ ખૂબ જ પ્રખ્યાત છે. નંબરના ખમણ ખાવા માટે લોકોની લાઈન લાગે છે. નંબરના માત્ર ખમણ જ નહીં પણ પાતરા અને ભજીયા પણ એટલા જ પ્રખ્યાત છે. વર્ષોથી નંબરના ખમણ-ભજીયા વખણાય છે. અને લોકો સ્પેશિયલ આ નંબરના ખમણ અને ભજીયા ખાવા માટે ધંધુકાની મુલાકાત લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે