અમેરિકનોને ડરાવીને રૂપિયા પડાવતા 2 કોલ સેન્ટર અમદાવાદમાંથી પકડાયા

અમેરિકનોને ડરાવીને રૂપિયા પડાવતા 2 કોલ સેન્ટર અમદાવાદમાંથી પકડાયા
  • અમદાવાદમા ખાનગી રાહે ફરી એકવખત બોગસ કોલ સેન્ટર ધમધમતા શરૂ થયા
  • રામોલ પોલીસે પણ ઘરમાં બોગસ કોલ સેન્ટર ચલાવતો એક શખ્સ હિરેન સુથારની ધરપકડ કરી

મૌલિક ધામેચા/અમદાવાદ :શહેરમાં ફરી એક વખત કોલ સેન્ટરનું દૂષણ શરૂ થયું છે. અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી અમેરિકન નાગરિકો સાથે છેતરપિંડી આચરવામાં આવતી હતી. અમદાવાદમાં બે અલગ અલગ વિસ્તારોમાંથી બે કોલ સેન્ટર ઝડપાયા છે. જેમાં રામોલ વિસ્તારમાં ઘરની અંદર કોલ સેન્ટર ચલાવતો એક આરોપી પકડાયો છે. તો વસ્ત્રાપુરમાં ભાડે ઓફિસ રાખી કોલ સેન્ટર ચલાવનાર સાત લોકોની પોલીસે ધરપકડ કરી છે.

અમેરિકન નાગરિકોને ડરાવીને રૂપિયા પડાવાતા
વસ્ત્રાપુરના ક્રિષ્ના કોમ્પલેક્સમાં ત્રીજા માળે બોગસ કોલસેન્ટર ચાલતું હોવાની વસ્ત્રાપુર પોલીસે માહિતી મળી હતી. જેના આધારે રેડ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું છે. કોલ સેન્ટર ચલાવનાર સૌરીન રાઠોડ નામનો શખ્સ સોફ્ટવેરના ઉપયોગથી અમરેકિન નાગરિકનોને સોશ્યલ સિક્યુરિટી નંબરમાં ફ્રોડ થયું હોવાનું કહી રૂપિયા પડાવતો હતો. અમેરિકન નાગરિકોને કોલ કરીને ડરાવવામાં આવતા હતા. તેઓને ફોન પર કહેવાતુ કે, તમારી ગાડીમાં ડ્રગ્સ મળી આવ્યું છે અને તમારા નામે ઘણી બધી બેંકોમાં ગેરકાયદેસર એકાઉન્ટ છે. જેથી તમારી મિલકત જપ્ત થશે અને તમને મોટું આર્થિક નુકસાન થશે અને તમારા વિરૂદ્ધ પોલીસ કાર્યવાહી થશે તેવું જણાવી ડરાવી-ધમકાવી સેટલમેન્ટના બહાને અમેરિકન નાગરિકો પાસેથી આરોપીઓ ડોલરમાં રૂપિયા પડાવતાં હતા. આ કોલ સેન્ટરમાં છેતરપીંડીના રૂપિયા અમેરિકન નાગરિકો પાસેથી બીટકોઈન આઈડી, વાઉચર તથા કુરિયર, તેમના મળતીયા માણસો મારફતે 2000 થી 50,000 અમેરિકન ડૉલરમાં મેળવાતા હતા. 

આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના, ગેસના વધતા ભાવો વચ્ચે કચ્છથી આવ્યા મહત્વના અપડેટ  

યુવક ઘરમાં જ ચલાવતો હતો કોલ સેન્ટર 
આ વિશે એ ડિવિઝનના એસીપી મુકેશ પટેલે જણાવ્યું કે, વસ્ત્રાપુરમાં બોગ્સ કોલ સેન્ટર પકડાયા બાદ રામોલ પોલીસે પણ ઘરમાં બોગસ કોલ સેન્ટર ચલાવતો એક શખ્સ હિરેન સુથારની ધરપકડ કરી છે. વસ્ત્રાલમાં આવેલ માધવ હોમ્સમાં હિરેન સુથાર નામનો યુવક પોતાના ઘરે અમરેકિન નાગરિકો ઓછા વ્યાજે લોન આપવાનું કહી કમિશન પેટે રૂપિયા પડાવતો હતો. આરોપી હિરેન સુથાર અમેરિકન નાગરિકો પાસેથી ગિફ્ટ કાર્ડ મારફતે 25 થી 30 ડોલર લેતો હતો. .હાલ પોલીસે આરોપી પાસેથી લેપટોપ, મેજીક જેક અને ફોન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

શહેરના રામોલ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનામાં બંને કેસમાં છેલ્લા બે મહિનાથી કોલ સેન્ટર ચાલતું હોવાનું સામે આવ્યું છે. સાથે જ બંને કેસમાં કોલ સેન્ટર લીડ આપનાર તપાસ શરૂ કરી છે. પરંતુ અગાઉ બોગસ કોલ સેન્ટરમાં કામ કરી ચૂકેલા લોકો કામ કરતા હતા. ત્યારે શહેરમાં ખાનગી રાહે ફરી એકવખત બોગસ કોલ સેન્ટર ધમધમી રહ્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news