લઠ્ઠાકાંડ બાદ હવે કેમિકલકાંડ! પોરબંદરમાં નશાયુક્ત ઝેરી પ્રવાહી પીતા 2 લોકોના મોત, 8-10 લોકો સારવાર હેઠળ
Porbandar: સુભાષનગરમાંથી પિલાઝામાં ચાર ઇસમો માછીમારી કરવા ગયા હતા. આ લોકોને માછીમારી દરમિયાન પાંચ લિટરનું સીલબંધ પ્રવાહી ભરેલું કેન મળ્યુ હતુ. તેઓએ તે કેન ખોલીને જોયું તો તેમા પ્રવાહી ભરેલું હતુ. આ કેમિકલ સુરેશભાઇ નામના વ્યક્તિએ ટેસ્ટ કર્યુ હતુ.
Trending Photos
અજય શીલુ/પોરબંદર: પોરબંદરના સુભાષનગર વિસ્તારમાં વહેલી સવારે કેમિકલ પીવાની ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યાની ઘટના સામે આવી છે. જ્યારે કેમિકલ પીનારા અન્ય 8-10 લોકોને વધુ સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. બનાવને પગલે હોસ્પિટલ ખાતે માછીમાર આગેવાનો અને પોલીસ સહિત લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.
પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં ગત 2જી ઓગસ્ટના રોજ એક પીલાણાં સવાર થઈને ચાર જેટલા માછીમારો પોરબંદરથી કુછડી વચ્ચે માછીમારી કરી રહ્યા હતા. ત્યારે દરીયામાંથી તેમને 5 લીટરનું એક કેન મળી આવ્યું હતુ. માછીમારી બાદ પરત ફરેલા 8-10 લોકોએ કેનમાં રહેલું કેમિકલ પીધું હતું. જેમાંથી આ કેમિકલને વધારે પ્રમાણમાં લેવાથી વિઢ્ઢલ પરમાર અને સુરેશ જેબર નામના બંને માછીમારોના મોત નિપજ્યા હતા. જ્યારે તેમની સાથે કેમિકલ પીધેલા અન્ય લોકોને સારવાર માટે શહેરની ભાવસિંહજી જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
આ અંગે હોસ્પિટલના આરએમઓ ડૉ.મકવાણાએ જણાવ્યું હતુ કે જે લોકોના મોત થયા છે તે અને અન્ય કેટલાક લોકો દ્રારા કોઈ અનનોન કેમીકલ પીધુ હતુ. સાથે જ તેમણે જણાવ્યું હતુ કે મૃતકોનું પીએમ કરી વિસેરા લેવામાં આવશે અને એફએસએલ ખાતે વિસેરા મોકલવામાં આવશે. જેથી ક્યાં કેમીકલના કારણે મોત થયું છે તેનું કારણ જાણી શકાશે.
પોરબંદર શહેરના સુભાષનગર વિસ્તારમાં બનેલ આ કેમિકલ કાંડના કારણે 2 માછીમારોના મોત થયા છે. મૃતકો સાથે કેમિકલ પીધેલા અન્ય કેટલાક લોકોને સમાજના આગેવાનોની મદદથી પોલીસ દ્વારા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. ઘટનાને લઈને પોરબંદર સીટી ડીવાયએસપીએ જણાવ્યું હતુ કે પોલીસ દ્વારા જે કેમિકલ પીવાના કારણે ઘટના બની છે તે કેમીકલને તપાસ અર્થે જપ્ત કરી લેવામાં આવ્યું છે અને હાલ પોલીસે જાણવા જોગ ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરમાં કેમિકલ પીવાના કારણે 2 માછીમારોના મોત થયા છે, જ્યારે અન્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પરંતુ આ કેમિકલ હજુ પણ બીજા કેટલા લોકોએ પીધુ છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે. હાલ તો પોલીસે બનાવને લઈને જાણવા જોગ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ કયું કેમિકલ હતુ જેના કારણે આ કરુણ ઘટના બની તે તો એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ સામે આવી શકશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે