બોમ્બમારો, ફાયરીંગ, ગોળીઓનો વરસાદ, સુદાનથી પરત આવેલા આણંદના બે યુવકોએ સંભળાવી દર્દનાક આપવીતી
Trending Photos
બુરહાન પઠાણ/આણંદ: સુદાનમાં હાલમાં સેના અને પેરા મિલીટરી રેપિડ સપોર્ટ ફોર્સ વચ્ચે સત્તા માટે ગૃહયુધ્ધ ફાટી નિકળતા સુદાનની રાજધાની ખાર્તુમમાં એક કંપનીમાં કામ કરતા આણંદનાં બે યુવાનો ફસાઈ જતા તેઓ પોતાની નજર સામે મોત નિહાળી રહ્યા હતા. તેમજ પરિવારજનો ચિંતામાં મુકાયા હતા, ત્યારે ભારત સરકારનાં ઓપરેશન કાવેરી હેઠળ બન્ને યુવાનો સલામત રીતે વતનમાં પોતાનાં ધરે પરત ફરતા તેઓનાં પરિવારજનો અને બન્ને યુવાનોએ રાહતનો શ્વાસ લીધો હતો અને ભારત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
આણંદ શહેરની મોંહમદી સોસાયટીમાં રહેતા સરફરાજભાઈ સિરાજભાઈ વ્હોરા આજથી 20 માસ પૂર્વે તા.20 સપ્ટેમ્બર 2021નાં રોજ સુદાનની રાજધાની ખાર્તુમમાં ગયા હતા અને સુદાન ઈન્ડીયા પેકેજીંગ અને મેન્યુફેકચરીંગ કંપનીમાં એકાઉન્ટ અને ફાઈનાન્સ મેનેજર તરીકે કામ કરતા હતા. તેમની સાથે કંપનીમાં ઓફીસ વર્કમાં ત્રણ અને ફેકટરી વર્કમાં 25 ભારતીયો મળી કુલ 28 ભારતીયો કામ કરતા હતા. જેમાં આણંદની નુતન નગર સોસાયટીમાં રહેતો સકીલભાઈ મહમંદભાઈ વ્હોરા પણ આઠ માસ પૂર્વે સુદાન ગયો હતો અને તે કંપનીમાં લુમ ઓપરેટર તરીકે કામ કરતો હતો.
મોતને નજર સામે ભાળીને આવેલા સરફરાજ અને સકીલ બન્ને યુવકોએ જણાવ્યું હતું કે, સુદાનનાં લોકો ખુબ જ સારા છે અને તેઓની નોકરી ખુબ સારી રીતે ચાલતી હતી. દરમિયાન સેના અને પેરા મિલીટરી રેપીડ સપોર્ટ ફોર્સ વચ્ચે સત્તા માટે ગૃહયુધ્ધ ફાટી નિકળતા ગત.15મી એપ્રીલનાં રોજ ખાર્તુમમાંસવારે 9 કલાકે અચાનક ગોળીબારીનાં અવાજો તેમજ બોંબમારીનાં અવાજો સંભળાવવા લાગ્યા જે સમયે તેઓ ઓફીસમાં હતા. જેથી મેનેજમેન્ટ દ્વારા તેઓને તાત્કાલીક ઓફીસ અને કંપની બંધ કરી તેઓનાં રૂમ પર જવા સુચના આપવામાં આવતા તેઓ રૂમ પર ચાલ્યા ગયા હતા, અને દરમિયાન બોંબમારી તેમજ ફાયરીંગનાં અવાજો સતત સંભળાતા હતા.
તેમજ આકાશમાં બોંબમારીનાં કારણે ધુમાડાનાં ગોટેગોટા પણ નિકળતા જોઈ સકાતા હતા, જયારે સતત ફાયરીંગનાં કારણે તેઓ જે એપાર્ટમેન્ટમાં રહેતા હતા તે એપાર્ટમેન્ટ પર પણ ગોળીઓ વરસતી હતી. તેમજ મિસાઈલનાં ટુકડાઓ પણ પડયા હતા. જેનાં કારણે તેઓ દહેસતમાં મુકાયા હતા. તેમજ આકાસમાં સુદાનની એરફોર્સનાં આંટાફેરા તેમજ બોંબમારી વધી ગઈ હતી. જેથી આ અંગે તેઓએ પોતાનાં ધરે જાણ કરતા તેઓનાં પરિવારજનો પણ ચિંતામાં મુકાયા હતા.
દરમિયાન સુદાન સ્થિત ભારતીય એમ્બેસી દ્વારા એડવાઈઝરી જાહેર કરી ભારતીયો જયાં હોય ત્યાં રોકાઈ જવા સુચના આપી તેમજ ગુગલ ફોર્મ પર પાસ્પોર્ટ કંપની સહીતની વિગતો મંગાવી રજીસ્ટ્રેશન કરી તેમજ જે તે વિસ્તારમાં રહેતા ભારતીયોનું વોટસઅપ ગૃપ બનાવી તેઓને પરિસ્થિતી અંગે સતત માહિતી આપવામાં આવતી હતી. દરમિયાન ભારત સરકાર દ્વારા સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન કાવેરી શરૂ કરવામાં આવતા ભારતીય એમ્બેસી દ્વારા તેમનાં માટે તા.25મી એપ્રીલનાં રોજ બસોની વ્યવસ્થા કરતા સુદાન ઈન્ડીયા કંપનીમાં કામ કરતા 28 ભારતીયો તેમજ અન્ય ભારતીયો બસમાં બેસી પોર્ટ સુદાન જવા નિકળ્યા હતા ત્યારે રસ્તામાં સુમસામ જોવા મળ્યા હતા તેમજ રસ્તામાં અનેક સ્થળે પેરા મિલીટરી રેપીડ સપોર્ટ ફોર્સ દ્વારા બસો રોકવામાં આવી હતી અને બસમાં તપાસ કરી ભારતીયો હોવાનું જણાતા તેઓને સુરક્ષિત જવા દીધા હતા.
ખાર્તુમથી અતારાવેલા સુધી પેરા મિલીટરી રેપીડ સપોર્ટ ફોર્સનો કબ્જો હતો જયારે અતારાવેલાથી પોર્ટ સુદાન સુધી સેનાનો કબ્જો હતો,તેઓ ખાર્તુમથી પોર્ટ સુદાન સુધી 800 કિલોમીટરનું અંતર કાપીને પોર્ટ સુદાન પહોંચતા જયાં તેઓને એક ભારતીય શાળામાં રાખવામાં આવ્યા હતા અને જમવા સુવા સહીતની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી, તેમજ પોર્ટ સુદાનથી તેઓને એરફોર્સનાં વિમાન દ્વારા જિદ્દાહ લઈ જવામાં આવ્યા હતા. જયાં સાઉદી સરકાર દ્વારા પણ તેઓને સારી સુવિધાઓ આપવામાં આવી હતી. તેમજ અહિયાં તેઓને ઈન્ટરનેશનલ ઈન્ડીયન સ્કુલમાં ઉતારો આપવામાં આવ્યો હતો.
ત્યારબાદ તેઓને એક દિવસ ત્યાં રાખી એરફોર્સનાં વિમાનમાં મુંબઈ લાવવામાં આવ્યા હતા અહિયાં એરપોર્ટની બહાર નિકળતા જ ગુજરાત સરકારનાં અધિકારીઓએ તેઓને બસમાં બેસાડી તેમજ રસ્તામાં જમવાની વ્યવસ્થા કરી વહેલી સવારે આણંદ પાસે એક્ષપ્રેસ હાઈવે પર ઉતાર્યા હતા અઁને ત્યાંથી જિલ્લાનાં અધિકારીઓ તેઓને સહી સલામત ધર સુધી મુકી ગયા હતા.
ધરે પહોચ્યા બાદ સરફરાજભાઈ અને શકીલભાઈએ તેમજ તેમનાં પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.સરફરાજભાઈએ કહ્યું હતું કે સુદાનનાં સ્થાનિક લોકો પણ ગૃહયુધ્ધ ફાટી નિકળતા તેઓ પોતાનાં ધર અને ધંધા રોજગાર છોડીને અન્ય ગામ શહેરોમાં તેમજ કેટલાક લોકો ઈજીપ્ત ચાલ્યા ગયા છે,સરફરાજ અને શકીલ બન્ને યુવાનોએ ભારત સરકારનો આભાર વ્યકત કર્યો હતો
આણંદ શહેરમાં નુતન નગર સોસાયટીમાં રહેતા સકીલભા્ઈ મંહમદભાઈ વ્હોરા આઠ માસ પૂર્વે સુદાન ગયા હતા અને ખાર્તુમમાં આવેલી સુદાન ઈન્ડીયા કંપનીમાં લુમ ઓપરેટર તરીકે ફરજ બજાવતા હતા તેઓએ જણાવ્યું હતું કે ગત 15 એપ્રીલથી સુદાનમાં ગૃહયુધ્ધ ફાટી નિકળતા બોંબમારી અને ગોળીબારનાં સતત અવાજો તેમજ આકાસમાં યુધ્ધ વિમાનો દ્વારા કરાતી બોંબમારીનાં અવાજથી તેઓ ભય અને દહેસત અનુભવી રહ્યા હતા, તેમજ તેઓનાં રૂમ પર જમવાની પણ તકલીફ પડી રહી હતી તેમજ છેલ્લા પાંચ દિવસ વિજ પુરવઠો પણ ખોરવાઈ જતા સતત અંધારામાં રહેવાની ફરજ પડી હતી તેમજ પીવાનાં પાણીની પણ સમસ્યા હતા,સુદાનમાં ચાલી રહેલા ગૃહયુદ્ધને લઈને તેમનાં પરિવારજનો ચિંતામાં મુકાયા હતા
સકીલભાઈની પત્ની મુસ્કાનબેનએ જણાવ્યું હતું કે જયારથી સુદાનમાં ગૃહયુદ્ધનાં સમાચાર જાણ્યા ત્યારથી તેઓ ખુબજ ચિંતામાં મુકાયા હતા અને પરિવારજનો પણ ચિંતામાં હતા તેઓ રમજાનમાસમાં રોજા રાખી નમાજ પઢી અલ્લાહની ઈબાદત કરી દુવા ગુજારતા હતા અને સુદાનમાં જે ભારતીયો ફસાયા હતા જેમાં કોઈનો પિતા કોઈનો પુત્ર કોઈનો ભાઈ કે કોઈનો પતિ હતો તે તમામ ભારતીયો પરત ફરે તે માટે તેઓ સતત રડી રડીને અલ્લાહથી દુવા કરતા હતા અને તેઓનાં પતિ સકીલભાઈ સહી સલામત રીતે પરત આવતા તેઓએ અલ્લાહનો તેમજ ભારત સરકારનો પણ આભાર વ્યકત કર્યો હતો,તેમજ હજુ પણ જે ભારતીયો સુદાનમાં ફસાયેલા છે, તે સુરક્ષિત ધરે પરત આવશે તેવી આશા વ્યકત કરી હતી.
સકીલભાઈએ કહ્યું હતું કે ખાર્તુન અને અલ બાગેટમાં સતત બોંબમારો અને ફાયરીંગનાં અવાજો સંભળાતા હતા તેમજ એક મિસાઈલનાં કેટલાક ટુકડાઓ તો તેઓનાં એપાર્ટમેન્ટની ઉપર પડયા હતા. જેથી સતત ભય અને દહેસત અનુભવતા હતા. પરંતુ ભારત સરકારનાં ઓપરેશન કાવેરી હેઠળ તેઓ સુરક્ષિત રીતે વતનમાં પરત ફરતા તેઓ અલ્લાહનો તેમજ ભારત સરકારનો આભાર વ્યકત કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે