વડોદરા: વિદ્યાર્થી પર હુમલાના મામલે શાળા પર ઉઠ્યા ગંભીર સવાલો, જુઓ VIDEO

વડોદરાની બરાનપુરા ભારતી વિદ્યાલયમાં એક વિદ્યાર્થીની ચકચારી હત્યાનો મામલો થોડા સમય પહેલાં જ બન્યો હતો. હજુ તો તેના પડઘા શાંત થયા નથી ત્યાં શહેરના હરણી વિસ્તારમાં આવેલ એક શાળામાં ભણતા વિદ્યાર્થીના માથામાં જીવલેણ ઇજા પહોંચાડવાનો એક કિસ્સો સામે આવતા શહેરના વાલી મંડળ અને વિદ્યાર્થીઓમાં ચકચાર મચી જવા પામી છે.

વડોદરા: વિદ્યાર્થી પર હુમલાના મામલે શાળા પર ઉઠ્યા ગંભીર સવાલો, જુઓ VIDEO

તુષાર પટેલ, વડોદરા: વડોદરાની બરાનપુરા ભારતી વિદ્યાલયમાં એક વિદ્યાર્થીની ચકચારી હત્યાનો મામલો થોડા સમય પહેલાં જ બન્યો હતો. હજુ તો તેના પડઘા શાંત થયા નથી ત્યાં શહેરના હરણી વિસ્તારમાં આવેલ એક શાળામાં ભણતા વિદ્યાર્થીના માથામાં જીવલેણ ઇજા પહોંચાડવાનો એક કિસ્સો સામે આવતા શહેરના વાલી મંડળ અને વિદ્યાર્થીઓમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ શહેરના હરણી વિસ્તારમાં આવેલા મોટનાથ મહાદેવ પાસેની સિગ્નસ સ્કૂલમાં સાતમાં ધોરણમાં અભ્યાસ કરતા ક્રિશ મનીષભાઈ શાહને તેના જ વર્ગના અન્ય વિદ્યાર્થી સાથે લાઈબ્રેરીના પુસ્તકને લઈને સામાન્ય ઝઘડો થયો હતો અને આ ઝઘડા દરમિયાન ક્રિશને અન્ય વિદ્યાર્થીએ ધક્કો મારી દેતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. આ બનાવ બાદ શાળા સંચાલકોએ સમગ્ર બનાવ પર ઢાંક પીછોડો કરતાં ક્રિ ના યુનિફોર્મને શાળા ખાતે જ ધોઈ નાંખીને શાળામાં અભ્યાસ કરતાં બીજા વિદ્યાર્થીની ટી શર્ટ પહેરાવી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયો હતો ક્રિશને માથાના ભાગે ગંભીર ઇજા થયા બાદ સમગ્ર બનાવ અંગે તેના માતા પિતાને જાણ કરવામાં આવી હતી અને ક્રિશને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેના માથાના ભાગે થયેલી ઇજાને કારણે છ જેટલા ટાંકા લેવામાં આવ્યા હતા. 

આ બનાવ અંગે ક્રિશ ના પિતા મનીષ શાહે શાળા સંચાલકો સાથે વાત કરતાં સંચાલકો તરફથી શાળાની બદનામી ન થાય તે માટે સાચી તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે મનીષભાઈને સાંત્વના આપવામાં આવી હતી. બનાવ અંગે મનીષભાઈએ જણાવ્યું હતું કે આ શાળામાં તગડી ફી ભર્યા બાદ આવી ઘટના બને એ ખૂબ ગંભીર બાબત છે. શાળાના કોરિડોરમાં સીસીટીવી લગાડેલા છે પરંતુ વર્ગખંડમાં સીસીટીવી નથી. આ ઉપરાંત શાળાની વેબસાઈટ પર સ્પષ્ટ જણાવેલ છે કે આવા બનાવ માટે શાળા ખાતે ક્વોલિફાઇડ તબીબની નિમણૂંક કરવામાં આવેલ છે. ત્યારે ગંભીર ઇજા પામેલ ક્રિશની પ્રાથમિક સારવાર કરનાર તબીબ પોતે ક્વોલિફાઇ નહિ હોવાનું પણ બહાર આવ્યું છે.

અત્રે જણાવવાનું કે શહેરમાં થોડા સમય પહેલા જ ભારતી વિદ્યાલયમાં વિદ્યાર્થીની હત્યાનો બનાવ બન્યો હતો અને ત્યાર બાદ સહવિદ્યાર્થી દ્વારા જ ક્રિશ ની સાથે ઝઘડા દરમ્યાન આ બનાવ બનતાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા પર અનેક સવાલો ઉભા થયા છે. હાલ તો ક્રિશને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે પરંતુ તેના માથામાં થયેલ ઈજા ને કારણે તેની દેખરેખ રાખવા માટે એક વ્યક્તિને ક્રિશના ઘરે રાખવામાં આવ્યો છે અને શનિવારે તેના અન્ય રિપોર્ટનું અવલોકન તબીબ દ્વારા કરવામાં આવશે. આ ઘટના બાદ માસૂમ ક્રિશના મનમાં તેની ઊંડી છાપ પડી હોવાની જણાયું હતું.

ઝી 24 કલાક ની ટિમ સામે પણ માસૂમ ક્રિશ ગભરાયેલી સ્થિતિમાં આવ્યો હતો અને આ બનાવ અંગે કશું બોલી શક્યો ન હતો. તેના પિતા મનીષ શાહે વાત કરતા જણાવ્યું હતું કે શાળા ના આચાર્યે હુમલો કરનાર જવાબદાર વિદ્યાર્થી અંગે તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવાની વાત કરી છે. મહત્વનું છે કે સમગ્ર ઘટના બન્યા બાદ શાળા ખાતે હાજર સિક્યુરિટી ગાર્ડ કે શિક્ષકોએ ક્રિશને મદદ કરી ન હતી અને નફ્ફટાઈથી આ બનાવ પર ઢાંક પીછોડો કરવાનો પ્રયાસ કર્યો હતો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news