ઓનલાઈન ટાસ્ક આપીને ભેજાબાજાએ વેપારીને 82 લાખનો ચૂનો ચોપડ્યો, ત્રણ આરોપી પકડાયા

Cyber Crime : ઓનલાઈન પાર્ટ ટાઇમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા ઠગો ઝડપાયા... દૂબઈમાં બેસેલો માસ્ટરમાઈન્ડ હજી પણ પોલીસ પકડથી દૂર 
 

ઓનલાઈન ટાસ્ક આપીને ભેજાબાજાએ વેપારીને 82 લાખનો ચૂનો ચોપડ્યો, ત્રણ આરોપી પકડાયા

Vadodara News જયંતિ સોલંકી/વડોદરા : અકોટા રોડ વિસ્તારમાં રહેતા એક કારખાનેદારે ઓનલાઇન ટાસ્કના નામે રૂ 82 લાખ ઉપરાંતની રકમ ગુમાવી દેતાં સાયબર સેલે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર આ રેકેટ દુબઇથી ઓપરેટ કરતો હોવાનું જાણવા મળતા પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી છે.

અકોટામાં તાજ હોટલ નજીક રહેતા અમનભાઇ શાહ નામના કારખાનેદારે પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, અજાણ્યા નંબર પરથી એચ.સી.એલ. ડિઝિટલ ટ્રાન્સફોર્મેશન કંપનીના મને ઓનલાઇન ટાસ્ક માટે મેસેજ આવ્યો હતો. ટેલિગ્રામ આઇ.ડી. પરથી યુ ટયૂબના અલગ - અલગ ચેનલ સબસ્ક્રાઇબ કરવાના તથા ગૂગલ મેપ પર રિવ્યૂ આપવાના ટાસ્ક આપ્યા હતા. તેની સામે મને કેટલીક રકમ ચૂકવવામાં આવી હતી. ત્યારબાદ પ્રિમિયમ ટાસ્ક આપવાના બહાને મારી પાસેથી 82.67 લાખ લઇ લીધા હતા. અને બાદમાં ગોળગોળ ફેરવવાનું શરૂ કરતાં પોતે સાઇબર માફિયાઓની જાળમાં ફસાયાનો એહસાસ થયો હતો. જેથી મેં ત્વરિત સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સાઈબર માફીયાઓ દ્વારા અનેક નાગરિકો સાથે આ જ પ્રમાણે છેતરપિંડી કરી ગુનો આચરવામાં માવ્યો હોવાથી વડોદરા સાઇબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ત્રણ આરોપીઓ વરૃણ દુર્ગાપ્રસાદ કપૂર, મેહુલ અરવિંદભાઇ પટેલ (બંને રહે. વિશાલ નગર, તરસાલી) તથા હાર્દિક અરવિંદભાઇ પટેલ (રહે. વડસર, વડોદરા) ને ઝડપી પાડ્યા હતા. પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વરૃણ લોન એજન્ટ તરીકેનું કામ કરતો હતો. મેહુલ લેબોરેટરીમાં કામ કરે છે. જ્યારે હાર્દિક એકાઉન્ટ ઓપરેટ કરવાનું કામ કરતો હતો. ત્રણેય આરોપીઓ ઉદેપુર જઇને એકાઉન્ટની વિગતો અન્ય એક આરોપીને આપી આવ્યા હતા.

આ સમગ્ર રેકેટ દુબઇથી ઓપરેટ થતું હોવાનું હાલના તબક્કે જાણવા મળ્યું છે. આરોપી હાર્દિક અગાઉ દુબઇ પણ જઇ આવ્યો છે. જેથી પોલીસે તે દિશામાં તપાસ તેજ કરી છે. ઉલ્લેખનીય છે કે વડોદરા પોલીસની તપાસમાં આરોપીઓની ગુનો કરવાની મોડસ ઓપરેન્ડી પણ જાણવા મળી છે. જેની વિગત એવી છે કે, આરોપીઓ રોજ 25 જેટલા ટાસ્ક આપીને એકથી બે હજાર કમાવવાની લાલચ આપે છે. આ રીતે ટાસ્ક પૂરો કરીને બીજા યુઝર્સ મોટી રકમ કમાયા છે. તેવા સ્ક્નીન શોટ ટેલિગ્રામ ગૃપમાં મૂકી લોકોને વિશ્વાસમાં લેવામાં આવે છે. ત્યારે આ ઠગ ટોળકીએ અત્યાર સુધી કેટલા લોકોને પોતાની જાળમાં ફસાવ્યા છે, તો સાથે જ આ ગેંગમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે હકીકત જાણવા માટે આરોપીઓને કોર્ટમાં રજુ કરી 8 દિવસના રિમાન્ડ મેળવ્યાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news