જનતાને વાયદાઓ આપવામાં અવ્વલ ગુજરાતની આ મહાનગરપાલિકાની નવી જાહેરાત; થયો મોટો વિવાદ

જનતાને વાયદાઓ આપવામાં અવ્વલ વડોદરા મહાનગરપાલિકાની નવી જાહેરાત કરાઈ છે. 30 કરોડના ખર્ચે સ્વિમિંગ પુલ બનાવવાની બજેટમાં જોગવાઈ  કરી. જૂનો પુલ જર્જરિત છે તેની સંભાળ લેવાના બદલે નવા પુલની જાહેરાત કરતા ઉઠ્યા સવાલ.

જનતાને વાયદાઓ આપવામાં અવ્વલ ગુજરાતની આ મહાનગરપાલિકાની નવી જાહેરાત; થયો મોટો વિવાદ

રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. કેમ કે વર્ષોથી સરદારબાગ સ્વિમિંગ પુલ કોર્પોરેશન શરૂ કરી રહ્યું નથી. અને હવે કરોડોના ખર્ચે નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. સરદારબાગ સ્વિમિંગ પુલ છેલ્લાં 4 વર્ષથી બંધ હાલતમાં છે. તેને શરૂ કરવાનો હજુ સુધી કોર્પોરેશનના સત્તાધીશોને સમય મળ્યો નથી. જેના કારણે કાયમી સ્વિમરોને ભારે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. કાયમી સ્વિમિંગ કરતા સ્વિમરોને લાલબાગ કે કારેલીબાગ જવું પડે છે. આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને સવાલ પૂછ્યો તો તેમણે ગોળગોળ જવાબ આપ્યો હતો.

વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીએ વર્ષ 24-25 નું 5558 કરોડનું ડ્રાફ્ટ બજેટ ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂર કર્યું છે, બજેટમાં કોર્પોરેશને 30 કરોડના ખર્ચે 4 નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરી છે, જેને લઇ વિવાદ થયો છે. કોર્પોરેશને શહેરમાં રાજીવગાંધી સ્વિમિંગ પુલ, લાલબાગ સ્વિમિંગ પુલ, કારેલીબાગ સ્વીમીંગ પુલ અને સરદાર બાગ સ્વિમિંગ પુલ બનાવ્યાં છે. જેમાંથી 4 વર્ષથી સરદારબાગ સ્વીમીંગ પુલ બંધ હાલતમાં છે.

છેલ્લા 4 વર્ષથી સરદારબાગ સ્વીમીંગ પુલનું રિનોવેશન કામ કોર્પોરેશન કરી રહ્યું છે પણ આજદીન સુધી સ્વીમિંગ પૂલનું કામ પૂરું નથી થયું જેના લીધે હજારો સ્વિમરો મુશ્કેલીમાં મુકાયા છે. કાયમી સ્વિમરોને લાલબાગ કે કારેલીબાગ જવું પડે છે. સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન કહે છે કે સરદારબાગ સ્વિમિંગ પુલમાં ક્લોરીન ફિલ્ટરેશન પ્લાન્ટનું કામ ચાલુ છે, થોડુંક સિવિલ વર્કનું કામ કરવાનું બાકી છે જે થોડાક સમયમાં પૂરું થઈ જશે. 

કોર્પોરેશનના શાસકો અધિકારીઓ જુના સ્વિમિંગ પુલ હજી સુધી શરૂ નથી કરી શક્યા પણ કરોડો રૂપિયાના ખર્ચે નવા સ્વિમિંગ પૂલ બનાવવાની જાહેરાત કરી લોકોને ભ્રમિત કરી રહ્યા હોય એમ લાગે છે. ત્યારે નાગરિકો અને વિપક્ષ નેતા શાસકોને આડેહાથ લઇ રહ્યા છે. વિપક્ષ નેતા કહે છે કે કોર્પોરેશન સુવિધા ઉભી કરે છે પણ નિભાવનીમાં ધ્યાન આપતું નથી. જ્યારે નાગરિકો કહે છે કે જૂનું સ્વીમિંગ પૂલ પહેલા શરૂ કરો બાદમાં નવા સ્વિમિંગ પુલ બનાવો. 

કોર્પોરેશનના હાલના કાર્યરત 3 સ્વિમિંગ પુલોમાં પૂરતો સ્ટાફ પણ નથી. તેવામાં નવા સ્વીમિંગ પૂલ બનાવવાની જાહેરાત હાસ્યાસ્પદ લાગી રહી છે. મહત્વની વાત છે કે કોર્પોરેશનના શાસકો વર્ષોથી બંધ પડેલ સ્વીમીંગ પુલ શરૂ કરવામાં આળસ નથી ખંખેરી રહ્યા તેવામાં લોકસભાની સામી ચુંટણીએ લોકોના મત લેવા નવા સ્વિમિંગ બનાવવાની જાહેરાત કરી રહ્યા હોય તેમ લાગે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news