વડોદરા: માત્ર 22 દિવસનું બાળક ગોત્રી સિવિલમાંથી કોરોના મુક્ત થઇને ઘરે પરત ફર્યું
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: શહેરમાં માત્ર 22 દિવસનું બાળક ગોત્રી હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાંથી કોરોના મુક્ત થઇને ઘરે પરત ફર્યું છે. વડોદરા શહેરની ગોત્રી કોવિડ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગમાં બાળરોગ નિષ્ણાંતો દ્વારા છેલ્લા 6 માસમાં 74 કોરોના સંક્રમિત બાળકોની સારવાર કરવામાં આવી છે. 74 કોરોના સંક્રમિત બાળ દર્દીઓ પૈકી 13 વર્ષની દિવ્યાંગ બાળકીનું મોત થયું હતું. બાકીના 41 બાળ દર્દીનો હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. 21 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.
ગોત્રી હોસ્પિટલના પીડિયાડ્રિશિયન, પ્રોફેસર ડો. નિમિષા પંડ્યાએ જણાવ્યું હતું કે, નાના બાળકોમાં ACE-2 રિસેપ્ટર ઓછા હોવાથી કોરોના વાઈરસને પ્રવેશવાની શક્યતા ઓછી હોય છે, જેથી તેઓ જલ્દી સંક્રમણમાં આવતા નથી. ગોત્રી સિવિલ હોસ્પિટલમાં આવેલા કોરોના સંક્રમિત બાળ દર્દીઓમાં ખાસ કરીને 2 પ્રકારની અસરવાળા બાળકો જોવા મળ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના શરૂઆતના દિવસોમાં અમે તમામ નાના બાળ દર્દીને દાખલ કરતા હતા, ત્યારબાદ સરકારની તબક્કાવાર આવેલી ગાઇડલાઇન પ્રમાણે હવે બાળકોને હોમ આઇસોલેશનની સુવિધા આપવામાં આવે છે. જો બાળકને ગંભીર લક્ષણ જણાય તો તેને હોસ્પિટલના કોવિડ પોઝિટિવ ICUમાં દાખલ કરવામાં આવે છે.
ગોત્રી હોસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડના સહ પ્રોફેસર અને કોવિડ વોર્ડના નોડેલ ઓફિસર જો. રિતેશ પરમારે જણાવ્યું હતું કે, કોવિડના મોટી ઉંમરના દર્દીઓ જેવી સારવાર નાના બાળકોને અપાતી નથી. તેઓએ પેરાસિટામલ, વીટામીન-સી અને ઝિંક જેવી દવાઓથી સારવાર અપાતા તેઓ સાજા થઇ રહ્યા છે. જે બાળકોમાં ACE-2 રિસેપ્ટર ઓછા હોય, તેમનામાં કોરોના વાઈરસ પ્રવેશવાની શક્યતા ઓછી હોય છે. જેના કારણે તેઓમાં કોરોનાની હળવી અસર જોવા મળતા તેઓ ઝડપથી સાજા થઇ જાય છે. બાળપણમાં તમામ પ્રકારની રસી પીવડાવવામાં આવી હોય તે બાળકની રોગ પ્રતિકારક શક્તિ સારી હોય છે અને ઝડપથી સાજા થઇ જાય છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોના વાઈરસથી મૃત્યુદર માત્ર 1થી 2 ટકાના વચ્ચે છે. વડોદરા વાત કરવામાં આવે તો વડોદરાનો મૃત્યુદર 1.35 ટકા ગણી શકાય. ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેવા આવતા બાળકો 4થી 5 દિવસમાં જ સાજા થઇને ઘરે પરત ફરી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, ગોત્રી હોસ્પિટલમાં સારવાર લેવા માટે આવેલા 74 બાળકો પૈકી 3 દર્દી એક વર્ષની ઓછી ઉંમરના હતા. 22 દર્દી 1થી 5 વર્ષની વયના હતા અને 49 દર્દી 5 વર્ષથી વધુ વયના બાળકોએ સારવાર લીધી છે. જેમાં એક બાળક માત્ર 22 દિવસનું હતું. જે સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે