સ્વીટી પટેલ મિસિંગ કેસ : દહેજમાં મળેલા હાડકા યુવા વયના માનવ શરીર હોવાનું તપાસમાં ખૂલ્યું

Updated By: Jul 14, 2021, 10:46 AM IST
સ્વીટી પટેલ મિસિંગ કેસ : દહેજમાં મળેલા હાડકા યુવા વયના માનવ શરીર હોવાનું તપાસમાં ખૂલ્યું
  • હાડકાં માનવીના હોવાનું બહાર આવતા પોલીસે પી.આઇ. દેસાઇ અને સ્વીટી પટેલ (sweety Patel) ના બે વર્ષના બાળક તથા મળી આવેલા હાડકાંના સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા જિલ્લાના પીઆઇ અજય દેસાઈનાં પત્નીના ગુમ થવાના ચકચારી પ્રકરણમાં પોલીસને દહેજ પાસેના અટાલી ગામ નજીક ત્રણ માળના અવાવરું મકાનમાંથી તથા તેની પાછળના ભાગમાંથી સળગેલી હાલતમાં કેટલાક હાડકાં મળ્યા હતા. જેને તપાસ માટે સુરત એફએસએલમાં તપાસ મોકલ્યા હતા. આ હાડકા યુવાન અને મધ્યમ વર્ગની વયના માનવ શરીરના હોવાનું ફોરેન્સિક તપાસમાં બહાર આવ્યું છે. હાડકાં માનવીના હોવાનું બહાર આવતા પોલીસે પી.આઇ. દેસાઇ અને સ્વીટી પટેલ (sweety Patel) ના બે વર્ષના બાળક તથા મળી આવેલા હાડકાંના સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સીક તપાસ માટે મોકલી આપ્યા હતા. આ સાથે પોલીસે આજે પી.આઇ.નો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. 

આ પણ વાંચો : રમેશચંદ્ર ફેફરનો કલ્કી અવતારના દાવા વિશે ડોક્ટર કહે છે, આવા લોકોને મહાનતાનો ભ્રમ થાય છે  

ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના કરજણની પ્રયોશા સોસાયટીમાં રહેતા વડોદરા જિલ્લા પીઆઇ અજય દેસાઇના પત્ની સ્વીટી મહેન્દ્રભાઇ પટેલ(ઉં.વ.37) ગત 5 જૂનની રાત્રે 1 વાગ્યાથી સવારે 8:30 વાગ્યાના અરસામાં ઘર છોડીને જતાં રહ્યાં હતાં. એક મહિના પછી પણ સ્વીટી પટેલની ભાળ ન મળતાં વડોદરા જિલ્લા પોલીસે શોધખોળ શરૂ કરી હતી. વડોદરા જિલ્લા પોલીસ દહેજ અને તેની આસપાસનાં ગામોમાં સતત છ દિવસ સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું. જેમાં પોલીસને અટાલી ગામ પાસેના ત્રણ મજલી અવાવરું મકાનમાંથી અને મકાનના પાછળના ભાગમાંથી બળેલા કથિત માનવ હાડકાં મળી આવ્યા હતા.

પોલીસને અટાલીના મકાનમાંથી માનવ હાડકાં મળી આવતા પોલીસે અવાવરું મકાનની આસપાસના મોબાઇલ ટાવરોની તપાસ કરી હતી. જેમાં સ્વીટીના પોલીસ પતિ એ.એ.દેસાઇના મોબાઈલ ફોનનું લોકેશન મળી આવ્યું હતું. બીજી બાજુ પોલીસે કથિત મળેલા માનવ હાડકાં મળ્યા બાદ પી.આઇ. એ.એ. દેસાઇ અને તેમની પત્ની સ્વીટી પટેલના બે વર્ષના બાળકના સેમ્પલ ડી.એન.એ. ટેસ્ટ માટે લઇ તપાસ માટે સુરત ફોરેન્સીક લેબમાં મોકલી આપ્યા હતા. 

આ પણ વાંચો : જ્યાં ભાઈએ દેશ માટે શહીદી વ્હોરી હતી, ત્યાંની માટી હાથમાં લઈ રડી પડ્યા કેપ્ટન નિલેશ સોનીના ભાઈ

રહસ્યમય ગુમ પી.આઇ. પત્ની સ્વીટી પટેલ પ્રકરણની તપાસ કરી રહેલા જિલ્લા ડી.વાય.એસ.પી. કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે, અટાલી ગામ પાસેના અવાવરું મકાનમાંથી મળી આવેલા હાડકાં માનવના છે કે પ્રાણીના જાણવા માટે ફોરેન્સીક લેબ સુરત ખાતે મોકલી આપ્યા હતા. જેની તપાસમાં આ હાડકાં યુવાન અને મધ્યમ વર્ગની વયની વ્યક્તિના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. હાડકાં માનવના હોવાનું બહાર આવતા આજે પી.આઇ. એ.એ. દેસાઇ અને તેમની પત્ની સ્વીટી પટેલના બે વર્ષના બાળકના સેમ્પલ અને હાડકાંના સેમ્પલ લઇ ડી.એન.એ. ટેસ્ટ માટે ગાંધીનગર ફોરેન્સિક મોકલી આપ્યા છે. આ ઉપરાંત આજે પી.આઇ. એ.એ. દેસાઇનો સોમવારે કોર્ટે પોલીગ્રાફ ટેસ્ટ અને નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી આપતા પી.આઇ.નો પોલીગ્રાફ ટેસ્ટ ગાંધીનગર ખાતે કરવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ હજુ આવ્યો નથી.

આ પણ વાંચો : અમદાવાદ : પેપર વેચતા ફેરિયાને રોન્ગ સાઈડ આવતી BRTS બસે કચડ્યા, કમકમાટીભર્યું મોત

સમગ્ર રાજ્યના પોલીસ વિભાગમાં ભારે  ચકચાર જગાવી મુકનાર સ્વીટી પટેલ ગુમ થયે 38 દિવસ થઈ ચૂક્યાં છે. વડોદરા જિલ્લા એસ.ઓ.જી. પી.આઇ. એ.એ. દેસાઇની પત્ની સ્વીટી પટેલને શોધવા માટે જિલ્લા પોલીસ આકાશ-પાતાળ એક કરી રહી છે. પરંતુ, સ્વીટી પટેલનો કોઇ પત્તો મળ્યો નથી. પોલીસે ગુજરાતની વિવિધ હોસ્પિટલના કોલ્ડરૂમમાં રાખવામાં આવેલી બિનવારસી 17 ડેડ બોડીની તપાસ કરી છે. પરંતુ, તે તમામ ડેડ બોડીઓ અન્ય કોઇ વ્યક્તિની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત પોલીસ દ્વારા પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનની હોસ્પિટલોના કોલ્ડ રૂમોમાં પણ બિનવારસી ડેડબોડી અંગે તપાસ કરાવી છે. જોકે, આ રાજ્યોમાંથી પણ હજુ કોઇ સગડ મળ્યા નથી. જોકે, પોલીસને અટાલી ગામ પાસેના અવાવરું મકાનમાંથી મળેલા માનવ હાડકાં રહસ્યમય ગુમ સ્વીટી પટેલ પ્રકરણ ઉપરથી પડદો ઉંચકે તેવી આશા છે.