વડોદરાઃ સ્વિમિંગ પૂલનો વહિવટ ખાનગી સંસ્થાને સોંપવા અને ફીમાં 300 ગણો વધારો કરાતાં વિવાદ
વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડીંગ કમિટીએ બજેટમાં સ્વીમીંગ પૂલોને ખાનગી એજન્સીને સોપવા અને સ્વીમીંગ પુલની ફીમાં 300 ગુણો વધારો કરવાની દરખાસ્ત સામાન્ય સભામાં મુકતાં મોટો વિવાદ ઉભો થયો છે. સ્ટેન્ડીંગ કમિટીના દરખાસ્ત બાદ સ્વીમીંગ પુલમાં આવતા સ્વીમરો રોષે ભરાયા છે.
Trending Photos
રવી અગ્રવાલ/વડોદરાઃ વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2019-20નું સુધારા વધારા સાથેનુ 3554.07 કરોડનું બજેટ સ્ટેન્ડીંગ કમિટીએ મંજુર કર્યું છે. જેને હવે સામાન્ય સભામાં મંજુરી માટે મુકવામાં આવશે. સ્ટેન્ડીંગ કમિટીએ બજેટમાં લાગતોના દરમાં વધારો કરી અનેક વિવાદાસ્પદ નિર્ણયો લીધા છે. જેમાં કોર્પોરેશન સંચાલિત ચાર લાલબાગ, સરદાર બાગ, રાજીવ ગાંધી અને કારેલીબાગ સ્વીમીંગ પૂલ અને બે બેબી સ્વીમીંગ પૂલને ખાનગી એજન્સીને સોંપવા દરખાસ્ત કરી છે. સાથે જ સ્વીમરોની ફીમાં 300 ગણો વધારે કરી દર મહિને રૂ. 500 કરવાની પણ દરખાસ્ત કરી છે. અગાઉ સ્વીમીંગ પુલમાં આવતા શીખાઉ સ્વીમરોની ફી ત્રણ મહિને રૂ. 500 રૂપિયા હતી. જે હવે દર મહિને રૂ. 500 કરવાનો નિર્ણય કરાતા લોકોમાં ભારે રોષ ઉભો થયો છે.
સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સતીષ પટેલે કહ્યું કે, સ્વીમીંગ પૂલોની યોગ્ય નિભાવણી અને સંચાલન થાય તેમજ સ્વીમરોને સારી સુવિધા મળે તે માટે ફી વધારો અને ખાનગીકરણ કરવાની દરખાસ્ત લાવી છે.
વડોદરામાં આવેલા સ્વીમીંગ પૂલની વિગતોઃ
લાલબાગ સ્વીમીંગ પૂલઃ મહિલા કોચ એક પણ નથી, પુરુષ કોચ માત્ર 1 છે, 5272 સ્વીમર અને શીખાઉ સ્વીમર
કારેલીબાગ સ્વીમીંગ પૂલઃ એકમાત્ર મહિલા કોચ, જે એક જ શિફ્ટમાં આવે છે, પુરુષ કોચ-1, 3523 સ્વીમર અને શીખાઉ સ્વીમર
રાજીવ ગાંધી સ્વીમીંગ પૂલઃ મહિલા કોચ નથી, પુરુષ કોચ માત્ર 1 છે, 2646 સ્વીમર અને શીખાઉ સ્વીમર
સરદાર બાગ સ્વીમીંગ પૂલઃ એકમાત્ર મહિલા કોચ, જે એક જ શિફ્ટમાં આવે છે, પુરુષ કોચ માત્ર 1 છે, 11618 સ્વીમર અને શીખાઉ સ્વીમર
કોર્પોરેશન સંચાલિત સ્વીમીંગ પૂલોમાં દર વર્ષે ફીમાં વધારો કરવામાં આવે જ છે, પરંતુ સુવિધાઓ ઉભી કરવામાં નથી આવતી. કારેલીબાગ સ્વીમીંગ પુલને છોડીને કોર્પોરેશનના એકપણ સ્વીમીંગ પૂલમાં સ્વીમરો માટે લોકરની સુવિધા નથી. પાણીમાં ગંદકી જોવા મળે છે. તેમજ બાથરૂમના ફૂવારા બગડેલા છે અને ટાઈલ્સો પણ તુટેલી છે. સ્વીમીંગ પૂલોમાં પુરુષ ટ્રેનરો છે, પરંતુ કાયમી નથી. બધા સ્વીમીંગ પૂલોની વચ્ચે એકમાત્ર મહિલા ટ્રેનર છે અને તે પણ કાયમી નથી. સ્વીમરો સ્વીમીંગપુલના ખાનગીકરણનો વિરોધ કરી રહ્યા છે સાથે જ ફીમાં વધારો ન થવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે.
કોગ્રેસના પૂર્વ વિપક્ષ નેતા અને હાલના કોગ્રેસ કોર્પોરેટર ચિરાગ ઝવેરીએ સ્વીમીંગ પૂલોના ખાનગીકરણ અને ફી વધારાનો વિરોધ કર્યો છે.
કોર્પોરેશન દરેક ખેલકૂદની પ્રવૃતિઓના સ્થળોને ખાનગી એજન્સીઓને સોપી લૂંટફાટ કરી રહ્યું છે. જેના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના લોકોને વધુ રૂપિયા ચુકવવાનો વારો આવ્યો છે. ત્યારે શું કોર્પોરેશનના શાસકો કે અધિકારીઓ વહીવટ કરવા માટે સક્ષમ નથી તેવો સવાલ ઉઠી રહ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે