બદલાની આગમાં વાપીમાં ખૂની ખેલ ખેલાયો, જેલમાંથી છૂટેલા આરોપીને બીજા જ દિવસે રહેંસી નંખાયો
Trending Photos
નિલેશ જોશી/વાપી :અદ્યોગિક નગરી વાપીમાં ફરી એકવાર બદલાપૂર એટલે કે રિવેન્જ માટે હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વખતે વાપીના છીરી વિસ્તારમાં એક યુવાનની ઘાતકી હત્યા કરાઈ હતી.
વાપીના જે ટાઈપ વિસ્તારમાં બે દિવસ અગાઉ દિલીપ વનવાસી નામના એક યુવકની થયેલી હત્યાના મામલામાં પોલીસને સફળતા મળી છે. વાપી જીઆઇડીસી પોલીસે હત્યાના આ બનાવમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. જોકે ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં અનેક ચોંકાવનારી હકીકત બહાર આવી છે. મૃતક દિલીપ વનવાસી જેલમાંથી મુક્ત થયાના બીજા જ દિવસે આરોપીઓએ જૂની અંગત અદાવતમાં તીક્ષણ હથિયારોના ઘા ઝીંકી કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયા હતા. જો કે આરોપીઓ વાપીથી મહારાષ્ટ્ર ફરાર થાય તે પહેલાં જ પોલીસે તમામને દબોચી લીધા છે.
આ પણ વાંચો : ગ્રીષ્મા હત્યા કેસમાં આજે દોષિત ફેનિલને સજા સંભળાવાશે, ચાર્જશીટના 70 દિવસ બાદ ચુકાદો આવશે
બનાવની વિગત મુજબ બે દિવસ અગાઉ દિલીપ વનવાસી નામનો એક યુવક પોતાના મિત્રો સાથે દમણથી પરત ફરી રહ્યો હતો અને વાપી રેલવે સ્ટેશન નજીક રાત્રે બેઠા હતાં એ વખતે આરોપીઓએ દિલીપ વનવાસીનો પીછો કર્યો હતો. વાપી જીઆઇડીસીના જે વિસ્તારમાં મોડીરાત્રે દિલીપના મોપેડને ટક્કર મારીને તેને નીચે પાડી દીધો હતો. અને ત્યાર બાદ આરોપીઓએ તીક્ષ્ણ હથિયારથી તેના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત દિલીપ વનવાસીનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યુ હતુ.
તપાસમાં સામે આવ્યુ કે, દિલીપ વનવાસીએ થોડા દિવસો અગાઉ આરોપીઓ સાથે બબાલ કરી હતી. જોકે જેતે વખતે થયેલી બબાલના મામલે થયેલી ફરિયાદમાં દિલીપ વનવાસીને જેલમાં જવાનો વારો આવ્યો હતો અને હત્યાના એક દિવસ અગાઉ દિલીપ જામીન પર મુક્ત થઈ અને ઘરે આવ્યો હતો. ત્યારે જામીન પર મુક્ત થઈ ઘરે આવ્યાના બીજા જ દિવસે આરોપીઓએ જૂની અંગત અદાવતમાં તેની તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને કરપીણ હત્યા કરી હતી.
પોલીસ આ કેસમાં કલીમ ઉર્ફે હકલા અલીમુદ્દીન સૈયદ, અબ્દુલ કાદિર ઇકરાર હુસૈન મનસુરી, અને શશીકાંત ઉર્ફે લકી મિશ્રા નામના આરોપીઓની ધરપકડ કરી છે અને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
બનાવ બાદ આરોપીઓનો ગુનાહિત ભૂતકાળ પણ બહાર આવ્યો છે. જેમાં આરોપી કલીમ ઉર્ફે હકલા વિરુધ આ અગાઉ પણ વાપી અને આસપાસના વિસ્તારના પોલીસ સ્ટેશનમાં 14 વખત વિવિધ ગુનાઓ સંદર્ભે પોલીસ ચોપડે નામ નોંધાઈ ચૂક્યું છે. તો અન્ય બે આરોપીઓ વિરુદ્ધ પણ ચાર જેટલા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ ચૂક્યા છે. આમ છેલ્લા કેટલાક સમયથી વાપીના છીરી અને આસપાસના વિસ્તારમાં આરોપીઓ ત્રાસ હતો. જોકે દિલીપ વનવાસીની હત્યાના આ સનસનીખેજ મામલામાં પોલીસ જો તળિયા ઝાટક તપાસ કરે તો તપાસનો રેલો છીરી વિસ્તારના મોટા માથાઓ સુધી પહોંચે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે