VAPI ના ખેડૂતની અનોખી ખેતી, હવામાન ગમે તેવું હોય તેને થાય છે લાખો રૂપિયાની કમાણી
Trending Photos
નિલેષ જોશી/ વાપી : વાડીઓના પ્રદેશ વલસાડ જિલ્લામાં છેલ્લા પાંચ વર્ષથી કેરીના પાકમાં ખેડૂતો વ્યાપક નુકસાન સહન કરતા આવ્યા છે. ચાલુ સીઝનમાં પણ વલસાડ જિલ્લામાં માંડ 20 થી 25 ટકા કેરીનો પાક જ આંબાવાડીઓમાં બચ્યો છે. એવા સમયે વલસાડ જિલ્લાના નામધા ગામના પ્રગતિશીલ ખેડૂતોએ નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેથી ખેડૂતો કેરીના પાકમાં થતાં તમામ પ્રકારની નુકસાનથી બચી શકે છે. આ પ્રયોગથી ખેડૂતો આ વર્ષે કેરીનો મબલખ પાક લઈ રહ્યા છે. આવો જાણીએ એવો શું પ્રયોગ કર્યો છે. જેથી બદલાતા વાતાવરણ અને કમોસમી વરસાદથી પણ કેરીના પાકને રક્ષણ મળ્યું છે. તેમની વાડીઓમાં કેરીનો મબલખ પાક આંબા ઉપર ઝૂલી રહ્યો છે.
રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લાને વાડીઓનો પ્રદેશ માનવામાં આવે છે. જિલ્લામાં 36 હજાર હેક્ટરમાં જમીનમાં આંબાવાડીઓ આવેલી છે. દર વર્ષે વલસાડ જિલ્લામાં બે થી અઢી લાખ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થાય છે. જોકે છેલ્લા પાંચ વર્ષથી વલસાડ જિલ્લામાં કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતાં ખેડૂતોને કેરીના પાકથી મોહભંગ થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષથી બદલાતા વાતાવરણ , ગ્લોબલ વોર્મિંગ વાતાવરણની અનિશ્ચિતતા, વાદળછાયુ વાતાવરણ અને અવારનવાર થતાં કમોસમી વરસાદને કારણે કેરીના પાકમાં વ્યાપક નુકસાન થતું આવ્યું છે. સમયે વલસાડ જિલ્લાના વાપીની બાજુમાં આવેલા નામધા ગામના પ્રગતિશીલ ખેડૂત ભાઈઓએ અનોખો પ્રયોગ કર્યો છે. જેથી આ વર્ષે આ ખેડૂતો કેરીના પાકમાં થયેલા વ્યાપક નુકશાનથી બચી શક્યા છે. આપ જોઈ રહ્યા છો તે વાપીના નામધા ગામના પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ દેસાઈ અને અવિનાશ દેસાઈ આ બંને ખેડૂત ભાઈએ કૃષિ વૈજ્ઞાનિકોની સલાહથી તેઓએ પોતાની વાડીમાં પેપર બેગનો પ્રયોગ શરૂ કર્યો છે.
આંબાપર ફ્લાવરિંગના સમય બાદ કેરી જ્યારે લીંબુના આકારની થાય છે. ત્યારે જ આ અનોખી પેપર બેગ કેરીના ફળ ઉપર લગાવી દેવામાં આવે છે. આ પેપર બેગના ઉપયોગથી કેરીના પાકને ઠંડી-ગરમી, વાદળછાયુ વાતાવરણ કમોસમી વરસાદ કે ચિકટો સહિત કેરીના પાકમાં થતા અન્ય રોગ અને નુકસાનથી પણ કેરીને રક્ષણ આપે છે. વધુમાં આ પેપરબેકથી કેરીના પાકના ઉત્પાદન અને તેની ગુણવત્તામાં પણ અનેક ગણો વધારો થાય છે. પરિણામે પેપર બેગ થી સુરક્ષિત કેરીનો ભાવ પણ વધુ મળે છે.
વાપીના નામધાના બંને પ્રગતિશીલ ખેડૂતો આ નવતર પ્રયોગને કારણે સૌથી વધુ નુકસાનકારક પુરવાર થતા વાતાવરણની અનિશ્ચિતતા, કમોસમી વરસાદ વધારે પડતી ઠંડી કે ગરમીને કારણે કેરીના પાકને થતું નુકશાનથી તેઓ બચી શક્યા છે. કેરીના પાકમાં વધારે પડતી મોંઘી દવાના ખર્ચમાંથી પણ તેઓ બચી શક્યા છે. જેથી અન્ય ખેડૂતો પણ હવે અશોક ભાઈના આ પ્રયાસને આવકારી રહયા છે અને પોતે પણ કેરીનો મબલક પાક લેવા પેપર બેગનો ઉપયોગ કરી કેરીનો મબલક પાક મેળવી રહયા છે.
છેલ્લા પાંચ વર્ષથી કેરીના પાકમાં સતત નુકસાન થતાં વલસાડ જિલ્લાના ખેડૂતો કેરીનો પાક છોડી અને અન્ય પાક કે ખેતી તરફ વળવાનું વિચારી રહ્યા હતા. એવા સમયે કેરીના પાકને નુકશાનીથી બચાવવાં આ ખેડૂતોએ સરું કરેલ આ પેપર બેગનો પ્રયોગનો જો વ્યાપક પ્રમાણમા કરવામાં આવે તો આ પહેલ ક્રાંતિ સર્જી શકે છે. ત્યારે રાજ્યના અન્ય ખેડૂતો પણ આ નવતર પ્રયોગ કરી પોતાના મહામુલા પાકને બચાવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે