દુબઈથી મોટું રોકાણ ગુજરાતમાં આવશે, CM ભુપેન્દ્ર પટેલનું ડેલિગેશન દુબઈ જવા રવાના થયું

દુબઈથી મોટું રોકાણ ગુજરાતમાં આવશે, CM ભુપેન્દ્ર પટેલનું ડેલિગેશન દુબઈ જવા રવાના થયું
  • વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-ર૦રર પહેલાં દુબઇમાં રોડ-શૉ વન-ટુ-વન સહિતના ભરચક કાર્યક્રમો યોજાશે
  • વર્લ્ડ એક્સપોની મુલાકાતથી મુખ્યમંત્રી દુબઇ પ્રવાસનો પ્રારંભ કરશે, બુધવારે સાંજે યોજાશે રોડ-શૉ
  • વન-ટુ-વન બેઠકના ઉપક્રમમાં ૮ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે ભૂપેન્દ્ર પટેલ કરશે મુલાકાત 
  • ગુજરાત પ્રતિનિધિમંડળઅબુધાબીની શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદ તથા બી.એ.પી.એસ મંદિરની મુલાકાત લેશે 

ઝી મીડિયા/બ્યૂરો :મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) ના નેતૃત્વમાં ગુજરાતનું ઉચ્ચસ્તરિય પ્રતિનિધિમંડળ બુધવારે સવારે દુબઇ જવા રવાના થયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) ની પ્રેરણા અને માર્ગદર્શનમાં આગામી જાન્યુઆરી-ર૦રરમાં યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 (Vibrant Gujarat) ની 10 મી એડિશનમાં યુ.એ.ઇ (Dubai) ના ઉદ્યોગ-રોકાણકારોની સહભાગીતા પ્રેરિત કરવા આ પ્રતિનિધિમંડળ દુબઇના દ્વિદિવસીય પ્રવાસે છે. 

મુખ્યમંત્રી સાથે આ પ્રતિનિધિમંડળમાં ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા તેમજ રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવો અને અગ્રણી ઉદ્યોગકારો જોડાયા છે. આ વિદેશ પ્રવાસનો પ્રારંભ દુબઇમાં યોજાઇ રહેલા વર્લ્ડ એક્સપોની મુલાકાતથી થઈ રહ્યો છે. ભૂપેન્દ્ર પટેલ આ એક્સપોના સ્થળ પર જ યુ.એ.ઇ ના કેબિનેટ મેમ્બર અને મિનિસ્ટર ઓફ ટોલરન્સ એન્ડ કો-એક્ઝીસ્ટન્સ શેખ નાહયાન બિન મબરક અલ નાહ્યાન સાથે મુલાકાત બેઠક યોજશે.

આ ઉપરાંત મુખ્યમંત્રી યુ.એ.ઈ ના મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર ફોરેન ટ્રેડ થાની બિન અહમેદ અલ ઝેયુદી સાથે તથા પ્રતિષ્ઠિત ડી.પી. વર્લ્ડના ચેરમેન સુલતાન અહમેદ બિન સુલેયેમ સાથે બેઠક યોજશે. મુખ્યમંત્રી તેમના દુબઇ પ્રવાસના પ્રથમ દિવસે શ્રેણીબદ્ધ કાર્યક્રમો અંતર્ગત ઓબેરોય હોટલમાં યુ.એ.ઇ ના આઠ જેટલા અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકો સાથે વન-ટુ-વન બેઠક યોજવાના છે અને ગુજરાતમાં રોકાણ સંભાવનાઓ સંદર્ભે ચર્ચા-પરામર્શ કરવાના છે.

આ અગ્રણી ઉદ્યોગ-વેપાર સંચાલકોમાં ડી.પી વર્લ્ડ, શરાફ ગૃપ, અસફનાર ગૃપ, એસ્ટર ડી.એમ હેલ્થકેર, કોનરેસ, એમાર પ્રોપર્ટીઝ સહિતના અગ્રણીઓનો સમાવેશ થાય છે. ભૂપેન્દ્ર પટેલ બુધવારે સાંજે ઓબરોય હોટલમાં આયોજિત રોડ-શૉ માં ઉપસ્થિત વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓ સમક્ષ ગુજરાતની વૈશ્વિક વિકાસગાથાની પ્રભાવક પ્રસ્તુતિ કરશે. આ રોડ-શૉ માં યુ.એ.ઇ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધિર વિશેષ ઉપસ્થિત  રહેશે. 

મુખ્યમંત્રી તેમના પ્રવાસના બીજા દિવસે એટલે કે તા. ૯મી ડિસેમ્બરે સવારે રાસ અલ ખાહિમાના હિઝ હાઇનેસ સૌઉદ બિન સકર અલી કાસિમીની ભોજન સહ મુલાકાત લેવાના છે. ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રતિનિધિમંડળ અબુધાબીમાં નિર્માણાધિન બી.એ.પી.એસ મંદિરની તથા શેખ ઝાયેદ ગ્રાન્ડ મસ્જિદની પણ મુલાકાત લેશે. મુખ્યમંત્રીના વડપણ નીચે દુબઇની મુલાકાત પૂર્ણ કરી આ પ્રતિનિધિમંડળ ગુરૂવાર તા. ૯મી ડિસેમ્બરે મોડી રાત્રે ગુજરાત પરત આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news