પંચમહાલ : યુદ્ધ કરતા પણ વધુ આકરી છે અહી પાણીની જંગ જીતવી

ઉનાળો મધ્યાહને જ આકરું સ્વરૂપ બતાવી રહ્યો છે અને ગરમીનો પારો દિનપ્રતિદિન ઊંચો ચઢી રહ્યો છે, ત્યારે આ આગ ઝરતી ગરમીને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પંચમહાલના પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારથી જ પાણીના સ્તર ઊંડા ઉતરી જતા મહિલાઓ પાણી માટે વલખા મારતી નજરે જોવા મળી રહી છે. 
પંચમહાલ : યુદ્ધ કરતા પણ વધુ આકરી છે અહી પાણીની જંગ જીતવી

જયેન્દ્ર ભોઈ/ગોધરા :ઉનાળો મધ્યાહને જ આકરું સ્વરૂપ બતાવી રહ્યો છે અને ગરમીનો પારો દિનપ્રતિદિન ઊંચો ચઢી રહ્યો છે, ત્યારે આ આગ ઝરતી ગરમીને લીધે ગ્રામ્ય વિસ્તારોમાં કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પંચમહાલના પૂર્વ પટ્ટીના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારથી જ પાણીના સ્તર ઊંડા ઉતરી જતા મહિલાઓ પાણી માટે વલખા મારતી નજરે જોવા મળી રહી છે. 

vlcsnap-2019-05-12-12h28m07.jpg

પંચમહાલના પૂર્વ પટ્ટીના ગામોમાં પાણીની ભયંકર સમસ્યા ઉભી થઇ છે. વધી રહેલા ગરમીના પારા અને ઓછા વરસાદને લઇ ભૂગર્ભ જળસ્તર નીચે જતા રહ્યા છે. જેથી ગોધરા તાલુકાના ઓરવાળા સહિત આજુબાજુના વિસ્તારોમાં કૂવા બોરવેલ અને હેન્ડપંપ હવે શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. આ વિસ્તારમાં એક તરફ કૂવા સૂકાઈ ગયા છે, તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણી માટે આશીર્વાદ સમાન સ્ત્રોત ગણાતા હેન્ડપંપ પણ બંધ થઈ ગયા છે, જેને લીધે મહિલાઓને પાણીની શોધમાં ભટકવું પડી રહ્યું છે. અને જો સદ્નસીબે કોઈ કૂવામાં પાણી મળી જાય તો તેમાંથી પાણી ઉલેચવા માટે લાઈનો લાગેલી હોય છે. લગભગ 2 થી 3 કિલોમીટર ચાલતા પીવાના પાણી માટે આકરો તાપ માથે લઇને મહિલાઓને પાણી ભરવા માટે જવું પડી રહ્યું છે. પીવાના પાણીને લઈ આખો દિવસ વ્યતીત થઇ જતા મહિલાઓ ખેતી પશુપાલન અને ઘર આ ત્રણેવમાં સમય ન આપી શકતા ભારે મુશ્કેલી ઉભી થાય છે. જીવન જરૂરી એવું પાણી લાવવામાં જ આખો દિવસ નીકળી જતા ઘરકામ પણ બાકી રહી જતું હોવાની ફરિયાદ અહીંની મહિલાઓ કરી રહી છે. ધોમધખતા ઉનાળામાં ખુલ્લા પગે પણ પાણીની શોધમાં નીકળતી મહિલાઓના દ્રશ્યો આ વિસ્તારોમાં હવે સામાન્ય બની ગયા છે. 

vlcsnap-2019-05-12-12h25m33.jpg

ધોમધખતા તડકામાં પાણી માટે ઉભેલી મહિલાઓ સાથે જ્યારે વાત કરી ત્યારે હૃદય દ્રવી ઉઠે તેવા શબ્દો સાંભળવા મળ્યા. મહિલાઓના મતે ઓરવાળા ગામના તમામ હેન્ડપંપ હાલ બંધ હાલતમાં છે અને જે ચાલુ છે તેમાં કાટવાળું અને ખારું પાણી આવે છે, જે પીવાયોગ્ય નથી. સરકારની કોઈ યોજના આ ગામમાં પાણી માટે નથી, તો સાથે જે ખાનગી કૂવામાંથી પાણી ઉલેચવા ભારે જહેમત ઉઠાવવી પડે છે. ઓરવાળાની મહિલાઓને ધોમધખતો તડકો માથે લઇ ગામના ખેતરમાં અંદાજિત 2 થી 3 કિલોમીટર દૂર આવેલ એક ખાનગી કૂવાથી દોરડા વડે પાણી ઉલેચવું પડે છે. આ કામમાં ઘરના બાળકો પણ લાગી પડે છે. જેથી તેમના શિક્ષણ પર તો અસર થાય છે, સાથે સાથે આવા આકરા તાપમાં બહાર નીકળવાથી કેટલીક વાર બીમાર પણ પડી જાય છે. આ સમગ્ર બાબતે જ્યારે ગામના સરપંચ સાથે વાત કરતા તેમને પણ ગામમાં પાણીની સમસ્યા હોવાનો સ્વીકાર કર્યો અને દર ઉનાળામાં આજ પરિસ્થિતિનું નિર્માણ થતી હોવાની વાત કરી હતી. 

vlcsnap-2019-05-12-12h26m28.jpg

પાણીની સમસ્યા માત્ર ઓરવાળા ગામમાં જ છે એવું નથી. સમગ્ર પંચમહાલ જિલ્લામાં પાણીની ભારે તંગી ઉભી થઇ છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારો આશીર્વાદરૂપ પાણીના સ્ત્રોત એવા હેન્ડપંપ બાબતે જિલ્લા પાણી પુરવઠા જિલ્લાના મોટાભાગના હેન્ડપંપ ચાલુ હાલતમાં હોવાનું રટણ કરી રહ્યું છે અને જ્યાં હેન્ડપંપ બંધ હોય ત્યાં ફરિયાદ મળતા 72 કલાકમાં સમસ્યાનું નિરાકરણ કરતા હોવાના દાવાઓ પણ કરી રહ્યું છે.

પાણી પુરવઠા વિભાગ ભલે દાવાઓ કરી રહ્યું હોય, પરંતુ જમીની વાસ્તવિકતા કંઈક અલગ દેખાઈ રહી છે. ત્યારે હવે જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા પંચમહાલના પાણીની મહા તંગીવાળા દુષ્કાળ ગ્રસ્ત વિસ્તારની તરસ ક્યારે છીપાવશે તે તો સમય જ બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news