અમદાવાદના ગોમતીપૂરમાં મેટ્રોના કામ દરમિયાન ઘરમાં પડ્યો ભૂવો

લાવા જેવું પાણી ભૂવામાંથી નિકળતાં ઘરમાં બે ફૂટ જેટલું પાણી ભરાયુ અને ત્યાર બાદ બહાર સડક પર પણ આ પાણી ફરી વળ્યું છે, લોકોનાં ટોળેટોળાં ઉમડ્યા, મેટ્રોના અધિકારીઓ પણ હજુ આ બાબતે કશું જ કહેવા માટે તૈયાર નથી 

અમદાવાદના ગોમતીપૂરમાં મેટ્રોના કામ દરમિયાન ઘરમાં પડ્યો ભૂવો

અમદાવાદઃ અમદાવાદ શહેરમાં હાલ મેટ્રોની કામ ધમધોકાર ચાલી રહ્યું છે. શહેરના ગોમતીપુર વિસ્તારમાં જમીનના નીચે મેટ્રોની ટનલનું ખોદકામ ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુરુવારે સાંજે લગભગ 7.30 કલાકની આસપાસ સારપંરુ બ્રિજ નીચે કરીમ ચૌધરીની ચાલી પાસે એક ઘરમાંથી અચાનક જ કેમિકલ યુક્ત ચિકણુ પાણી બહાર નિકળવા લાગ્યું હતું. આ કારણે અહીં કામ કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને તેઓ ઘરમાંથી દોડીને બહાર નિકળી આવ્યા હતા.

આ ઘટનાના સમાચાર મળતાં જ પોલિસ, ફાયર બ્રિગેડ અને મેટ્રોના કર્મચારીઓ તથા અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જોકે, તેઓ પણ હજુ સુધી આ ઘટનાનું ચોક્કસ કારણ જાણી શક્યા નથી. હાલ તો રેસ્ક્યુ કામ ચાલી રહ્યું છે. ચિકણું પ્રવાહી બહાર સડક પર પણ ફેલાઈ જતાં અહીં લોકોનાં ટોળેટોળાં એક્ઠા થઈ ગયા છે અને કુતુહલનો માહોલ સર્જાયો છે. 

આ ઘટનાની જાત તપાસ લેવા માટે જ્યારે ઝી 24 કલાક ઘટનાસ્થળે પહોંચ્યું ત્યારે અહીં મેટ્રોના કર્મચારીઓ રેસ્ક્યુ કામગીરી કરી રહ્યા હતા. ઝી 24 કલાક દ્વારા જ્યારે મેટ્રોના કર્મચારીઓને આ ઘટનાના કારણ અંગે પુછવામાં આવ્યું તો તેમણે કંઈ પણ કહેવાનો ઈનકાર કરી દીધો હતો. તેમણે જણાવ્યું કે, આ ઘટના અંગે જે કંઈ પણ કહેવું હશે તે કંપનીના જવાબદાર અધિકારીઓ જણાવશે, હાલ અમે તો રેસ્ક્યુ કામગીરી કરવા આવ્યા છીએ. 

આ ઘટના અંગે મકાન માલિકે જણાવ્યું કે, "સાંજે લગભગ 7.30 કલાકની આસપાસ જમીન ધ્રુજવા લાગી હતી અને સિસોટી જેવો અવાજ આવવા લાગ્યો હતો. જેના કારણે તેમના ઘરમાં કામ કરતા કર્મચારીઓ અને પરિવાર દોડીને બહાર નિકળી ગયો હતો. થોડા સમયમાં જ ઘરના એક ખૂણામાંથી ફીણવાળુ ચિકણું પ્રવાહી બહાર નિકળવા લાગ્યું હતું અને ઘરમાં બે ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. આ ઘરમાં નીચેના ભાગમાં તેઓ સિલાઈ કામ કરે છે અને ઉપરના માળે પરિવારના 10 સભ્યો સાથે રહે છે. અચાનક પાણી આવવાને કારણે તેઓ તેમનો રેડિમેડનો માલ પણ બચાવી શક્યા ન હતા અને સમગ્ર માલ પલળી ગયો હતો."

ઘટના અંગે મકાન માલિકે વધુમાં જણાવ્યું કે, "આ કામગિરી અંગે મેટ્રોના અધિકારીઓ દ્વારા તેમને કોઈ જાણ કરવામાં આવી નથી. બે દિવસ પહેલા તેમના ઘરની આજુ-બાજુની દિવાલો ઉપર સેન્સર ફીટ કરી ગયા હતા. તેના અંગે પણ તેમને કોઈ નોટિસ કે જાણ કરાઈ નથી. મકાન માલિકે સરકાર પાસે તેમને થયેલા નુકસાનનું વળતર આપવાની માગણી કરી છે. સાથે જ તેઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા હોવાનું પણ તેમણે જણાવ્યું છે."

અચાનક જ ચિંકણી ફીણ જેવું પ્રવાહી સડક ઉપર ભરાઈ જતાં અહીં લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસ લોકોનાં ટોળાને કાબુમાં રાખવાનો પ્રયાસ કરી રહી છે. મેટ્રોના કર્મચારીઓ રાહત-બચાવ કામગિરીમાં જોડાયા છે, પરંતુ તેઓ કારણ અંગે કશું જ જણાવવા માટે હાલ તૈયાર નથી. 

આ ફીણ જેવા પ્રવાહી અંગે એક અનુમાન એવું પણ વ્યક્ત કરવામાં આવી રહ્યું છે કે, મેટ્રોમાં જમીનની અંદર ટનલ ખોદવાની કામગીરી દરમિયાન કેમિકલ યુક્ત ફીણવાળું પ્રવાહી છોડવામાં આવતું હોય છે, જેથી આગળની માટી પોચી બની જાય અને તેને ખોદવામાં સરળતા રહે. આથી મેટ્રો દ્વારા જમીનના અંદર છોડવામાં આવેલું આ ફીણવાળું પાણી પ્રેશર સાથે ઉપરના ભાગમાં મકાનમાં બહાર નિકળ્યું હોવાની પણ એક ચર્ચા ચાલી રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news