ચંદ્રયાન 3ની સફળતામાં કેવું છે અમદાવાદની ISROનું યોગદાન? 14 દિવસ બાદ ખરી માહિતી સામે આવશે

મદાવાદની PRLના વૈજ્ઞાનિકો માટે ખુશીની વાત એ છે કે તેમણે તૈયાર કરેલા પેલોડ્સ કાર્યક્ષમ રીતે કામ કરી રહ્યા છે. કયા છે આ પેલોડ્સ અને શું છે તેમની કામગીરી?

 ચંદ્રયાન 3ની સફળતામાં કેવું છે અમદાવાદની ISROનું યોગદાન? 14 દિવસ બાદ ખરી માહિતી સામે આવશે

બ્યુરો રિપોર્ટ/અમદાવાદ: ચંદ્ર પર લેન્ડિંગના એક સપ્તાહ બાદ ચંદ્રયાન 3 ઈસરોના નિર્ધારિત આયોજન પ્રમાણે કામ કરી રહ્યું છે. લેન્ડર અને રોવર ચંદ્રની મહત્વપૂર્ણ માહિતી ઈસરોને મોકલી રહ્યા છે. રોવરે મોકલેલી લેન્ડરની તસવીરમાં ચંદ્રની વાસ્તવિક સ્થિતિ જોઈ શકાય છે. આ દરમિયાન અમદાવાદની PRLના વૈજ્ઞાનિકો માટે ખુશીની વાત એ છે કે તેમણે તૈયાર કરેલા પેલોડ્સ કાર્યક્ષમ રીતે કામ કરી રહ્યા છે. કયા છે આ પેલોડ્સ અને શું છે તેમની કામગીરી?

ચંદ્રયાન 3નું વિક્રમ લેન્ડર જ્યાં ઉભું છે, તે જગ્યા ચંદ્રની જમીન છે. લેન્ડરની આ તસવીર તેના સાથીદાર રોવરે લીધી છે. સ્માઈલ પ્લીઝ...આ શબ્દો તસવીર લેતી વખતે પ્રજ્ઞાન રોવરે લેન્ડર માટે કહ્યા હશે. રોવરમાં લગાવેલા ઓનબોર્ડ નેવિગેશન કેમેરા નેવકેમ દ્વારા આ તસવીર લેવાઈ છે. રોવરમાં આવા બે કેમેરા લગાવેલા છે. 26 કિલોગ્રામ વજનનું, અઢી ફીટ પહોળું અને 2.8 ફૂટ ઉંચુ રોવર છ પૈડા પર ચંદ્રના ચક્કર લગાવી રહ્યું છે. તે ચંદ્ર પર એક સેન્ટીમીટર  પ્રતિ સેકન્ડની ગતિએ 500 મીટર સુધી આગળ જઈ શકે છે. જ્યાં સુધી રોવરને સૂર્યનો પ્રકાશ મળતો રહેશે, ત્યાં સુધી તે કામ કરતું રહેશે.

અગાઉ લેન્ડરે ચંદ્રની જમીનનું તાપમાન માપીને મોકલ્યું હતું. ઈસરોએ આ અંગેનો ગ્રાફ પણ ટ્વિટ કર્યો હતો. જેમાં જમીનની ઉંડાઈ પ્રમાણે જમીનનું તાપમાન જોઈ શકાય છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના તાપમાનનું આ સૌથી પહેલી વખત કરાયલું નિરીક્ષણ છે. સૌથી મહત્વની વાત એ છે કે લેન્ડરમાં ચંદ્રનું તાપમાન માપવા જે ચાસ્તે પેલોડ લગાવેલું છે, તેને અમદાવાદની PRLના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલું છે. ચાસ્તેમાં તાપમાન માપવા 10 ટેમ્પ્રેચર સેન્સર છે. આ સેન્સર ચંદ્રની જમીનની અંદર 4 ઈંચ સુધીનું તાપમાન માપી શકે છે. જમીનનું તાપમાન માપવા માટે લેન્ડરે ખોદકામ કરવાની જરૂર નથી પડતી. 

ચંદ્રયાન 3ના રોવરમાં લગાવેલું APXS એટલે કે આલ્ફા પાર્ટિકલ એક્સ રે સ્પેક્ટ્રોમિટર નામનું પેયલોડ પણ અમદાવાદની PRLના વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલું છે. આ પેલોડ ચંદ્રની જમીનમાં રહેલા ખનીજો અંગે માહિતી આપવામાં અગત્યની ભૂમિકા અદા કરી રહ્યું છે. પીઆરએલના વૈજ્ઞાનિકોએ બનાવેલા બંને ઇન્સ્ટ્રુમેન્ટ્સ સહિત લેંડર અને રોવરના પાંચેય ઈન્સ્ટ્રુમેન્ટ્સ હાલ અપેક્ષિત પરિણામો આપી રહ્યા છે. 

ઈસરોએ ટ્વિટ કરેલા ગ્રાફમાં જોઈ શકાય છે કે ચંદ્રના દક્ષિણ ધ્રુવની જમીનનું તાપમાન 80 મિલીમીટરની ઉંડાઈએ માઈનસ 10 ડિગ્રી સેન્ટિગ્રેડ છે, જ્યારે જમીનની સપાટી પર આ તાપમાન વધીને 50થી 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. એટલે કે ચંદ્રની સપાટી પર જ્યાં સહન ન કરી શકાય તેટલી ગરમી છે, તો બીજી તરફ જમીનની નીચે થીજી જવાય તેટલી ઠંડી છે. જે ચંદ્ર પર તાપમાનના તફાવતનો ગાળો દેખાડે છે. ચંદ્ર પર જીવનની સંભવિતતા શોધવા માટે તાપમાન સૌથી નિર્ણાયક પરિબળ છે. 

હાલ ઈસરોને ચંદ્રના જે પરિણામો મળી રહ્યા છે, તે પ્રાથમિક છે, 14 દિવસ સુધી મળનારા પરિણામોનું વૈજ્ઞાનિકો વિશ્લેષણ કરશે, ત્યારબાદ નિર્ણાયક ડેટા સામે આવશે. આ પરિણામો પર PRLના વૈજ્ઞાનિકોની પણ નજર છે. અગાઉ ઈસરોના ચેરમેન એસ. સોમનાથે કહ્યું હતું કે ચંદ્રયાન 3 ત્રીજી સપ્ટેમ્બર સુધી પોતાની કામગીરી પૂરી કરી દેશે. એટલે કે હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નિર્ણાયક માહિતી સામે આવે તેને વધુ વાર નહીં લાગે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news