લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર માટે શું છે પાટીદારોની તૈયારી? આ 4 માંગો નહીં સંતોષાય તો થશે ઉગ્ર આંદોલન!
હવે પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા SPGએ આ માટેની ઔપચારિક કવાયત શરૂ કરી છે. એસપીજીએ લગ્ન નોંધણી અધિનિયમમાં ફેરફાર માટે અભિયાન શરૂ કર્યું છે. સર્વ સમાજ લગ્ન નોંધણી સુધારા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: યુવતીઓના લગ્નની નોંધણીના નિયમોમાં ફેરફાર કરવા માટે પાટીદાર સમાજે આખરે અભિયાન શરૂ કર્યું છે. આ માટે એક કમિટીનું ગઠન પણ કરવામાં આવ્યું છે. જે પહેલાં રાજકીય અને પછી કાયદાકીય કવાયત હાથ ધરશે. શું છે આ માટે સરદાર પટેલ ગ્રુપની યોજના. માતાપિતાની મરજી વિરુદ્ધ યુવતીઓના પ્રેમલગ્ન અને લવ જેહાદ જેવા કિસ્સાઓને જોતાં પાટીદાર સમાજ છેલ્લા ઘણા સમયથી ચિંતિત છે. પાટીદાર સમાજની સંસ્થાઓમાં આ માટે બેઠકોનો દોર પણ ચાલી રહ્યો છે. સરકાર સમક્ષ માગ પણ કરાઈ છે.
હવે પાટીદાર સમાજની અગ્રણી સંસ્થા SPGએ આ માટેની ઔપચારિક કવાયત શરૂ કરી છે. એસપીજીએ લગ્ન નોંધણી અધિનિયમમાં ફેરફાર માટે અભિયાન શરૂ કર્યું છે. સર્વ સમાજ લગ્ન નોંધણી સુધારા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. જે ગુજરાતના 182 ધારાસભ્યો તેમજ લોકસભા અને રાજ્યસભાના તમામ સાંસદોને મળીને તેમના સમર્થન પત્ર મેળવશે. ત્યારબાદ મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવશે. જરૂર પડશે તો કાયદામાં સુધારા માટે સરકારને અલ્ટીમેટમ પણ અપાશે.
SPGએ જે ચાર માંગો કરી છે, તેમાં દીકરીના લગ્નની નોંધણી વતનમાં જ કરવાની, લગ્નની નોંધણી કલેક્ટર કે મામલતદારના વેરિફિકેશન બાદ જ કરવાની, લગ્નની નોંધણી વખતે દસ્તાવેજની ચકાસણી પોલીસના માધ્યમથી કરાવવાની અને લગ્ન નોંધણી વખતે માતાપિતાની સહી ફરજિયાત કરવાનો સમાવેશ થાય છે. આ તમામ માગણીઓ એવા લગ્નોને જોતાં કરાઈ છે, જે માતાપિતાની મરજી વિરુદ્ધ કરવામાં આવે છે.
અગાઉ 11મી ઓક્ટોબરે સુરતના કામરેજમાં આ જ મુદ્દે એસપીજીએ ચિંતન શિબિરનું આયોજન કર્યું હતું. જેમાં અન્ય સમાજના અગ્રણીઓએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. હવે આ તમામ માગોના અમલીકરણ માટે એસપીજીએ કવાયત શરૂ કરી છે. સંસ્થાના અધ્યક્ષ લાલજી પટેલે સ્પષ્ટતા કરી છે કે જો તેમની માગ નહીં સંતોષાય તો તેઓ ઉગ્ર આંદોલનનો રસ્તો અપનાવતા નહીં ખચકાય.
થોડા સમય પહેલાં જ SPGએ રાજ્યમાં ખોટા લગ્નની નોંધણીના રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનો દાવો કર્યો હતો. SPGએ દાવો કર્યો હતો કે જુદી જુદી જગ્યાએ ચાર હજારથી વધુ લગ્નોની નોંધણી ખોટી કરાઈ છે. જેમાં ખોટા દસ્તાવેજોનો ઉપયોગ પણ સામેલ છે. મુખ્યમંત્રી અગાઉ બંધારણની જોગવાઈના આધારે કાયદો બનાવવાની વાત કરી ચૂક્યા છે, ત્યારે જોવું એ રહેશે કે હવે સરકાર શું વલણ દાખવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે