કોણ છે ગુજરાત કોંગ્રેસના નવા 'કેપ્ટન' અમિત ચાવડા? જાણો તેમના વિશે
ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ તરીકે વરણી કરી છે.
- ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપાઇ
- રાહુલ ગાંધીએ અમિત ચાવડાની કરી વરણી
- આંકલાવના ધારાસભ્ય છે અમિત ચાવડા
Trending Photos
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ પદેથી ભરતસિંહના રાજીનામા બાદ અમિત ચાવડાને નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. કોંગ્રેસ હાઈકમાન્ડે આ અંગેનો લેટર જાહેર કર્યો છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ તરીકે વરણી કરી છે. વર્ષ 2019ની રણનીતિ અંગે પૂછતાં તેમણે કહ્યું-બૂથ લેવલના સંગઠનને મજબૂત બનાવવામાં આવશે.
41 વર્ષના અમિત ચાવડા વિશે વિગતે વાત કરીએ તો, તેઓ આણંદના આંકલાવના ધારાસભ્ય છે. છેલ્લી ચાર ટર્મથી તેઓ ચૂંટાતા આવે છે. 2004માં પ્રથમ વખત તેઓ બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા હતા. 2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી વિધાનસભામાં તેમને ઉપદંડક વિરોધપક્ષનો નવો કારભાર મળ્યો હતો. તો વર્ષ 2017ની એફિડેવિટ પ્રમાણે તેમની સંપત્તિ એક કરોડ છે. તેમનો અભ્યાસની વાત કરીએ તો, તેઓ કેમિકલ એન્જિનિયર છે. વર્ષ 1995માં તેમણે કેમિકલ એન્જિનિયર તરીકેની પદવી મેળવી હતી. અમિત ચાવડા રાજકીય પરિવારમાંથી આવે છે. તેમના દાદા ઈશ્વર ચાવડા એક સમયે સાંસદ સભ્ય હતા. જ્યારે ઈશ્વર ભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા.
ઉલ્લેખનિય છે કે, ભરતસિંહ સોલંકીએ 19 માર્ચે રાજીનામું આપ્યું હતુ. જે બાદ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ કોણ તે અંગે પ્રશ્નાર્થ હતો જોકે હવે તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે.
કોણ છે અમિત ચાવડા?
- અમિત ચાવડાનો જન્મ 24 એપ્રિલ 1976માં થયો હતો.
- અમિત ચાવડા કેમિકલ એન્જિનિયર (1995)ની ડિગ્રી ધરાવે છે
- અમિત ચાવડાની ઉંમર 41 વર્ષ છે
- 2017ની એફિડેવિટ પ્રમાણે 1 કરોડની સંપત્તિ
- 2004માં પ્રથમ વખત બોરસદથી વિધાનસભાની ચૂંટણી જીત્યા
- ચાર ટર્મથી ચૂટાય છે અમિત ચાવડા
- 2012ની વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી વિધાનસભામાં તેમને ઉપદંડક વિરોધપક્ષનો નવો કારભાર મળ્યો હતો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે