મનપાની મહેનત પર પાણી ફેરવતા સુરતીઓ, આવુ ગંદુ રાખશે તો સ્વચ્છ સિટીનું ટાઈટલ પણ હાથમાંથી જશે

Swachhta Abhiyan : સુરતમાં સફાઈ કામગીરી સામે પડકાર... સફાઈ બાદ ફરી વારંવાર ગંદકીનું સામ્રાજ્ય ખડકાવા લાગે છે... સફાઈ માટે લોકજાગૃતિ લાવવામાં મનપા પાછળ રહી છે... દંડાત્મક કાર્યવાહી પણ નથી કરતી

મનપાની મહેનત પર પાણી ફેરવતા સુરતીઓ, આવુ ગંદુ રાખશે તો સ્વચ્છ સિટીનું ટાઈટલ પણ હાથમાંથી જશે

Surat News ચેતન પટેલ/સુરત : સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે મનપાએ મોટી કવાયત હાથ ધરી છે. શહેરના તમામ નવ ઝોનમાં સફાઈ કામગીરી હાથ ધરાઈ છે. આ કામગીરીના નિરીક્ષણ માટે તમામ ઝોનના વડા મેદાનમાં ઉતર્યા છે. કેવી રીતે થઈ રહી છે સુરતની સફાઈ, જોઈએ આ અહેવાલમાં...

સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત શહેરે દેશભરમાં બીજો ક્રમ જાળવી રાખ્યો છે, જો કે સ્વચ્છતામાં છેલ્લા છ વર્ષથી પહેલા ક્રમે રહેલા ઈન્દોરને ઓવરટેક કરવું સુરત માટે એક મોટો પડકાર છે. સફાઈ માટે ઇન્દોરના લોકો જેટલી લોકજાગૃતિ આવે તે માટે સુરતે હજુ લાંબી મજલ કાપવાની છે. આ જ કારણ છે કે સુરતના મ્યુનિસિપલ કમિશ્નર શાલિની અગ્રવાલ હવે સ્વચ્છતા માટે પોતે મેદાને ઉતર્યા છે. તેમની દેખરેખ હેઠળ સમગ્ર શહેરમાં સફાઈ કરવામાં આવી રહી છે. 

પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, સુરત શહેરના તમામ ઝોનના ઝોનલ અધિકારીઓને સફાઈ કામગીરીનું નિરીક્ષણ સોંપવામાં આવ્યું છે. તેઓ જાહેર જગ્યાઓ પર સફાઈ કામગીરીનું નિરીક્ષણ કરે છે. ઝુંપડપટ્ટી વિસ્તારોમાં સફાઈ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેનું પરિણામ એ આવ્યું છે કે સુરત શહેરમાં થોડા સમય અગાઉ દરરોજ 250 ટન કચરો ભેગો થતો હતો, તે હવે વધીને 400 ટન થયો છે. સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું ત્યારથી અત્યાર સુધી 3,294 ટન કચરો દૂર કરાયો છે. 

સુરત મનપા દિવસ-રાત સફાઇની કામગીરી તો કરે છે પણ ફરી ગંદકીનું સામ્રાજ્ય ખડકાવા લાગે છે. સફાઈ માટે લોકજાગૃતિ લાવવામાં મનપા એક રીતે પાછળ રહી છે, સાથે જ દંડાત્મક કાર્યવાહી પણ નથી કરતી. શહેરના કેટલાક વિસ્તારોમાં આવી સ્થિતિ જોવા મળે છે, ડોર ટુ ડોર કચરાનું કલેક્શન કરતા વાહનો મોડા આવતા હોવાની ફરિયાદ સાથે લોકો રસ્તા પર જ કચરો ફેંકી દે છે. મનપાએ કચરો નાંખવાના કન્ટેઈનર દૂર કરતા લોકોએ રસ્તાને જ ઉકરડો બનાવી દીધો છે. આ માટે લોકોનાં કારણ પણ સાંભળવા જેવા છે.

જ્યાં સુધી આ પ્રકારના દ્રશ્યો જોવા મળશે ત્યાં સુધી સ્વચ્છતા અભિયાનનો કોઈ અર્થ નથી સરતો. સ્વચ્છતા લાવવી અને જાળવવામાં તંત્રથી વધુ ભૂમિકા લોકોની હોય છે. હવે સુરતના લોકોએ વિચારવાનું છે કે તેમણે પોતાના શહેરને નંબર વન બનાવવું છે કે પછી બીજા નંબર પરથી પણ દૂર કરવું છે. 

ગંદકી જોઈ વિફર્યા હતા હર્ષ સંઘવી
તાજેતરમાં જ સ્વસ્છતા માટે દેશમાં બીજું સ્થાન મળ્યું છે. પણ સુરતના સુમન આવાસમાં ગંદકી જોતાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિફર્યા હતા. તેમણે મહિલાઓને જણાવ્યું હતું કે, હાથમાં લાકડી લઈને બેસો તો કોઈ ગંદકી નહીં કરે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સુમન આવાસ ખાતે પહોંચ્યા હતા. સુમન આવાસ ગંદકી જોઈ ગૃહપ્રધાન હર્ષ સંઘવી વિફર્યા હતા. આવાસમાં માવાની પિચકારીઓ અંગે મહિલાઓએ હર્ષ સંઘવીને ફરિયાદ કરી હતી. ત્યારે હર્ષ સંઘવીએ મહિલાઓને કહ્યું હતું કે, હાથમાં લાકડી લઈને બેસો, કોઈ માવાની પિચકારીથી બિલ્ડીંગ અને લિફ્ટમાં ગંદકી કરશે નહીં. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news