શું જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં જોડાશે? ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કર્યો ખુલાસો

ગુજરાતના રાજકારણમાં દરરોજ નવા-નવા સમાચાર આવતા રહે છે. હવે ચર્ચા શરૂ થઈ કે જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં જોડાવાના છે, પરંતુ હવે ખુદ તેમણે એક્સ પર ખુલાસો કર્યો છે.

શું જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં જોડાશે? ભાજપ નેતાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કર્યો ખુલાસો

અમદાવાદઃ સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા જવાહર ચાવડાની ભાજપ છોડીને કોંગ્રેસમાં ફરી જોડાવવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. ચારે તરફ ચર્ચા થઈ રહી છે કે લોકસભા ચૂંટણી પહેલાં જ જવાહર ચાવડા ફરી કોંગ્રેસનો હાથ ઝાલી લેશે. પરંતુ જવાહર ચાવડાએ એક્સ પર પોસ્ટ કરીને જ સ્પષ્ટતા કરી દીધી છે, ત્યારે જવાહર ચાવડા ભાજપમાં જ રહેશે કે ફરી કોંગ્રેસમાં જોડાશે, જોઈએ આ અહેવાલમાં... 

લોકસભાની ચૂંટણી સાથે સાથે ગુજરાતની 5 વિધાનસભાની પેટાચૂંટણી પણ જાહેર થઈ છે. ભાજપે લોકસભા માટે તમામ નામ જાહેર કર્યા છે, જ્યારે કોંગ્રેસે 7 બેઠક પર નામ જાહેર કર્યા નથી. ત્યારે ભાજપ કે કોંગ્રેસે 5 વિધાનસભાની પેટાચૂંટણી માટે એકપણ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. આ ઘટનાક્રમ વચ્ચે છેલ્લા થોડા દિવસોથી જવાહર ચાવડાની ઘર વાપસીએ જોર પકડ્યું છે.

2019માં જવાહર ચાવડાએ કોંગ્રેસ છોડીને કેસરિયો ખેસ ધારણ કરતા પેટાચૂંટણી કરવી પડી હતી અને આ વખતે અરવિંદ લાડાણી કોંગ્રેસ છોડીને ભાજપ જોઇન કરતા પેટાચૂંટણી આવી પડી છે. તે સમયે લાડાણી કોંગ્રેસમાંથી તો જવાહર ચાવડા ભાજપમાંથી ચૂંટણી લડી રહ્યા હતા. જ્યારે આ વખતે ભાજપે લાડાણીને ટિકિટનું વચન આપ્યું હોવાથી તેમની ઉમેદવારી લગભગ નક્કી માનવામાં આવી રહી છે, જ્યારે કોંગ્રેસે હજુ ઉમેદવારની નામ પર મહોર મારવાની બાકી છે. પરંતુ આ સીટ પરથી લડવા માટે જવાહર ચાવડા પણ તત્પર હોવાની ચર્ચાઓ છે. જેથી તેઓ ભાજપથી નારાજ છે અને નવાજૂની કરવાના મૂડમાં હોવાની વાતો થવા લાગી હતી.. 

આ બધાની વચ્ચે જ ભાજપના જુદા જુદા કાર્યક્રમોમાંથી અચાનક જ જવાહર ચાવડા દૂર રહેવા લાગતા લોકોએ નક્કી કરી લીધુ કે જવાહર ચાવડા ટૂંક સમયમાં જ ભાજપ છોડી દેશે અને ફરી કોંગ્રેસનો હાથ ઝાલી લેશે. 

જવાહર ચાવડાના પક્ષપલટાને લઈને રાજકારણ ગરમાતા ખૂદ જવાહર ચાવડાને સ્પષ્ટતા કરવાની જરૂર પડી હતી. જવાહર ચાવડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકતા લખ્યુ હતુ કે મારા વિશે સમાચાર માધ્યમોમાં રાજકીય ફેરફારના ચાલતા સમાચારો સંપૂર્ણ આધાર વિહોણા છે. હું સંપુર્ણ રીતે ભાજપ સાથે જ જોડાયેલો છું અને રહીશ.

જવાહર ચાવડા સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતા ગણાય છે. જવાહર ચાવડાનો પહેલાથી જ માણાવદર બેઠક પર દબદબો છે. ત્યારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જવાહર ચાવડા ફરી કોંગ્રેસમાં જવાની ચર્ચાએ જોર પકડતા કોંગ્રેસ પાર્ટી પણ હરખાય રહી હતી. પરંતુ હવે જવાહર ચાવડાએ ભાજપમાં જ રહેવાની સ્પષ્ટતા કરી દેતા કોંગ્રેસના અરમાનો પર પાણી ફરી ગયું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news