વડોદરાના પોશ વિસ્તારમાં માત્ર સાડા 5 લાખમાં મળશે શાનદાર 2BHK ફ્લેટ્સ, બુકિંગમાં પડાપડી!
વડોદરા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને માત્ર રૂ.સાડા પાંચ લાખમાં આલિશાન ટૂ બીએચકે ફ્લેટ આપવાની યોજનાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27ના રોજ બોડેલી ખાતેથી લોકાર્પણ કરવાના છે.
Trending Photos
ઝી બ્યુરો/વડોદરા: વડોદરામાં ખાનગી બિલ્ડર્સ 2BHK ફ્લેટ્સ આર્થિક નબળા પરિવારોને માત્ર રૂ. 5.5 લાખમાં આપશે. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વુડા દ્વારા સેવાસીમાં બનેલા રૂ. 42 કરોડના 420 ફ્લેટ્સ વડાપ્રધાન દ્વારા લોકાર્પિત કરાશે. સેવાસી ખાતે નગરરચનાના ત્રણ અંતિમ ખંડમાં સાત માળના 10 ટાવરનું નિર્માણ કરી આર્થિક નબળા પરિવારોને આશિયાનો અપાયો.
વડોદરા શહેરના ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને માત્ર રૂ.સાડા પાંચ લાખમાં આલિશાન ટૂ બીએચકે ફ્લેટ આપવાની યોજનાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27ના રોજ બોડેલી ખાતેથી લોકાર્પણ કરવાના છે. કેન્દ્ર સરકારના સૌને માટે આવાસના સંકલ્પને સાકાર કરતી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આર્થિક રીતે નબળા પરિવારો માટે સેવાસી ખાતે રૂ. 42 કરોડના ખર્ચથી બનાવવામાં આવેલા કુલ 420 ફ્લેટ્સનું લોકાર્પણ થશે.
વુડાના મુખ્ય કારોબારી અધિકારી જે. એસ. પ્રજાપતિએ જણાવ્યું કે, સેવાસીની નગરરચના ક્રમાંક–૨ના અંતિમ ખંડ 144માં બે ટાવર, 146માં 3 ટાવર અને 147માં પાંચ મળી સાત માળના કુલ 10 ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ માટે કુલ 10831 ચોરસ મિટર જમીન ઉપર આવાસ યોજના બની છે. જે પૈકી પાંચ ટાવરમાં એક ફ્લોર ઉપર આઠ અને બીજા પાંચ ટાવરમાં એક ફ્લોર ઉપર ચાર ફ્લેટ બનાવવામાં આવ્યા છે.
ભૂકંપ પ્રતિકારક આ બિલ્ડિંગમાં આધુનિક લિફ્ટની સગવડ સાથે દરેક ફ્લેટમાં એક હોલ, બે બેડરૂમ, એક કિચન, ટોઇલેટ બાથરૂમની સુવિધા છે. ગુણવત્તાયુક્ત વિટ્રીફાઇડ ટાઇલ્સ, ગ્રેનાઇટ પ્લેટફોર્મ, ગ્લેઝ્ડ ટાઇલ્સ, ફ્લશ ડોર, એલ્યુમિનિયમ સ્લાઇડિંગ વિન્ડો સાથે અંદર તથા બહાર પ્લાસ્ટર, ગુણવત્તાયુક્ત સીપી ફિટિંગ તથા સેનેટરી વેર્સ અને ધાબા ઉપર વોટર પ્રૂફ ટ્રીટમેન્ટ સાથે મોઝેઇક ટાઇલ્સ બેસાડવામાં આવી છે.
તદ્દઉપરાંત અન્ડર ગ્રાઉન્ડ અને ઓવર હેડ ટાંકી, કમ્પાઉન્ડ હોલ, પ્રવેશ દ્વાર, આરસીસી રોડ, કેમ્પસમાં લાઇટિંગ, પાર્કિંગમાં પેવર બ્લોક, કોમન પ્લોટમાં ગ્રિનરી, પર્કોલેટિંગ વેલની સુવિધા સાથે સુંદર એલિવેશન કરવામાં આવ્યું છે. આવી બધી જ સુવિધા ખાનગી બિલ્ડર્સ દ્વારા આપવામાં આવે છે. તેવી તમામ સુવિધાઓ સાથે માત્ર સાડા પાંચ લાખ રૂપિયામાં આર્થિક રીતે નબળા પરિવારોને ફ્લેટ આપવામાં આવ્યા છે.
રાજ્ય સરકારના નિયમો મુજબ આ આવાસો પૈકી ડિફેન્સ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, દિવ્યાંગ તથા જનરલ કેટેગરીના પરિવારોને ડ્રો પદ્ધતિથી સંપૂર્ણ પારદર્શક રીતે આવાસો ફાળવવામાં આવ્યા છે. આર્થિક રીતે નબળા વર્ગોને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્ય સરકાર રૂ. 1.50 લાખ તથા કેન્દ્ર સરકાર રૂ. 1.50 લાખનો ફાળો આપે છે અને લાભાર્થીને માત્ર રૂ. 5.5 લાખ ભરવાના રહે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે