ત્રિચી એરપોર્ટ પર 136 મુસાફરોથી ભરેલું વિમાન દીવાલ સાથે ટકરાયું, સંપર્ક ખોરવાયો, અને....

તામિલનાડુના ત્રિચી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ.

Updated: Oct 12, 2018, 09:24 AM IST
ત્રિચી એરપોર્ટ પર 136 મુસાફરોથી ભરેલું વિમાન દીવાલ સાથે ટકરાયું, સંપર્ક ખોરવાયો, અને....

નવી દિલ્હી/તામિલનાડુ: તામિલનાડુના ત્રિચી એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ. મળતી માહિતી મુજબ એર ઈન્ડિયાની ત્રિચીથી દુબઈ જતી ફ્લાઈટ એરપોર્ટની એક કમ્પાઉન્ડ વોલ સાથે ટકરાઈ ગઈ અને ત્યારબાદ ફ્લાઈટમાં કેટલીક ટેક્નીકલ ખામીઓ સર્જાઈ. વિમાનની મુંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી. વિમાનમાં સવાર મુસાફરો અને ક્રુ સભ્યોને કોઈ નુકસાન થયું કે નહીં તે અંગે કોઈ અહેવાલ નથી. ડીજીસીએએ આ ઘટનાની તપાસના આદેશ આપ્યાં છે. 

કહેવાય છે કે એર ઈન્ડિયાની ફ્લાઈટ IX-611 મોડી રાતે લગભગ દોઢ વાગ્યે ત્રિચી (તિરુચેરાપલ્લી) તામિલનાડુથી દુબઈ જવા માટે ઉડી હતી. વિમાનમાં લગભગ 136 મુસાફરો સવાર હતાં. ટેક ઓફ દરમિયાન ફ્લાઈટ એરપોર્ટની સેફ્ટી વોલ સાથે ટકરાઈ. આ ઘટના બાદ વિમાનનો સંપર્ક ATC સાથે તૂટી  ગયો હતો. ત્યારબાદ સવારે 5.39 વાગે વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું. 

Air India plane emergency landing at Mumbai Airport

વિમાનના નીચલા ભાગને નુકસાન થયું છે. ટેક્નીકલ ખામીને ઠીક કરાવાયા બાદ ફ્લાઈટે ફરીથી ઉડાણ ભરી લીધી હોવાના અહેવાલ છે. અત્રે જણાવવાનું કે આ અગાઉ જેટ એરવેઝની ફ્લાઈટનું એન્જિન ફેલ થવાના કારણે ઈન્દોરમાં તેને ઈમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. 30 સપ્ટેમ્બરના રોજ 36,000 ફૂટની ઊંચાઈએ ઉડ્યા બાદ જેટ એરવેઝની ફ્લાઈટનું એન્જિન ફેલ થઈ ગયું હતું. ફ્લાઈટમાં 100થી વધુ મુસાફરો હતાં. આ ફ્લાઈટ 9W-955એ રવિવારે (30 સપ્ટેમ્બર) હૈદરાબાદથી ચંડીગઢ માટે ઉડાણ ભરી હતી. 

એન્જિનમાં ખરાબી આવ્યાં બાદ પાઈલટે વિમાનની સ્પીડ ઓછી કરી હતી અને ત્યારબાદ ઈન્દોરમાં સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. નોંધનીય છે કે હાલમાં જ મુંબઈથી જયપુર જઈ રહેલી જેટ એરવેઝની ફ્લાઈટમાં હવાનું દબાણ ઓછી થઈ જવાના કારણે મુસાફરોના નાક અને કાનમાંથી લોહી નીકળવા માંડ્યું હતું. ત્યારબાદ મુંબઈ એરપોર્ટ પર જ વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવાયું હતું.