J&K: બડગામથી ગૂમ થયેલા આર્મી જવાનની ભાળ મળી, સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચ્યો

: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાંથી શુક્રવારે ભારતીય સેનાના એક જવાનનું આતંકીઓએ અપહરણ કર્યુ હોવાના અહેવાલથી સન્નાટો છવાઈ ગયો હતો. અપહ્રત જવાન મોહમ્મદ યાસીનની ભાળ મળી ગઈ છે.

J&K: બડગામથી ગૂમ થયેલા આર્મી જવાનની ભાળ મળી, સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચ્યો

શ્રીનગર: મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાંથી શુક્રવારે ભારતીય સેનાના એક જવાનનું આતંકીઓએ અપહરણ કર્યુ હોવાના અહેવાલથી સન્નાટો છવાઈ ગયો હતો. અપહ્રત જવાન મોહમ્મદ યાસીનની ભાળ મળી ગઈ છે. આજે સવારે ભારતીય સેનાનો આ જવાન મોહમ્મદ યાસીન સુરક્ષિત રીતે પોતાના ઘરે પહોંચી ગયો છે. સેનાના અધિકારી અને જમ્મુ કાશ્મીર પોલીસ મોહમ્મદ યાસીનની હાલ પૂછપરછ કરી રહી છે. અગાઉ એવા અહેવાલો હતાં તે આ આર્મી જવાનનું બડગામમાં તેના ઘરેથી અપહરણ  થયું છે. જો કે સંરક્ષણ મંત્રાલય દ્વારા જવાનનું અપહરણ થયું હોવાના અહેવાલોને ફગાવવામાં આવ્યાં છે. સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ સ્પષ્ટ કર્યું હતું કે રજા પર ગયેલા આ જવાનના અપહરણની વાતો ખોટી છે. જવાન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અગાઉ જવાન ગુમ થતા તેના અપહરણના અહેવાલો આવ્યાં હતાં. 

સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ આ અંગે ટ્વિટ કરીને કહ્યું કે બડગામના ચાડૂપોરા વિસ્તારના કાઝીપોરાથી રજા પર ગયેલા જવાનના અપહરણના મીડિયા અહેવાલ ખોટા છે.  જવાન સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. અત્રે જણાવવાનું કે આ અંગે શુક્રવારે રાતે એવા અહેવાલો આવ્યાં હતાં કે 27 વર્ષના યાસીનને ચાર અજાણ્યા બંદૂકધારીઓ તેના ઘરેથી ઉઠાવીને લઈ ગયાં. 

— Defence Spokesperson (@SpokespersonMoD) March 9, 2019

બડગામ જિલ્લો આતંક પ્રભાવિત વિસ્તારોમાંથી એક ગણાય છે. કહેવાય છે કે શનિવારે સવારે લગભગ પાંચ વાગ્યે યાસીન જમ્મુ અને કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટલ સેન્ટર પહોંચ્યો હતો. 

રજા પર ઘરે આવ્યો હતો જવાન
શુક્રવારે સેનાના જવાનનું અપહરણ થયા બાદ અધિકારીઓએ જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રી રેજિમેન્ટમાં તહેનાત મોહમ્મદ યાસીનના પરિવારે પોલીસને જાણ કરી હતી કે કેટલાક લોકો કાઝીપુરા ચદૂરામાં તેમના ઘરે આવ્યાં અને યાસીનને લઈ ગયાં. યાસીન 15 દિવસની રજાઓ લઈને ઘરે આવ્યો હતો. 

ઘટના બાદ સમગ્ર વિસ્તારની ઘેરાબંધી કરીને સર્ચ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પોલીસ અને સેનાના અધિકારીઓએ એવી આશંકા વ્યક્ત કરી હતી કે આ કોઈ આતંકી સંગઠનનું કામ હોઈ શકે છે. જો કે તે સમયે સ્પષ્ટ રીતે માહિતી નહતી મળી કે આખરે યાસીનને અપહરણ કરવા પાછળ કયા આતંકી સંગઠન અને આતંકીઓનો હાથ છે. 

અગાઉ પણ જવાનોના અપહરણ અને હત્યાની ઘટનાઓ ઘટી છે
જમ્મુ અને કાશ્મીરમાં આ અગાઉ પણ સેનાના જવાનોના અપહરણ અને ત્યારબાદ હત્યાની ઘટનાઓ ઘટેલી છે. 2017માં આતંકીઓએ લેફ્ટેનન્ટ ઉમર ફૈયાઝ અને 2018માં સિપાઈ ઔરંગઝેબનું અપહરણ કરીને હત્યા કરી નાખી હતી. આ બંને રજાઓ પર તેમના ઘરે આવ્યાં હતાં. કુલગામના રહીશ 22 વર્ષના ઉમર ફૈયાઝનું શોપિયાથી અપરહણ કરાયું હતું  જ્યારે પૂંછમાં રહેતા 25 વર્ષના ઔરંગઝેબનું પુલવામાથી અપહરણ કરાયું હતું. ઔરંગઝેબ જમ્મુ અને કાશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રી સાથે જોડાયેલો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news