છત્તીસગઢના નવા મુખ્યમંત્રી બનશે ભૂપેશ બઘેલ, વિધાયક દળે કરી પોતાના નેતા તરીકે પસંદગી
ભૂપેશ બઘેલ છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. ભૂપેશ બધેલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. વિધાયક દળે તેમને પોતાના નેતા તરીકેની પસંદગી કરી છે.
Trending Photos
રાયપુર: ભૂપેશ બઘેલ છત્તીસગઢ રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. ભૂપેશ બધેલ પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ છે. વિધાયક દળે તેમને પોતાના નેતા તરીકેની પસંદગી કરી છે. કોંગ્રેસ પ્રદેશ કમિટીના પ્રમુખ ભૂપેશ બઘેલ પાટણ સીટથી ચૂંટણી જીત્યા છે. રાજ્યમાં રાજાકારણના કેન્દ્ર બિંદુઓમાંના એક એવા પાટણ વિધાનસભા ક્ષેત્રમાં આ વખતે તેમની સામે ભાજપે મોતીલાલ સાહુ તરીકે એક નવા ચહેરાને ઉતાર્યો હતો. પોતાના તેવરોથી છત્તીસગઢના રાજકારણમાં મહત્વપૂર્ણ સ્થાન બનાવનારા રાજનેતાઓમાં સામેલ ભૂપેશ બઘેલનો સંબંધ અનેક વિવાદો સાથે પણ રહ્યો છે.
સીડી કાંડના કારણે ભૂપેશ બઘેલ ખુબ ચર્ચામાં રહ્યાં હતાં. જેના પગલે તેમણે જેલની હવા પણ ખાવી પડી હતી. પરંતુ આમ છતાં તેમણે જામીન લેવાની પણ ના પાડી હતી. આવો આપણે તેમના રાજકીય કેરિયર પર એક નજર નાખીએ....
23 ઓગસ્ટ 1961ના રોજ જન્મેલા બઘેલ કુર્મી જાતિમાંથી આવે છે. 1980ના દાયકાની વાત છે, જ્યારે છત્તીસગઢ મધ્ય પ્રદેશનો એક ભાગ હતો. તે સમયે ભૂપેશ બઘેલે પોલિટિક્સમાં પોતાની ઈનિંગની શરૂઆત જ કરી હતી. દુર્ગ જિલ્લાના રહીશ ભૂપેશ અહીંના યુથ કોંગ્રેસના અધ્યક્ષ બન્યાં. 1990થી 94 સુધી જિલ્લા યુવક કોંગ્રેસ કમિટી, દુર્ગ (ગ્રામિણ)ના અધ્યક્ષ રહ્યાં. ભૂપેશ બઘેલ છત્તીસગઢ મનવા કુર્મી સમાજના 1996થી હાલ સુધી સંરક્ષક રહ્યાં છે. મધ્ય પ્રદેશ હાઉસિંગ બોર્ડના 1993થી 2001 સુધી ડાઈરેક્ટર પણ રહી ચૂક્યા છે.
2000માં જ્યારે છત્તીસગઢ અલગ રાજ્ય બન્યું તો તેઓ પાટણ સીટથી વિધાનસભા પહોંચ્યાં. આ દરમિયાન તેઓ કેબિનેટ મંત્રી પણ બન્યાં. 2003માં કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ તો ભૂપેશને વિપક્ષના ઉપનેતા બનાવવામાં આવ્યાં. ઓક્ટોબર 2014માં તેમને છત્તીસગઢ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં અને ત્યારથી તેઓ આ પદ પર હતાં.
વિવાદો સાથે પણ ગાઢ સંબંધ
ભૂપેશ બઘેલનો વિવાદ સાથે પણ ગાઢ સંબંધ રહ્યો છે. વર્ષ 2017ના ઓક્ટોબરમાં વાઈરલ થયેલી એક કથિત સેક્સ ટેપમાં દિલ્હીથી એક પત્રકારની ધરપકડ થઈ હતી. આ મામલે ભાજપે કોંગ્રેસના નેતાઓ પર કથિત સેક્સ સીડી વિતરણ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ સીડી કાંડમાં પત્રકાર સાથે ભૂપેશ બઘેલ વિરુદ્ધ પણ રાયપુરમાં એફઆઈઆર નોંધાઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકાર તરફથી આ મામલો સીબીઆઈને સોંપી દેવામાં આવ્યો હતો અને તપાસ એજન્સી દ્વારા ભાજપ અને કોંગ્રેસના નેતાઓની પૂછપરછ કરાઈ હતી.
ઓક્ટોબરમાં જ ભૂપેશ બઘેલ નવા વિવાદમાં પડ્યા હતાં. તેમણે એક સભામાં ભાજપ પર નિશાન સાધતા છોકરીઓ માટે આપત્તિજનક શબ્દો કહ્યા હતાં. જેનાથી નારાજ થઈને ત્યાં હાજર મહિલાઓ કાર્યક્રમની અધવચ્ચે ઉઠીને જતી રહી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે