BJP Foundation Day: ભાજપના દરેક મોટા નેતાઓ સામાન્ય સ્થિતિમાંથી ઉપર આવ્યા, આ રહ્યો સૌથી મોટો પુરાવો

ભારતીય જનતા પાર્ટીને 41 વર્ષ પૂર્ણ થયા છે. 6 April 1980માં ભાજપ પાર્ટીની થઈ હતી સ્થાપના. બે સાંસદવાળી પાર્ટી આજે દેશ પર પૂર્ણ બહુમતી સાથે સાસન કરી રહી છે જેનું સૌથી મોટુ કારણ છે કે પાર્ટી સામાન્ય પરિસ્થિતિમાં જીવતા નેતાઓ પર ભરોસો કરે છે. પાર્ટી ગ્રાઉન્ડ લેવલ પર કામ કરે છે.

BJP Foundation Day: ભાજપના દરેક મોટા નેતાઓ સામાન્ય સ્થિતિમાંથી ઉપર આવ્યા, આ રહ્યો સૌથી મોટો પુરાવો

ઝી બ્યૂરો, અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીએ 41 વર્ષોમાં રાજનીતિમાં દરેક અશક્ય કામને શક્ય કરી બતાવ્યું છે. આ કામ કરવા પાછળ પાર્ટીના સામાન્ય લોકોને જવાબદારી આપવાની વિચારધારાએ મહત્વની ભૂમિકા ભજવી છે. સામાન્ય લોકોને જવાબદારી સોંપવાનું કામ ભાજપ 1980થી જ કરી કરી રહ્યું છે.

અટલ બિહારી વાજપેયી
(1980-1986)
અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. આમ તો વાજપેયીએ પોતાની કારર્કિદીની શરૂઆત પત્રકાર તરીકે કરી હતી. વાજપેયીના રાષ્ટ્રપ્રેમ અને સેવાની ભાવનાએ તેમને રાજનીતિની ગલીયોમાં એક શક્તિશાળી વ્યક્તિ અને કર્મનિષ્ઠ રાજનેતા બનાવી દીધા. વર્ષ 1980માં ભાજપની સ્થાપનાના સમયમાં તે પહેલા અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા. વાજપેયીએ જનસંઘ, ભારતીય જનસંઘના અધ્યક્ષની જવાબદારી નિભાવી. વાજપેયીને ભાજપ તરફથી પ્રથમ પ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા હતા. વાજપેયીને 3 વખત દેશના પ્રધાનમંત્રી બનવાનો લાભ મળ્યો.

લાલકૃષ્ણ અડવાણી
(1986-1991)
(1993-1998)
(2004-2005)
લાલકૃષ્ણ અડવાણીનો જન્મ 8 નવેમ્બર 1927ના દિવસે પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં થયો હતો. 14 વર્ષની ઉંમરમાં જ તેમણે પોતાનું જીવન દેશના નામે કરી દીધુ. 1947 ભારતના આઝાદીની ઉજવણી ભલે અડવાણીએ ના કરી હોય પરંતુ તે દેશ માટે કઈ પણ કરી નાખવા માટે હંમેશા તૈયાર રહ્યા. આ પાછળનું કારણ એ જ છે કે આઝાદીના થોડા કલાકો પછી અડવાણીને પાકિસ્તાનથી પોતાનું ઘર છોડીને ભારત જવું પડ્યું હતું. ભારતીય જનતા પાર્ટીમાં અડવાણીનું મહત્વ આથી સમજી શકાય છે.અડવાણીએ 3 વખત ભાજપ અધ્યક્ષ પદ સંભાળ્યું.

ડૉ.મુરલી મનોહર જોશી
(1991-1993)
માત્ર 10 વર્ષની ઉંમરમાં RSS સાથે જોડાયેલા ડૉ.મુરલી મનોહર જોશીનો જન્મ 5 જાન્યુઆરી 1934માં થયો હતો. અલાહાબાદ યુનિવર્સિટીમાંથી તેમણે ડોક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. RSS પછી 1949માં જોશી ABVP સાથે જોડાયા. વર્ષ 1957માં મુરલી મનોહર જોશી જનસંઘ સાથે જોડાયા હતા. જનસંઘ પછી તેઓ BJPના ત્રીજા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. વર્ષ 1991થી 1993 સુધી તેમણે ભાજપનું નેતૃત્વ કર્યું.

કુશાભાઉ ઠાકરે
(1998-2000)
15 ઓગષ્ટ 1922ના રોજ મધ્યપ્રદેશના ધાર વિસ્તારમાં કુશાભાઉ ઠાકરનો જન્મ થયો હતો. કુશાભાઉનું સૌભાગ્ય એ છે કે તેમનો જન્મ થયો હતો એ જ તારીખે દેશ આઝાદ થયો. કુશાભાઉ વર્ષ 1942માં તે સંઘ સાથે જોડાયા હતા. તેમને જનસંગ, જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીમાં એક કાર્યકર્તા તરીકે શરૂઆત કરી હતી. એક સામાન્ય પરિસ્થિતિમાંથી પોતાના રાજકીય સફરની શરૂઆત કરી હતી. કુશાભાઉને વર્ષ 1998માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટવામાં આવ્યા હતા.

બંગારૂ લક્ષ્મણ
(2000-01)
બંગારૂ લક્ષ્મણનો જન્મ 17 માર્ચ 1939ના રોજ આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. વર્ષ 1951માં તેઓ RSS સાથે જોડાયા. બે સરકારી નોકરીઓ છોડી તેઓ BJPમાં કેટલાક મહત્વના પદ પર રહ્યા. વર્ષ 2000માં તેમને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

કે.જના કૃષ્ણમૂર્તિ
(2001-02)
કે.જના કૃષ્ણમૂર્તિનો જન્મ 24 મે 1928માં તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. તેઓ વકીલનું કામ કરતા હતા પરંતુ તેમણે 1965માં વકીલાત છોડી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા. 1983માં તેમને ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી બનાવવામાં આવ્યા હતા ત્યાર બાદ તેમને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. સામાન્ય પરિસ્થિતિમાંથી શરૂઆત કરનાર આ નેતાને પણ 14 માર્ચ 2001માં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

વેંકૈયા નાયડૂ
(2002-04)
વેંકૈયા નાયડૂનો જન્મ આંધ્રપ્રદેશના એક નાનકળા ગામ ચાવાટાપલેમના એક સામાન્ય ખેડૂતના ઘરમાં થયો. 1 જુલાઈ 1949માં જન્મેલા વેંકૈયા નાયડૂ આજે દેશના ઉપરાષ્ટ્રપતિ છે. વર્ષ 1973-74માં તે આંધ્ર વિશ્વવિદ્યાલયના છાત્ર સંઘના અધ્યક્ષ બનાવવામાં આવ્યા ત્યાર બાદ તેઓએ ભાજપના કેટલાય મહત્વના પદ સંભાળ્યા. 1 જુલાઈ 2002માં તેમને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.

નીતિન ગડકરી
(2010-13)
નીતિન ગડકરીનો જન્મ મહારાષ્ટ્રના નાગપુર શહેરના એક મધ્યવર્ગીય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમને ABVPના નેતા તરીકે રાજનીતિમાં એન્ટ્રી મારી હતી ત્યારબાદ તેઓ ભાજપના યુવા મોરચા સાથે જોડાયા. તેમને ભાજપના ઘણા મહત્વના પદ પર કામ કર્યું. વર્ષ 2010માં તેઓ ભાજપ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા.

રાજનાથસિંહ
(2005-09)
(2013-14)
10 જુલાઈ 1951માં ઉત્તરપ્રદેશના ચંદોલી જિલ્લાના એક સામાન્ય પરિવારમાં રાજનાથસિંહનો જન્મ થયો હતો. તેમણે ગામમાંથી જ પોતાનું શરૂઆતનું શિક્ષણ મેળવ્યું હતું. મિર્ઝાપુર જિલ્લાની કોલેજથી ભૌતિક વિજ્ઞાનમાં M.Sc કર્યું. આ વચ્ચે તેઓ ભાજપ સાથે જોડાયા. ભાજપ સરકારમાં સમય જતા તેમનું કદ વધવા લાગ્યું. ભાજપ સરકારમાં તેમણે મંત્રી બનાવવામાં આવ્યા ત્યારબાદ તેઓ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી બન્યા. પ્રથમ વખત 2005માં તેઓને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ પછી બીજી વખત 2013માં રાજનાથસિંહને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

અમિત શાહ
(2014-2020)
મુંબઈના એક ગુજરાતી પરિવારમાં જન્મ લેનારા અમિત શાહને ભાજપના ચાણક્ય કહેવામાં આવે છે. તેમની સામાન્ય પરિસ્થિતિની જાણકારી લેવી હોય તો તેમના જીવન પર એક નજર જરૂર કરવી જોઈએ. 1982માં તેઓ કોલેજ કરતા હતા તે સમયે તેમની મુલાકાત નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. વર્ષ 1983માં અમિત શાહ ABVP સાથે જોડાયા ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા. આ સમયમાં અમિત શાહને અમદાવાદના નારણપુરા વોર્ડમાં પોલ એજન્ટ તરીકેનું કામ સોંપવામાં આવ્યું ત્યારબાદ આ જ વોર્ડના સચિવ બનાવવામાં આવ્યા. નારણપુરા વિધાનસભા બેઠક પરથી અમિતશાહ સતત 5 વખત ધારાસભ્ય બન્યા. અમિત શાહે ગુજરાતના ગૃહમંત્રી તરીકે કામ કર્યું છે. વર્ષ 2014માં જ્યારે ભાજપ ફરી સત્તા પર આવી ત્યારે અમિત શાહને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાયા હતા. અત્યારે અમિત શાહ સરકારમાં પ્રધાનમંત્રી પછીના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે અને કેન્દ્રીય ગૃહમંત્રી છે.

જગત પ્રકાશ નડ્ડા
(20-01-2020)
2 ડિસેમ્બર, વર્ષ 1960માં બિહારની રાજધાની પટનામાં જન્મેલા જગત પ્રકાશ નડ્ડાએ પટનાથી B.A. અને LLB કર્યું.  જગત પ્રકાશ પહેલેથી જ ABVPમાં હતા. 1993માં પહેલી વખત તે હિમાચલ પ્રદેશના ધારાસભ્ય બન્યા. તેમને પહેલા રાજ્ય અને પછી કેન્દ્ર મંત્રી પદ સંભાળ્યું. જેપી નડ્ડા વર્ષ 1993થી 2002 સુધી હિમાચલ પ્રદેશ વિધાનસભાના સભ્ય રહ્યા હતા. વર્ષ 1998થી 2003 સુધી હિમાચલ પ્રદેશ સરકારમાં કેબિનેટ મંત્રી પણ રહી ચૂક્યા છે. વર્ષ 2012માં રાજ્ય સભાના સભ્ય રહ્યા. નડ્ડાએ 2014થી 2019 સુધીના ભાજપના સરકારના કાર્યકાળમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયનું નેતૃત્વ કર્યું. હાલ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news