161 વર્ષના ઈતિહાસમાં બજેટમાં કરાયા આ 10 મહત્ત્વના ફેરફારો, જેમણે દાયકાઓ જૂની પરંપરા તોડી
Trending Photos
નવી દિલ્લીઃ આવતીકાલે એટલે કે 1 ફેબ્રુઆરીએ સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરવામાં આવશે. બજેટને કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ રજૂ કરશે. ભારતમાં બજેટનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે. દેશમાં અનેક ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યા છે. ભારત માટે બજેટ રજૂ કરવાની પરંપરા બ્રિટિશ કાળ દરમિયાન 1860માં શરૂ થઈ હતી. ત્યારપછી બજેટમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. આજે અમે તમને દેશના કેટલાક નાણા મંત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે બજેટને લઈને ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે.
સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ-
15 ઓગસ્ટ 1947ના રોજ ભારત આઝાદ થયું અને સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ 26 નવેમ્બર 1947ના રોજ તત્કાલિન નાણામંત્રી આરકે સન્મુખમ શેટ્ટીએ રજૂ કર્યું. નાણા પ્રધાન આરકે સન્મુખમ શેટ્ટી વકીલ અને અર્થશાસ્ત્રી તેમજ રાજકારણી તરીકે સક્રિય હતા. સ્વતંત્ર ભારતના પ્રથમ બજેટમાં કોઈ કર દરખાસ્ત ન હતી અને તેમાં સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ 1947 થી 31 માર્ચ 1948 સુધીના માત્ર સાડા 7 મહિનાના સમયગાળાને આવરી લેવામાં આવ્યો હતો.
નાણામંત્રી જેમણે પહેલીવાર હિન્દીમાં બજેટ છપાયું-
અગાઉ દેશમાં બજેટ માત્ર અંગ્રેજી ભાષામાં જ છપાતું હતું. પરંતુ જ્યારે 1951માં ભારતના ત્રીજા નાણામંત્રી સીડી દેશમુખે બજેટ રજૂ કર્યું ત્યારે બજેટના તમામ દસ્તાવેજો હિન્દીમાં છપાયા હતા.
ભારતનું બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા-
વર્તમાન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ એક મહિલા છે, પરંતુ તેમના પહેલા અન્ય એક મહિલા નેતાએ સંસદમાં ભારતનું બજેટ રજૂ કર્યું છે. ઈન્દિરા ગાંધી સંસદમાં ભારતનું બજેટ રજૂ કરનાર પ્રથમ મહિલા હતા. 1969 માં, તત્કાલિન વડા પ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમની પોતાની સરકારના નાયબ વડા પ્રધાન અને નાણાં પ્રધાન મોરારજી દેસાઈ પાસેથી નાણાં મંત્રાલયનો હવાલો પાછો ખેંચી લીધો હતો.
આ નાણામંત્રીએ સૌથી વધુ વખત બજેટ રજૂ કર્યું છે-
મોરારજી દેસાઈ એ વ્યક્તિ છે જેણે દેશમાં મોટાભાગે બજેટ રજૂ કર્યું છે. તેમણે ભારતનું કેન્દ્રીય બજેટ 10 વખત રજૂ કર્યું છે. આ સાથે, 29 ફેબ્રુઆરી 1964 અને 1968 ના રોજ તેમના જન્મદિવસ પર બે વાર બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. અગાઉ બજેટ ફેબ્રુઆરીની છેલ્લી તારીખે રજૂ કરવામાં આવતું હતું.
લાલ બ્રીફકેસ-
ભારતમાં પહેલા નાણામંત્રી બજેટ રજૂ કરવા માટે લાલ બ્રીફકેસ લાવતા હતા, પરંતુ 2019માં નાણામંત્રી નિર્મલા સીતારમણે તેને ભારતીય લુક આપતા કાપડમાંથી બનાવ્યું અને સદનમાં પહોંચ્યા. આને ખાતાવહી નામ આપવામાં આવ્યું હતું. તેની પરંપરા બ્રિટનમાંથી પણ અપનાવવામાં આવી છે, જ્યાં તેની શરૂઆત બજેટ ચીફ વિલિયમ ગ્લેડસ્ટોન થકી કરવામાં આવી હતી. તેઓ તેમના લાંબા બજેટ ભાષણો માટે જાણીતા હતા અને તેથી તમામ કાગળો રાખવા માટે તેમને બ્રીફકેસની જરૂર હતી.
બજેટ ભાષણમાં સૌથી વધુ શબ્દો-
1991માં મનમોહન સિંહના બજેટ ભાષણમાં કુલ 18,650 શબ્દો હતા. તે પછી અરુણ જેટલીનો નંબર આવે છે જેમના 2018ના બજેટ ભાષણમાં 18,604 શબ્દો હતા.
સૌથી ટૂંકું બજેટ ભાષણ-
1977માં તત્કાલિન નાણામંત્રી હિરૂભાઈ મુલજીભાઈ પટેલે માત્ર 800 શબ્દોનું બજેટ ભાષણ આપ્યું હતું.
બજેટ ભાષણના સમયમાં ફેરફાર-
વર્ષ 1999 સુધી, બજેટ ભાષણ ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. પરંતુ યશવંત સિન્હાએ 1999માં તેને બદલીને સવારે 11 વાગ્યા કરી દીધો હતી.
રેલ બજેટ-
વર્ષ 2017 સુધી રેલ્વે બજેટ અને સામાન્ય બજેટ અલગ-અલગ રજૂ કરવામાં આવતું હતું. પરંતુ 2017માં રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવામાં આવ્યું હતું અને હવે માત્ર એક જ બજેટ રજૂ કરવામાં આવ્યું છે.
બજેટ પ્રિન્ટીંગ-
1950 સુધી, બજેટનું પ્રિન્ટિંગ રાષ્ટ્રપતિ ભવનમાં થતું હતું, પરંતુ તે લીક થયા પછી નવી દિલ્હીના મિન્ટો રોડ સ્થિત પ્રેસમાં છાપવાનું શરૂ થયું. ત્યારબાદ 1980માં તે નાણા મંત્રાલયની અંદરના સરકારી પ્રેસમાં છપાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે