Delta Plus Variant: ફેફસા માટે કેટલો ઘાતક છે કોરોનાનો આ ડેલ્ટા પ્લસ વેરિએન્ટ? સેન્ટ્રલ પેનલ ચીફે આપી જાણકારી
દેશભરમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ વધી રહ્યું છે. આ બધા વચ્ચે એક એવી વાત સામે આવી છે કે બીજા વેરિએન્ટની સરખામણીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું ફેફસાના ટેશ્યુ સાથે વધુ જોડાણ જાણવા મળ્યું છે.
Trending Photos
નવી દિલ્હી: દેશભરમાં કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ વધી રહ્યું છે. આ બધા વચ્ચે એક એવી વાત સામે આવી છે કે બીજા વેરિએન્ટની સરખામણીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું ફેફસાના ટેશ્યુ સાથે વધુ જોડાણ જાણવા મળ્યું છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેનાથી ગંભીર બીમારી થશે કે તે વધુ ચેપી છે. રસીકરણ પર રાષ્ટ્રીય ટેક્નિકલ સલાહકાર સમૂહના કોવિડ-19 કાર્ય સમૂહ (NTAGI) ના પ્રમુખ ડો. એન કે અરોરાએ આ જાણકારી આપી છે.
12 રાજ્યોમા અત્યાર સુધીમાં 51 કેસ
કોરોના વાયરસના નવા સ્વરૂપ ડેલ્ટા પ્લસની 11 જૂનના રોજ ઓળખ થઈ. હાલમાં તેને 'ચિંતાજનક સ્વરૂપ' તરીકે પણ વર્ગીકૃત કરાયો છે. દશના 12 રાજ્યોમાંથી અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 51 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે. આ વેરિએન્ટથી સંક્રમણના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે.
'વધુ ચેપી કે ગંભીર બીમારીનું કારણ નથી'
કોરોના વાયરસના ડેલ્ટા પ્લસ વેરિએન્ટ અંગે NTAGI ના કોવિડ-19 કાર્ય સમૂહના પ્રમુખ ડો. એન કે અરોરાએ કહ્યું કે અન્ય સ્વરૂપોની સરખામણીમાં ફેફસા સાથે તેનું વધુ જોડાણ છે. જો કે તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેનો અર્થ એ નથી કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટ ગંભીર બીમારીનું કારણ બનશે કે પછી તે વધુ ચેપી છે. ડો. એન કે અરોરાએ કહ્યું કે 'અન્ય વેરિએન્ટની સરખામણીમાં ડેલ્ટા પ્લસની ફેફસાની અંદર હાજરી વધુ જોવા મળી છે. પરંતુ તે વધુ નુકસાન પહોંચાડે છે તેની પુષ્ટિ હજુ સુધી થઈ શકી નથી. તેનો અર્થ એ પણ નથી કે તે ગંભીર બીમારી હશે કે તે વધુ ચેપી છે.'
દેશમાં વધુ હોઈ શકે છે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસ
ડો. એન કે અરોરાએ કહ્યું કે કેટલાક વધુ કેસની ઓળખ બાદ ડેલ્ટા પ્લસ વેરિએન્ટની અસર અંગે તસવીર વધુ સ્પષ્ટ થશે. પરંતુ એવું લાગે છે કે રસીના એક કે બે ડોઝ લઈ ચૂકેલા લોકોમાં સંક્રમણના મામૂલી લક્ષણો જોવા મળે છે. તેમણે કહ્યું કે આપણે તેના પ્રસાર પર ખુબ બારીક નજર રાખવી પડશે જેથી કરીને આપણને તેનાથી ફેલાતા સંક્રમણ વિશે જાણવા મળે. ડો. અરોરાએ કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિએન્ટના જેટલા કેસની ઓળખ થઈ છે તેનાથી વધુ કેસ પણ હોઈ શકે છે. કારણ કે એવા અનેક લોકો હોઈ શકે છે જેમાં સંક્રમણના કોઈ લક્ષણ ન હોય અને તેઓ સંક્રમણનો પ્રસાર કરી રહ્યા હોય.
'ડેલ્ટા પ્લસ વિરુદ્ધ રાજ્યો બનાવી રહ્યા છે યોજનાઓ'
ડો. એન કે અરોરાએ કહ્યું કે 'સૌથી મહત્વપૂર્ણ ચીજ એ છે કે જીનોમ સીક્વેન્સિંગનું કામ તેજ થયું છે અને તે યોગ્ય દિશામાં આગળ વધી રહ્યું છે. રાજ્યોને પહેલેથી જણાવી દેવાયું છે કે આ ચિંતાજનક સ્વરૂપ છે અને તેના માટે પગલાં લેવાની જરૂર છે. આથી અનેક રાજ્યોએ પહેલેથી એવા જિલ્લાઓ માટે સુક્ષ્મ સ્તરે યોજનાઓ બનાવવાની શરૂ કરી દીધી છે જ્યાં વાયરસની ઓળખ થઈ ગઈ છે. જેથી કરીને તેના પ્રસારને નિયંત્રિત કરી શકાય. નિશ્ચિતપણે તે જિલ્લાઓમાં રસીકરણ વધારવું પડશે.'
(અહેવાલ- સાભાર PTI)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે