દૂધ વેચીને પરિવારનું ગુજરાન ચલાવનાર કઈ રીતે બની ગયો અંડરવર્લ્ડનો ડોન, જાણવા જેવી છે કહાની
હાજી મસ્તાન, કરીમ લાલા, દાઉદ ઈબ્રાહિમ, માન્યા સુર્વે આવા તો અનેક ઉદાહરણ છે જેમને મુંબઈમાં રાજ કરવા લોહીની નદીઓ વહાવી દીધી. મુંબઈ અંડરવર્લ્ડના એવા ઘણા નામો છે જેમણે ગુનાખોરીની દુનિયામાં બદનામ થઈને પણ નામ કમાવ્યા. મુંબઈ અંડરવર્લ્ડનો 'ડેડી', જે ક્યારેક કહેવાયો દૂધવાળો, દાઉદ સાથે પણ અદાવત રાખનાર અરૂણ ગવળીની કહાની...
Trending Photos
વિરલ પટેલ, અમદાવાદઃ ગુનાખોરીની દુનિયામાં બાદશાહત મેળવવા માટે મુંબઈ અનેક ગેંગવોરનું સાક્ષી બન્યું. હાજી મસ્તાન, કરીમ લાલા, દાઉદ ઈબ્રાહિમ, માન્યા સુર્વે આવા તો અનેક ઉદાહરણ છે જેમને મુંબઈમાં રાજ કરવા લોહીની નદીઓ વહાવી દીધી. મુંબઈ અંડરવર્લ્ડના એવા ઘણા નામો છે જેમણે ગુનાખોરીની દુનિયામાં બદનામ થઈને પણ નામ કમાવ્યા. અંડરવર્લ્ડ માફિયાના કારનામાં પોલીસ માટે કાયમ માથાના દુખાવા સમાન સાબિત થયા. અહીં વાત છે માયાનગરી મુંબઈમાં રાજ કરવાના આશય સાથે માફિયા બનનાર અરૂણ ગવળીની
કોણ હતો અરૂણ ગવળી?
અરૂણ ગવળીનો જન્મ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના કોપારગાવમાં થયો હતો. અરૂણ ગવળીના પિતા ગુલાબ રાવ મધ્યપ્રદેશના ખાંડવાના હતા જે વર્ષ 1950 બાદ મહારાષ્ટ્રમાં આવીને વસ્યા. કહેવાય છે કે અરૂણ ગવળીના પિતા મિલમાં કામ કરતા હતા. પુત્રને પણ મિલમાં નોકરી મળે તે માટે સારી તાલીમ આપવા માગતા હતા. અરૂણ ગવળીએ મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી.
અરૂણ ગવળી મેટ્રિક પાસ તો થઈ ગયો પરંતું તેના પિતા ગુલાબ રાવની નોકરી છૂટી ગઈ. અરૂણ ગવળીએ તે સમયે મહાલક્ષ્મીમાં શક્તિ મિલમાં કામ કર્યું. વર્ષ 1977માં અરૂણ ગવળીએ સદાશિવ પાવલે ઉર્ફે 'સદા મામા' સાથે હાથ મળાવ્યો. સદાશિવના હાથ નીચે જ અરૂણે ગુનાખોરીની દુનિયામાં પગ મૂક્યો. કહેવાય છે કે અરૂણ ગવળી શરૂઆતમાં દૂધ વેચતો હતો. દૂધ વેચતા વેચતા તે ગુનાખોરીની દુનિયાનો બાદશાહ બની ગયો. અરૂણ તેના પ્રશંસક વર્ગ વચ્ચે 'ડેડી'ના નામે ઓળખાવા લાગ્યો.
અરૂણ ગવળીની ગેંગસ્ટર બનવાની શરૂઆત
વર્ષ 1980માં અરૂણ ગવળીએ 'Byculla company' જોઈન કરી. આ કંપની તે સમયની બહુચર્ચિત ગેંગ હતી. આ ગેંગને રામ નાઈક અને બાબુ રેશિમ ચલાવતા હતા. રામનાઈક અને અરૂણ ગવળી બંને એક જ શાળામાં અભ્યાસ કરતા હતા. ત્યારબાદ આ ગેંગનું નામ B.R.A. પડ્યું. આ નામનો મતલબ થતો હતો કે બાબુ, રામા અને અરૂણ.
અરૂણનું દાઉદ સાથે જોડાયું કનેકશન
કહેવાય છે કે વર્ષ 1984માં રામ નાઈકે દાઉદ ઈબ્રાહિમની મદદ કરી હતી. ત્યારબાદ 'D COMPANY' અને 'Byculla company' વચ્ચે મિત્રતાનો સિલસિલો શરૂ થયો. વર્ષ 1988 અરૂણ ગવળી અને તેના મિત્રોએ દાઉદ ઈબ્રાહિમની મદદ કરી. દાઉદ ઈબ્રાહિમના કાળા કારોબારમાં સહયોગ આપ્યો. વર્ષ 1988 પછી દાઉદ પોલીસથી ભાગતો રહ્યો અને તે દુબઈમાં રહેવા લાગ્યો.
દાઉદ બન્યો અરૂણ ગવળીનો દુશ્મન
અરૂણ ગવળીનો મિત્ર રામ નાઈક પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો. રામ નાઈકના મોત બાદ અરૂણ ગવળીએ ગેંગ સંભાળી. રામ નાઈકના એન્કાઉન્ટર પાછળ દાઉદની ગેંગનો હાથ હોવાનું ગવળી માનતો હતો. ત્યારબાદ અરૂણ ગવળી અને દાઉદ વચ્ચે અદાવતની જંગ શરૂ થઈ. 90ના દાયકામાં બંને ગેંગ વચ્ચેની દુશ્મનીનું સાક્ષી આખું મુંબઈ રહ્યુ છે. કહેવાય છે કે આ વખતે જ અરૂણ ગવળીના ભાઈ બપ્પા ગવળીની હત્યા દાઉદના માણસોએ કરી. ત્યારબાદ અરૂણ ગવળીની ગેંગ પર દાઉદના જમાઈ ઈબ્રાહિમ પાર્કરને મારવાનો આરોપ લાગ્યો.
અરૂણ ગવળી 'ડેડી' નામથી થયો વિખ્યાત
80 અને 90ના દાયકામાં ભાયકુલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આવેલી દગડી ચાલ ગેંગસ્ટર ગતિવિધિઓ માટે બદનામ હતી. દગડી ચાલમાં એક સમયે ગવળીનું ઘર હતું. તે સમયે અરૂણ ગવળી દૂધ વેચીને ઘરનું ગુજરાન ચલાવતો. તે વખતે અરૂણ 'ડેડી' ના નામે પણ ઓળખાતો હતો.
વર્ષ 1986માં કોબ્રા ગિરોહના સભ્ય પારસનાથ પાંડે અને શશી રાશમની હત્યાનો આરોપ ગવળી પર લાગ્યો. આટલું જ નહી પરંતું અરૂણ ગવળી ગેંગ પર શિવસેનાના ધારાસભ્ય રમેશ મોરે અને બાલાસાહેબ ઠાકરેના વિશ્વાસનીય જયંત જાદવ અને ધારાસભ્ય જૌદ્દીન બુખારીના મર્ડરનો આરોપ લાગ્યો. વર્ષ 2007માં શિવસેનાના મેયર કમલાકર જમસંદેકરની હત્યાની સોપારી લેવાનો આરોપ લાગ્યો.
અરૂણ ગવળીએ રાજકારણમાં પણ નસીબ અજમાવ્યું હતું. શિવસેના સાથે રાજનીતિની શરૂઆત કરી હતી. શિવસેના સાથે અણબનાવ થતા અરૂણ ગવળીએ અખિલ ભારતીય સેના નામની પોતાની રાજકીય પાર્ટી બનાવી. વર્ષ 2017માં 'ડેડી' ફિલ્મ રિલીઝ થઈ હતી. જેમાં અર્જુન રામપાલે અરૂણ ગવળીનું પાત્ર ભજવ્યુ હતું. અરૂણ ગવળીના પાત્રમાં અર્જુન રામપાલના રોલની ખૂબ પ્રશંસા થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે