કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા PFના વ્યાજદરમાં કરાયો વધારો, 6 કરોડ કર્મચારીને થશે ફાયદો

EPFO (એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન) દ્વારા પ્રોવિડન્ટ ફંડ પર અગાઉ જે 8.55% વ્યાજ અપાતું હતું તે હવે વધારીને 8.65% કરાયું છે, કામદાર મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, વર્તમાન નાણાકિય વર્ષથી આ વ્યાજ દર લાગુ થશે, EPFOના કેન્દ્રીય બોર્ડની બેઠકમાં સર્વાનુમતે આ નિર્ણય લેવાયો હતો 

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા PFના વ્યાજદરમાં કરાયો વધારો, 6 કરોડ કર્મચારીને થશે ફાયદો

નવી દિલ્હીઃ નોકરી કરતા કર્મચારીઓ માટે સારા સમાચાર છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) દ્વારા ગુરૂવારે પ્રોવિડન્ટ ફંડ પર આપવામાં આવતા વ્યાજદરમાં વધારાની જાહેરાત કરાઈ છે. વર્ષ 2018-19ની પીએફ ડિપોઝિટ પર ગત વર્ષના 8.55 ટકાની સામે 8.65 ટકા વ્યાજ આપવાની જાહેરાત કરાઈ છે. 

કામદાર મંત્રી સંતોષ ગંગવારે જણાવ્યું કે, આ સંસ્થા સાથે 6 કરોડથી વધુ કર્મચારીઓ જોડાયેલા છે અનેઈપીએફઓના કેન્દ્રીય બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBT)ની બેઠકમાં ચાલુ નાણાકિય વર્ષ માટે વધુ વ્યાજ દર ચૂકવવાનો આ નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. 

— ANI (@ANI) February 21, 2019

પીટીઆઈ સાથેની વાતચીતમાં મંત્રીએ જણાવ્યું કે, હવે આ પ્રસ્તાવ નાણા મંત્રાલય પાસે મંજૂરી માટે મોકલવામાં આવશે. કેન્દ્રીય બોર્ડ ઓફ ટ્રસ્ટી ઈપીએફઓની નિર્ણાયક બોડી છે અને કામદાર મંત્રી તેના વડા હોય છે. નાણાકિય વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડ માટે ચૂકવાતા વ્યાજ દર CBT દ્વારા નક્કી કરવામાં આવે છે. 

પીટીઆઈએ જણાવ્યું કે, CBTની મંજૂરી બાદ આ પ્રસ્તાવને મંજૂરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવે છે. નાણા મંત્રાલયની મંજૂરી મળી ગયા બાદ જ પીએફ ધરાવતા કર્મચારીઓને વધેલા વ્યાજદરનો લાભ મળે છે. 

વર્ષ 2017-18માં છેલ્લા પાંચ વર્ષમાં સૌથી ઓછો 8.55 ટકાનો વ્યાજદર ચૂકવવામાં આવ્યો હતો. આ અગાઉ 2016-17માં વ્યાજદર 8.65 ટકા હતા, જ્યારે 2015-16માં 8.80 ટકા હતા. વર્ષ 2013-14 અને 2014-15માં ઈપીએફઓ દ્વારા 8.75 ટકાનો વ્યાજદર ચૂકવવામાં આવ્યો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news