Kisan Sansad: જંતર મંતર પર આજથી ખેડૂતોની 'સંસદ', ધરણામાં સામેલ થશે 200 ખેડૂત

એક બાજુ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને બીજી બાજુ આજથી સંસદની બહાર જંતર મંતર પર ખેડૂતોની 'સંસદ' ચાલશે.

Kisan Sansad: જંતર મંતર પર આજથી ખેડૂતોની 'સંસદ', ધરણામાં સામેલ થશે 200 ખેડૂત

નવી દિલ્હી: એક બાજુ સંસદનું ચોમાસુ સત્ર ચાલી રહ્યું છે અને બીજી બાજુ આજથી સંસદની બહાર જંતર મંતર પર ખેડૂતોની 'સંસદ' ચાલશે. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરવાની ખેડૂતોની માગણીને દિલ્હી પોલીસે શરતી મંજૂરી આપી છે. મળતી માહિતી મુજબ બુધવારે ત્રીજા રાઉન્ડની બેઠક બાદ 200 ખેડૂતોને જંતર મંતર પર ખેડૂત સંસદનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશનો ભંગ ન થાય તે જોતા આ વચ્ચેનો રસ્તો કાઢવામાં આવ્યો છે. 

દરેક સંગઠનના 5-5 સભ્યોને મંજૂરી
સંયુક્ત કિસાન મોરચામાં દેશભરના લગભગ 40 ખેડૂત સંગઠનો સામેલ છે. આવામાં એક સમૂહ તરીકે મંજૂરી આપવાની જગ્યાએ અલગ અલગ સંગઠનોના સ્તર પર આ મંજૂરી અપાઈ છે. દરેક સંગઠનમાંથી 5-5 સભ્યોને જંતર મંતર પર આવવાની મંજૂરી મળી છે. આ તમામ લોકો સિંધુ બોર્ડર પર ભેગા થશે અને ત્યાંથી પોલીસ પોતે 5-6 બસોમાં બેસાડીને આ લોકોને એસ્કોર્ટ કરીને એક નિર્ધારિત રૂટ પર જંતર મંતર લઈ જશે. ટીકરી અને ગાઝીપુર બોર્ડર પર બેઠેલા ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓએ પણ પહેલા સિંધુ બોર્ડર પહોંચવુ પડશે અને ત્યાંથી તેમણે બસમાં બેસીને જવાનું રહેશે. 

પોલીસ અને ખેડૂતો વચ્ચે આ વાતો પર સહમતિ બની
- ખેડૂત સંસદ રોજ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે.
- દરેક સંગઠનમાંથી 5 લોકો સામેલ થશે જેમની પસંદગી કરવામાં આવી હશે. 
- અલગ અલગ બોર્ડરની જગ્યાએ ખેડૂતોને સિંધુ બોર્ડરથી દિલ્હીમાં એન્ટ્રી અપાશે.
- સિંધુ બોર્ડર પર ભેગા થયા બાદ ખેડૂતો બસો દ્વારા જંતર મંતર જશે. 
- ખેડૂતોની બસોની સાથે પોલીસની ગાડી પણ ચાલશે. 
- જંતર મંતર પર કોવિડના નિયમો સાથે પ્રદર્શન કરવાનું રહેશે. 
- સુરક્ષાની વ્યવસ્થા સાથે જંતર મંતર પર CCTV થી પણ નજર રખાશે. 
- 5 વાગ્યા બાદ બસો દ્વારા જ ખેડૂતોને પાછા સિંધુ બોર્ડર પર પહોંચાડી દેવાશે. 
- ખેડૂત સંસદમાં જે મંચ બનશે, તેના પર તે ખેડૂતોમાંથી જ સંબોધિત કરી શકશે. 

બીકેયુના પ્રવક્તા ધર્મેન્દ્રએ કહ્યું કે આંદોલનમાં 40થી વધુ સંગઠન જોડાયેલા છે. દરેક ખેડૂત સંગઠન વારાફરતી પોતાના જથ્થા માટે 5 ખેડૂતો મોકલશે. ખેડૂત સંસદ જથ્થામાં સામેલ થનારા દરેક ખેડૂતની પોતાની આઈડી હશે. તેમણે જણાવ્યું કે ખેડૂત સંસદમાં 26 જુલાઈ અને 9 ઓગસ્ટના રોજ મહિલા ખેડૂતોનો જથ્થો સામેલ થશે. 

DDMA એ પણ ખેડૂતોના પ્રદર્શનને આપી મંજૂરી
દિલ્હી પોલીસની સાથે સાથે દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) એ પણ ખેડૂતોને જંતર મંતર પર પ્રદર્શનની મંજૂરી આપી છે. DDMA ના એડિશનલ સીઈઓ રાજેશ ગોયલે બુધવારે સાંજે દિલ્હી પોલીસના એડિશનલ કમિશનર (હેડક્વાર્ટર) દીપક પુરોહિતને એક પત્ર લખીને જાણ કરી કે દિલ્હીના ઉપરાજ્યપાલે દિલ્હી પોલીસ તરફથી કરાયેલી ભલામણને સ્વીકારી  લેતા સંયુક્ત કિસાન મોરચાના બેનર હેઠળ 200 ખેડૂતોને જંતર મંતર પર પ્રોટેસ્ટ કરવાની મંજૂરી મળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news