Farmers Protest: રાકેશ ટિકૈતનો પલટવાર, કહ્યું- સત્તા પલટી નાખવાની તાકાત ધરાવે છે ભીડ

Farmers Protest: ખેડૂત નેતા રાકેશ ટિકૈતે (Rakesh Tikait) કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના એક નિવેદન પર પલટવાર કરતા કહ્યું કે જો ત્રણેય કૃષિ કાયદા રદ ન થયા તો સરકારનું સત્તામાં રહેવું મુશ્કેલ થઈ જશે. 

Farmers Protest: રાકેશ ટિકૈતનો પલટવાર, કહ્યું- સત્તા પલટી નાખવાની તાકાત ધરાવે છે ભીડ

સોનીપત: ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના એક નિવેદન પર સોમવારે હરિયાણાના સોનીપત જિલ્લામાં પલટવાર કરતા કહ્યું કે જ્યારે લોકો ભેગા થાય છે ત્યારે સરકારો બદલાઈ જાય છે. તોમરે કહ્યું હતું કે માત્ર ભીડ ભેગી કરવાથી કાયદા રદ નહીં થાય. ભારતીય કિસાન યુનિયન (BKU) નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું કે જો ત્રણેય કૃષિ કાયદા રદ ન કરાયા તો સરકારનું સત્તામાં રહેવું મુશ્કેલ થઈ જશે. તેઓ આ મહિને હરિયાણામાં કિસાન મહાપંચાયત કરી રહ્યા છે. 

સોનીપત જિલ્લાના ખરખૌડામાં અનાજ મંડીમાં કિસાન મહાપંચાયતમાં રાકેશ ટિકૈતે કહ્યું કે જ્યાં સુધી કૃષિ કાયદા પાછા નહીં ખેંચાય ત્યાં સુધી ખેડૂત આંદોલન ચાલુ રહેશે. 

શું કહ્યું હતું કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે?
કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર નવા કૃષિ કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે. પરંતુ માત્ર ભીડ ભેગી કરવાથી કાયદા રદ નહીં થાય. તેમણે કિસાન સંઘોને સરકારને એ જણાવવામાં આગ્રહ કર્યો કે આ નવા કાયદામાં કઈ કઈ જોગવાઈ તેમને ખેડૂત વિરોધી લાગે છે તે જણાવે. 

કૃષિમંત્રીના નિવેદન પર ટિકૈતનો પલટવાર
કૃષિમંત્રીના આ નિવેદન પર ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પલટવાર કરતા મહાપંચાયતમાં કહ્યું કે રાજનેતા કહે છે કે ભીડ ભેગી કરવાથી કૃષિ કાયદા પાછા નહીં  ખેંચાય. પરંતુ તેમને ખબર હોવી જોઈએ કે 'ભીડ તો સત્તા પરિવર્તનનું સામર્થ્ય ધરાવે છે. એ અલગ વાત છે કે ખેડૂતોએ હજુ માત્ર કૃષિ કાયદા પાછા ખેંચવાની વાત કરી છે, સત્તા વાપસીની નહીં.'

દિલ્હીની અલગ અલગ સરહદો પર ગત 28 નવેમ્બરથી ખેડૂતો ત્રણ કૃષિ કાયદાને રદ કરાવવાની માગણી લઈ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેમાં મોટાભાગના પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશના ખેડૂતો છે. 

ટિકૈતે કહ્યું કે 'તેમને (સરકારને) ખબર હોવી જોઈએ કે જો ખેડૂતો પોતાની ઉપજ નષ્ટ કરી શકે તો તમે તેમની સામે કશું નથી.' તેમણે કહ્યું કે અનેક સવાલ છે, ફક્ત કૃષિ કાયદા નથી, પરંતુ વીજળી બિલ છે, બીજ બિલ છે....તેઓ કયા પ્રકારના કાયદા લાવવા માંગે છે? ટિકૈતે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ ઉપર પણ સરકારની ટીકા કરી. 

ખેડૂત નેતાએ કહ્યું કે હાલનું આંદોલન ફક્ત તે ખેડૂતો માટે નથી જે પાક વાવે છે, પરંતુ તેમને માટે પણ છે જે લોકો રાશન ખરીદે છે. તે નાના મોટા ખેડૂતો માટે પણ છે જે બે પશુઓથી આજીવિકા રળે છે. તે મજૂરો માટે પણ છે જે સાપ્તાહિક બજારથી થનારી આવક પર ગુજરાન ચલાવે છે. તેમણે કહ્યું કે આ કાયદો ગરીબને તબાહ કરી નાખશે. આ એક માત્ર કાયદો નથી, આ પ્રકારના અનેક કાયદા આવશે. ટિકૈતે કહ્યું કે સરકારે 40 સભ્યોની સમિતિ સાથે જ વાતચીત કરવી પડશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news