સંસદ માર્ગ પર ખેડૂતોની 'મુક્તિ માર્ચ'ને રોકવામાં આવી, પોલીસે ખેડૂતોને પાછા ફરવાની કરી અપીલ

પોતાની માગણીઓને લઈને હજારો ખેડૂતો દેશની રાજધાનીમાં રસ્તાઓ પર ઉતરી પડ્યાં છે. કેન્દ્ર સરકાર સામે મોરચો માંડ્યો છે.

સંસદ માર્ગ પર ખેડૂતોની 'મુક્તિ માર્ચ'ને રોકવામાં આવી, પોલીસે ખેડૂતોને પાછા ફરવાની કરી અપીલ

નવી દિલ્હી: પોતાની માગણીઓને લઈને હજારો ખેડૂતો દેશની રાજધાનીમાં રસ્તાઓ પર ઉતરી પડ્યાં છે. ખેડૂતો કેન્દ્ર સરકાર સામે આંદોલન પર ઉતર્યા છે. પોતાની  માગણીઓને પૂરી કરવા માટે દિલ્હીમાં મોરચો માંડ્યો છે. હજારોની સંખ્યામાં ખેડૂતો રામલીલા મેદાનમાં ભેગા થયા અને હવે સંસદ માર્ગ પહોંચ્યા છે.  રામલીલા મેદાનમાં ભેગા થયેલા ખેડૂતોએ રામ મંદિર નહીં પરંતુ દેવામાફી જોઈએ તેવા નારા પણ ગુરુવારે લગાવ્યાં હતાં. આજે આ ખેડૂતો સંસદ સુધી માર્ચ કરી રહ્યાં છે. પોતાના હક માટે આંદોલન કરી રહેલા ખેડૂતો  પ્રત્યે પૂર્ણ સમર્થન અને આશ્વાસન આપતા પૂર્વ વડાપ્રધાન એચ.ડી.દેવગૌડાએ કહ્યું કે કોઈ પણ સરકાર ખેડૂતોના સમર્થન વગર ટકી શકે નહીં. ખેડૂતોને સંબોધિત કરતા ગૌડાએ કહ્યું હતું કે તેમના દુ:ખ અને મુશ્કેલીઓને તેઓ સમજે છે કારણ કે તેઓ પોતે ખેડૂત પુત્ર છે. 

શું છે ખેડૂતોની માંગણી?
દેશભરના ખેડૂતો બે મોટી માગણીઓને લઈને કેન્દ્રની મોદી સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે. જેમાં પહેલી માગણી એ છે કે સંસદનું ખાસ સત્ર બોલાવીને પાકના યોગ્ય ભાવની ગેરંટી આપવાનો કાયદો અને બીજી માંગણી છે ખેડૂતોના દેવામાફી કરાવીને તેમને દેવામુક્ત કરવા માટે સંસદમાં કાયદો પસાર કરાવવામાં આવે. દેશના ખૂણે ખૂણેથી ખેડૂતો આ માગણીઓ પૂરી થાય તે માટે દિલ્હીમાં આંદોલન કરી રહ્યાં છે. ગુરુવારે દિલ્હીની અલગ અલગ બોર્ડરથી તેઓ પગપાળા રામલીલા મેદાન પહોંચ્યાં. આયોજકો એ સ્પષ્ટ પણ કરી ચૂક્યા છે કે કોઈ પણ સ્થિતિમાં તેઓ માર્ચ કરીને જ રહેશે જ્યારે દિલ્હી પોલીસ તેમને કોઈ પણ પ્રકારે રામલીલા મેદાનમાં જ રોકવાની કોશિશ કરી રહી છે. પોલીસ અને  ખેડૂતોના પ્રતિનિધિઓ વચ્ચે આ અંગે વાતચીત ચાલુ જ હતી. આવામાં આજનો દિવસ ખુબ મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. 

જો કે માર્ચને લીડ કરી રહેલા નવનિર્મિત સ્વરાજ ઈન્ડિયા પાર્ટીના અધ્યક્ષ અને અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમિતિના મેમ્બર યોગેન્દ્ર યાદવ અને ખેડૂત આંદોલનના સંયોજક અભિક સાહાએ સ્પષ્ટ કરી દીધુ છે કે આ ખેડૂત આંદોલન શરૂઆતથી જ શાંતિપૂર્ણ અને અહિંસક રહ્યું છે. તેઓને આશા છે કે પોલીસ તેમને સંસદ સુધી માર્ચ કરતા રોકશે નહીં. આ બાજુ પોલીસ અધિકારીઓનું કહેવું છે કે ઈન્ડિયા ગેટ અને જંતર મંતર પર હજુ પ્રોટેસ્ટની મંજૂરી નથી આથી પોલીસે પરવાનગી આપી નથી. પોલીસ આયોજકો સાથે વાતચીત કરી રહી છે અને કોશિશ કરે છે કે રામલીલા મેદાનમાં જ રેલી કરે. 

સ્ટેશનથી પગપાળા રામલીલા મેદાન પહોંચ્યા ખેડૂતો
ગુરુવાર સવારથી જ દેશના તમામ રાજ્યોમાંથી ખેડૂતોએ દિલ્હી પહોંચવાનું શરૂ કર્યુ હતું. ટ્રેનોથી આવેલા ખેડૂતો પહેલા નવી દિલ્હી, જૂની દિલ્હી અને આનંદ વિહારના સ્ટેશનો પર  પહોંચ્યા અને ત્યાંથી પગપાળા રામલીલા મેદાન સુધી પહોંચ્યાં. યોગેન્દ્ર યાદવના નેતૃત્વમાં કાઢવામાં આવેલી મેન કિસાન મુક્તિ યાત્રા બિજવાસનથી શરૂ થઈ. જો કે આ યાત્રાએ રાતે 8 વાગ્યા સુધીમાં રામલીલા મેદાન સુધી પહોંચવાનું હતું પરંતુ ધૌલા કુઆ સુધી પહોંચતા પહોંચતા જ સાંજ પડી ગઈ હતી. 

પોલીસે આયોજકોને અપીલ કરી હતી કે જો સાંજે પીક અવર દરમિયાન તેઓ કર્નોટ પ્લેસમાંથી પસાર થશે તો નવી દિલ્હીમાં ટ્રાફિક જામ થશે. જેને જોતા ખેડૂત માર્ચને તાલકટોરા સ્ટેડિયમ પર જ ખતમ કરવાનો ફેસલો લેવામાં આવ્યો હતો  અને ત્યાંથી બસો અને અન્ય વાહનોથી ખેડૂતો રામલીલા મેદાનમાં પહોંચ્યા હતાં. 

ખેડૂતોને દેવામુક્ત બનાવવા અને પાકના ખર્ચના ડોઢ ગણા ટેકાના ભાવની માગણીને લઈને બે દિવસના આંદોલનના પહેલા દિવસે ખેડૂતોને  ડોક્ટરો, વકીલો, પૂર્વ સૈનિક, વ્યવસાયિકો અને વિદ્યાર્થીઓ સહિત સમાજના તમામ વર્ગોના લોકોએ સમર્થન આપ્યું છે. અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિના બેનર હેઠળ લગભગ 200 ખેડૂત સંગઠનો, રાજકીય પક્ષો અને અન્ય સામાજિક સંગઠનોએ ખેડૂતોની માગણીનું સમર્થન કરતા આંદોલનમાં ભાગીદારી કરી છે. 

પૂર્વ સૈનિકોના સંગઠને પણ ખેડૂતોની માગણીઓનું સમર્થન કરરતા કિસાનમુક્તિ યાત્રામાં ભાગ લીધો. સંગઠનના પ્રમુખ મેજર જનરલ સતબીર સિંહે કહ્યું કે પૂર્વ સૈનિક ખેડૂતો આંદોલનમાં બે દિવસ સાથે રહેશે. લગભગ 60000 લોકોની ક્ષમતાવાળા રામલીલા મેદાનમાં એમ્સ, આરએમએલ, લોકનાયક, હિન્દુરાવ, અરુણા આસિફ અલી હોસ્પિટલ સહિત દિલ્હીના વિવિધ હોસ્પિટલોના 25થી 30 ડોક્ટરોએ રામલીલા મેદાન પર ખેડૂતો માટે એક નિશુલ્ક સ્વાસ્થ્ય કેમ્પ આયોજિત કર્યો હતો.

આંદોલનમાં ભેગી થઈ રહેલી ભારે ભીડને જોતા  દિલ્હી પોલીસે સુરક્ષાનો વ્યાપક બંદોબસ્ત કર્યો  છે. પોલીસે જણાવ્યું કે શુક્રવારે રામલીલા મેદાનથી સંસદ સુધીના માર્ગમાં ખેડૂતોની માર્ચના રસ્તામાં સુરક્ષા અને ટ્રાફિકના ખાસ પ્રબંધ કરાયા છે. માર્ચ દરમિયાન રસ્તાની બંને બાજુ દોરડા હશે અને બીજી બાજુ પોલીસ તહેનાત હશે. જેથી સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય. 3500 પોલીસકર્મી તહેનાત કરવામાં આવશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news