ચલો દિલ્હી! પંજાબથી ટ્રેક્ટરો લઈને નીકળી પડ્યા કિસાન, હરિયાણામાં બની અસ્થાયી જેલો, જાણો શું ખેડૂતોની એ 12 માંગણી

Farmers Protest: જાબથી ખેડૂતોની મૂવમેન્ટ શરૂ થઈ ગઈ છે. પંજાબથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીઓ લઈને હરિયાણા બાજુ નીકળી પડ્યા છે. આ ખેડૂતો વ્યાસ પૂલથી ફતેહગઢ સાહિબ માટે રવાના થયા છે. તેમની સાથે કિસાન મજૂર સંઘર્ષ કમિટીના નેતા સરવન સિંહ પંધેર પણ છે.

ચલો દિલ્હી! પંજાબથી ટ્રેક્ટરો લઈને નીકળી પડ્યા કિસાન, હરિયાણામાં બની અસ્થાયી જેલો, જાણો શું ખેડૂતોની એ 12 માંગણી

કિસાન આંદોલનને લઈને પંજાબ અને હરિયાણામાં ખુબ હલચલ છે. દિલ્હી કૂચ કરતા  રોકવા માટે હરિયાણા પોલીસે જબરદસ્ત સુરક્ષા બંદોબસ્ત કર્યો છે. હરિયાણા-પંજાબ બોર્ડર પર પોલીસે રસ્તાઓ ખોદી નાખ્યા છે. આ સાથે જ ખિલ્લા ને અન્ય બંદોબસ્ત કર્યા છે. હાલ હરિયાણાના 15 જિલ્લાઓમાં કલમ 144 લાગૂ છે. જ્યારે 7 જિલ્લામાં ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. ચંડીગઢમાં 60 દિવસ માટે કલમ 144 લાગૂ છે. 

મળતી માહિતી મુજબ પંજાબથી ખેડૂતોની મૂવમેન્ટ શરૂ થઈ ગઈ છે. પંજાબથી મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર ટ્રોલીઓ લઈને હરિયાણા બાજુ નીકળી પડ્યા છે. આ ખેડૂતો વ્યાસ પૂલથી ફતેહગઢ સાહિબ માટે રવાના થયા છે. તેમની સાથે કિસાન મજૂર સંઘર્ષ કમિટીના નેતા સરવન સિંહ પંધેર પણ છે. ખેડૂતોના આંદોલનના પગલે હરિયાણા સરકારે મોટું પગલું ભરતા સિરસામાં ચૌધરી દલબીર સિંહ ઈન્ડોર સ્ટેડિયમ અને ગુરુ ગોવિંદ સિંહ સ્ટેડિયમ ડબવાલીને અસ્થાયી જેલ બનાવ્યા છે. ખેડૂતોને અટકાયતમાં લીધા બાદ આ જેલોમાં શિફ્ટ કરવામાં આવી શકે છે. ખોટી અફવાઓ ફેલાવનારાઓને પણ હરિયાણા પોલીસે ચેતવણી આપી છે. 

શું છે માંગણીઓ
રાજધાની દિલ્હીની સરહદો ઉપર પણ સુરક્ષાદળોની તૈનાતી સાથે કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચા (બિનરાજકીય) ના ખેડૂતો પંજાબના અલગ અલગ વિસ્તારોથી કૂચ કરશે અને સોમવારે બપોર સુધીમાં તેમનો ફતેહગઢ સાહિબ પહોંચવાનો પ્લાન છે. આ ખેડૂતો પોતાની 12 માંગણીઓને લઈને સરકારને ઘેરવા માંગે છે. જાણો આખરે આ 12 માંગણીઓ કઈ છે. 

1. ખેડૂતોની પહેલી માંગણી છે ટેકાના ભાવ (MSP) ને લઈને કાયદો બનાવવામાં આવે જે ડો. સ્વામીનાથન કમીશનના રિપોર્ટ પર આધારિત હોય. 

2. ખેડૂતો અને મજૂરોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે. 

3. લખીમપુર ખીરી કાંડના આરોપીઓને સજા મળે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે. 

4. ભૂમિ અધિગ્રહણ બિલ 2013માં ફેરફાર કરવામાં આવે જેમાં ખેડૂતોની લેખિત સહમતિ અને કલેક્ટર રેટથી ચાર ગણા વળતરની જોગવાઈ કરવામાં આવે. 

5. ખેડૂતો અને મજૂરોને પેન્શન આપવામાં આવે. 

6. વિશ્વ વ્યાપાર સંગઠનથી અંતર જાળવવામાં આવે અને ફ્રી  ટ્રેડ એગ્રીમેન્ટને પ્રતિબંધિત કરવામાં આવે. 

7. દિલ્હી આંદોલન સમયે જીવ ગુમાવનારા ખેડૂતોના પરિવારોને વળતર આપવામાં આવે અને પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવે. 

8. એક વર્ષમાં ઓછામાં ઓછા 200 દિવસના રોજગારની ગેરંટી આપવામાં આવે અને મનરેગા હેઠળ 700 રૂપિયા મજૂરી આપવામાં આવે. 

9. વિદ્યુત સંશોધન વિધેયક 2020ને ખતમ કરવામાં આવે. 

10. મરચું, હળદર અને અન્ય મસાલાને લઈને એક રાષ્ટ્રીય સ્તરનું આયોગ બનાવવામાં આવે. 

11. ખરાબ બીજ, પેસ્ટિસાઈડ અને ખાતર બનાવનારી કંપનીઓને દંડ ફટકારવામાં આવે અને બીજની ગુણવત્તામાં સુધારો લાવવામાં આવે. 

12. કંપનીઓને આદિવાસીઓની જમીન પર કબજો કરતા રોકવામાં આવે. જળ જંગલ અને જમીનના અધિકારને સુનિશ્ચિત કરવામાં આવે. 

કિસાન મજૂર મોરચાના સંયોજક સરવન સિંહ પંઢેરે  કહ્યું કે પંજાબના અલગ અલગ હિસ્સાઓમાંથી હજારો ટ્રેક્ટર નીકળશે. તેઓ સોમવાર બપોર સુધીમાં અડધું અંતર કાપશે. રસ્તાના કિનારે જ રાતે ખેડૂતો સૂઈ જશે. સરકાર સાથે ચર્ચાનું પરિણામ નિર્ધારિત કરશે કે આગળ શું કરવું છે. તેમણે કહ્યું કે 1000 ટ્રેક્ટર યુપીથી આવી રહ્યા છે. આ ઉપરાંત રાજસ્થાન અને હરિયાણાથી પણ ખેડૂતો કૂચ કરશે. અત્રે જણાવવાનું કે કેન્દ્ર સરકારે સરવન સિંહ પંઢેરને વાતચીત માટે સીધુ આમંત્રણ આપ્યું છે. એ સિવાય ભાકિયુ (એક્તા સિધૂપુર)ના અધ્યક્ષ જગજીત સિંહ ડલ્લેવાલને પણ બોલાવવવામાં આવ્યા છે. સોમવારે સાંજે 5 વાગે ચંડીગઢમાં બીજા તબક્કાની બેઠક થવાની છે. જેમાં કેન્દ્રીય કૃષિમંત્રી અર્જૂન મુંડા, પીયૂષ ગોયલ, અને ગૃહરાજ્યમંત્રી નિત્યાનંદ રાય સામેલ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news