દિલ્લીના આંગણે જી20 સમિટનો દબદબાભેર આરંભ, પ્રથમ દિવસે આ મુદ્દે થઈ ચર્ચા, જાણો મોટી વાતો

G20 Summit Delhi: પ્રગતિ મેદાનના ભારત મંડપમમાં આયોજીત જી-20 શિખર સંમેલનનું આયોજન થયું છે. પ્રથમ દિવસે અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવી છે. તો સંયુક્ત ઘોષણા પર પણ સહમતિ બની છે. 

દિલ્લીના આંગણે જી20 સમિટનો દબદબાભેર આરંભ, પ્રથમ દિવસે આ મુદ્દે થઈ ચર્ચા, જાણો મોટી વાતો

નવી દિલ્હીઃ દિલ્લીમાં ચાલી રહેલી જી20 સમિટનો પહેલો દિવસ ભવ્ય રહ્યો. વૈશ્વિક મહાસત્તાઓની હાજરીને કારણે સમગ્ર દુનિયાની નજર દિલ્લી પર  હતી. પહેલાં દિવસે ગ્લોબલ સમિટના મુખ્ય એજન્ડાને પાર પારવામાં દેશોને સફળતા મળી. ભારતે તૈયાર કરેલા દિલ્લી ડેક્લેરેશનને પણ જી20ના દેશોએ મંજૂરી આપી. સૌથી મોટી વાત એ રહી કે હવે જી20નું વિસ્તરણ થયું છે. ભારતના પ્રસ્તાવને આધારે આફ્રિકન યુનિયન પણ હવે જી20નું સભ્ય બન્યું છે. જેમાં 55 દેશોનો સમાવેશ થાય છે. જેના પગલે હવે જી20ની તાકાત અને ક્ષમતામાં અનેક ગણો વધારો થયો છે.

આ દ્રશ્યો એ અવસરના છે, જેના માટે છેલ્લા ઘણા સમયથી આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી, તડામાર તૈયારીઓ કરાઈ. દિલ્લીના આંગણે જી20 સમિટનો દબદબાભેર આરંભ થયો. અનેક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોની હાજરી વચ્ચે દિલ્લી વિશ્વનું કેન્દ્ર બની ગયું.  

સમિટ માટે પ્રધાનમંત્રી મોદીએ દરેક આમંત્રિત દેશનાં રાષ્ટ્રાધ્યક્ષને આવકાર્યા...સમિટને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ વૈશ્વિક મુદ્દા, પડકારો અને તેમના ઉકેલનો ઉલ્લેખ કર્યો. કોવિડને કારણે દુનિયામાં ઘટેલી આપસી વિશ્વસનીયતા, યુદ્ધ અને ગ્લોબલ વોર્મિંગ જેવા પડકારોનો સામનો કરવા તેમણે સાથી દેશોને હાકલ કરી...

આ સમિટની એક સીમાચિહ્નરૂપ સફળતા એ રહી છે કે જી20માં આફ્રિકન યુનિયનને કાયમી સદસ્યતા અપાઈ છે. પ્રધાનમંત્રીએ આ માટેનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને અન્ય દેશોએ મંજૂર કર્યો હતો. પ્રસ્તાવ પસાર થતાં જ પ્રધાનમંત્રી મોદી યુનિયન ઓફ કોમોરોસના રાષ્ટ્રપતિ અને આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અઝાલી અસોમાનીને ભેટ્યા હતા. 

આફ્રિકન યુનિયનનો જી20માં સમાવેશ થતાં આ સંગઠનનો વિસ્તાર થયો છે,  કેમ કે આફ્રિકન યુનિયનમાં આફ્રિકાના 55 દેશોનો સમાવેશ થાય છે. આ પહેલાં યુરોપિયન યુનિયન જી20માં સમાવિષ્ટ એક માત્ર યુનિયન હતું. યુરોપિયન યુનિયનમાં 27 દેશોનો સમાવેશ થાય છે. હવે જી20નો વિસ્તાર થતા આ વૈશ્વિક જૂથમાં સામેલ દેશોની સંખ્યા 101 પર પહોંચી છે. 

અત્યાર સુધી જી20ના સભ્ય દેશોનું દુનિયાના જીડીપીમાં 85 ટકા અને વૈશ્વિક વેપારમાં 75 ટકા યોગદાન હતું. હવે આફ્રિકન યુનિયનનો તેમાં ઉમેરો થતા આ આંકડા પણ વધશે. જેનાથી જી20ની તાકાત પણ વધશે. 

ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ કનેક્ટિવિટી કોરિડોરની જાહેરાત
ભારત-મધ્ય-પૂર્વ-યુરોપ કનેક્ટિવિટી કોરિડોરની ઐતિહાસિક જાહેરાત ભારતમાં G-20 સમિટના પ્લેટફોર્મ પરથી કરવામાં આવી છે. તેમાં ભારત, અમેરિકા, સંયુક્ત આરબ અમીરાત, સાઉદી અરેબિયા, યુરોપિયન યુનિયન, ફ્રાન્સ, ઈટાલી, જર્મની ભાગ લેશે. G-20 કોન્ફરન્સમાં આ પ્રોજેક્ટની જાહેરાત ચીન માટે પણ એક મહત્વપૂર્ણ સંદેશ છે. કનેક્ટિવિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર આ સહયોગ ચીનની બહાર તેના પ્રકારની એક મોટી પહેલ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને કહ્યું કે આ ખરેખર મોટી વાત છે. ચીન આ પ્રોજેક્ટનો વિરોધ કરતું રહ્યું છે.

ઘોષણાપત્રને મળી મંજૂરી
દિલ્હીના પ્રગતિ મેદાનમાં જી-20 શિખર સંમેલન ચાલી રહ્યું છે. સંમેલનના પ્રથમ દિવસે શનિવાર (9 સપ્ટેમ્બર) એ નવી દિલ્હી જી-20 ઘોષણાપત્રને મંજૂરી મળી ગઈ છે. સમિટના બીજા સેશનમાં પીએમ મોદીએ આ વિશે જાહેરાત કરતા જી-20 શેપરાઓ, મંત્રીઓ અને દરેક અધિકારીઓનો આભાર માન્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news