PM મોદીને પ્રતીક્ષા કરાવનાર મમતાના સલાહકાર અલાપન બંદોપાધ્યાય વિરુદ્ધ કેન્દ્રએ શરૂ કરી કાર્યવાહી

મુખ્ય સચિવ પદેથી રાજીનામુ આપી મમતા બેનર્જીના સલાહકાર બનેલા અલાપન વિરુદ્ધ ઓલ ઈન્ડિયા સર્વિસ રૂલ્સ હેઠળ અનુશાસ્નાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
 

PM મોદીને પ્રતીક્ષા કરાવનાર મમતાના સલાહકાર અલાપન બંદોપાધ્યાય વિરુદ્ધ કેન્દ્રએ શરૂ કરી કાર્યવાહી

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય સચિવ અલાપન બંદોપાધ્યાય પર કેન્દ્ર સરકારે પગલા ભરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય કર્મચારી અને તાલીમ મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે. મુખ્ય સચિવ પદેથી રાજીનામુ આપી મમતા બેનર્જીના સલાહકાર બનેલા અલાપન વિરુદ્ધ ઓલ ઈન્ડિયા સર્વિસ રૂલ્સ હેઠળ અનુશાસ્નાત્મક કાર્યવાહી કરવામાં આવશે. કર્મચારી મંત્રાલયે અલાપનને કહ્યુ છે કે તે પોતાના બચાવમાં લેખિત નિવેદન આપી શકે છે. આ સિવાય જો તે અંગત રીતે પોતાનો પક્ષ રાખવા ઈચ્છે છે તો તે વિશે 30 દિવસની અંદર જાણકારી આપી શકે છે. એટલું જ નહીં મંત્રાલયે કહ્યું કે, જો અલાપન તરફથી નોટિસનો જવાબ આપવામાં આવતો નથી તો પછી તપાસ આયોગ તેમની વિરુદ્ધ એકતરફી નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. 

હકીકતમાં યાસ ચક્રવાત આવ્યા બાદ પ્રધાનમંત્રી મોદી સમીક્ષા બેઠક માટે બંગાળ પહોંચ્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રીએ અડધો કલાક સુધી મુખ્યમંત્રીની રાહ જોવી પડી હતી. ત્યારે રાજ્યના મુખ્ય સચિવ રહેલા અલાપન બંદોપાધ્યાય પણ બેઠકમાં મોડા પહોંચ્યા હતા. ત્યારબાદ કેન્દ્ર સરકારે અલાપન બંદોપાધ્યાયને દિલ્હી બોલાવ્યા અને તેમની કેન્દ્રમાં ડેપ્યુટેશન પર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા. 

— ANI (@ANI) June 21, 2021

આ આદેશ બાદ પણ તેઓ દિલ્હી આવ્યા નહીં અને મમતા બેનર્જીની સાથે બેઠકમાં ભાગ લેતા રહ્યા. ત્યારબાદ અલાપને પોતાના પદ પરથી રાજીનામું આપ્યુ અને મમતા બેનર્જીના મુખ્ય સલાહકાર બની ગયા હતા. અલાપનનો કાર્યકાળ 31 મેએ સમાપ્ત થઈ રહ્યો હતો, પરંતુ તેમને ત્રણ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. પરંતુ ટ્રાન્સફરના આદેશ પર તેમણે દિલ્હી જવાના સ્થાને પદ પરથી રાજીનામુ આપી દીધું અને મમતા બેનર્જીના સલાહકાર બની ગયા હતા. તેમના આ પગલાને કેન્દ્ર સરકારે અનુશાસન વિરુદ્ધ માન્યું છે. 

મહત્વનું છે કે આ પ્રકરણ બાદ કેન્દ્રીય સતર્કતા પંચે એક આદેશ જારી કર્યો છે. તે હેઠળ કોઈપણ અધિકારીએ નિવૃતિ બાદ નવી ભરતી પર જતા પહેલા સંબંધિત વિભાગે કેન્દ્રીય સતર્કતા પંચ તરફથી ક્લિયરન્સ લેવું ફરજીયાત થઈ જશે. પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય સચિવ અલાપનને જ્યારે કેન્દ્ર સરકારે પરત બોલાવ્યા તો તેમણે નિવૃતિ લઈ લીધી હતી. ત્યારબાદ મમતા બેનર્જીએ તેમની નિમણૂક પોતાના સલાહકાર તરીકે કરી દીધી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news