PM મોદી અને શાહે કેમ નીતિન કાકા માટે કાઢ્યું અઘરું પેપર? શું રાજસ્થાનના રસ્તે થઈને જવાશે દિલ્લી?

ગુજરાત કોંગ્રેસ કરતા ખરાબ સ્થિતિ રાજસ્થાન ભાજપની છે. એવા સમયે પીએમ મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના નામે નીતિન કાકા માટે બહુ અઘરું પેપર કાઢ્યું છે...કાકા શું કરે છે એ જોવાનું રહેશે.

PM મોદી અને શાહે કેમ નીતિન કાકા માટે કાઢ્યું અઘરું પેપર? શું રાજસ્થાનના રસ્તે થઈને જવાશે દિલ્લી?

ઝી બ્યૂરો, અમદાવાદઃ આગામી લોકસભા ચૂંટણીઓને ધ્યાને લઈને ભાજપે તાડામાર તૈયારીઓ હાથ ધરી દીધી છે. જેના ભાગરૂપે ભાજપે હાલમાં જ ત્રણ રાજ્યોમાં પ્રદેશ પ્રમુખો બદલીને નવા ચહેરાઓને સ્થાન આપ્યું. ત્યારે ગુજરાત ભાજપમાં સૌથી સીનિયર કહેવાતા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પણ રાજસ્થાનના સહ પ્રભારી તરીકે મોટી જવાબદારી સોંપવામાં આવી છે. રાજસ્થાનમાં એક તરફ કોંગ્રેસની સરકાર અને મુખ્યમંત્રી અશોક ગહેલોતનો સિતારો બુલંદી પર છે. ત્યારે એવું પહેલીવાર બન્યું છેકે, નીતિન પટેલને ગુજરાત બહારની જવાબદારી સોંપવામાં આવી છે. નીતિન પટેલને પીએમ મોદી અને અમિત શાહે એવો ટાસ્ક આપ્યો છેકે, જો પાસ થયા તો ઠીક નહીં તો આગળનું રાજકીય કરિયર સામે સવાલો ઊભા થઈ શકે છે. 

જોકે, રાજસ્થાન કોંગ્રેસમાં વર્ષોથી ટોચના સ્થાન માટે એટલેકે, સીએમ પદ માટે લડાઈ ચાલતી આવી છે. ગહેલોત અને સચિન પાયલોટ વચ્ચેની આ લડાઈનો લાભ નીતિન કાકા કેવી રીતે લે છે અને ભાજપને કેવી રીતે ફાયદો કરાવી આપે છે એ પણ જોવું રહેશે. પીએમ મોદી અને અમિત શાહે આ વખતે નીતિન કાકા માટે અઘરું પેપર કાઢ્યું છે. જો આ પરિક્ષામાં પાસ થયા તો દિલ્લીમાં પીએમ મોદી સાથે સંસદ ભવનમાં બેસવાનો મોકો મળી શકે છે. બાકી નીતિન કાકા માટે રાજનીતિમાં આગળનો માર્ગ બહુ અઘરો બની શકે છે. 

ગુજરાતની રાજનીતિમાં પાટીદારોના માનીતી નેતા તરીકે વર્ચસ્વ ધરાવતા 'નીતિન કાકા'ને આ વખતે ભાજપે રાજસ્થાનની જવાબદારી સોંપી છે. રાજસ્થાનની રાજકીય સ્થિતિની વાત કરવામાં આવે તો અહીં ભાજપની હાલત ખુબ જ ખરાબ છે. સરખામણી કરવા જઈએ તો ગુજરાતમાં કોંગ્રેસની જે સ્થિતિ છે એના કરતા પણ રાજસ્થાનમાં ભાજપની સ્થિતિ વધારે ખરાબ છે એવું કહેવું પણ અતિશયોક્તિ ભર્યું નહીં હોય.

નીતિન પટેલ લગભગ 4 દાયકા જેટલાં સમયથી ગુજરાતની રાજનીતિમાં સક્રિય ભાગ ભજવી રહ્યાં છે. ગુજરાતમાં કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી સહિત અલગ અલગ મુખ્યમંત્રીઓના કાર્યકાળમાં તેમની સાથે મજબુત રીતે કામ કરવાનો અનુભવ નીતિન પટેલ ધરાવે છે. રોડ એન્ડ બિલ્ડિંગ, શહેરી વિકાસ, મહેસૂલ, નાણાં વિભાગ સહિતના મહત્ત્વના ખાતાઓની જવાબદારીઓ તેમણે વર્ષો સુધી બખુબી નિભાવી છે. મુખ્યમંત્રીનું પદ માટે જરાક માટે પનો ટુંકો પડી ગયો અને આખરે તેમને નાયબ મુખ્યમંત્રી તરીકે પાર્ટીએ તક આપી. જોકે, આ વાત ગુજરાત પુરતી હતી અને ગુજરાતમાં નીતિન કાકાનું નામ જ કાફી છે. પણ હવે તેમને ટાસ્ક આપવામાં આવ્યો છે રાજસ્થાનનો અને અહીંની રાજનીતિ એટલી સરળ નથી.

રાજસ્થાન ભાજપમાં જ બે ફાટાં પડેલાં છે. એક તરફ વસુંધરા રાજે સિંધિંયા અને બીજી તરફ સતિષ પુનિયા. એક તરફ છે બબ્બે વાર રાજસ્થાનના સીએમ રહી ચુકેલા રાજમાતા તો બીજી તરફ છે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે રાજસ્થાનની કમાન બહુખી સંભાળનાર ઓબીસી ચહેરો. સપ્ટેમ્બર 2019માં તેમને રાજસ્થાન ભાજપના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. તેમનો કાર્યકાળ 2022ના અંતમાં જ પૂર્ણ થઈ ગયો છે. ઓબીસી નેતા તરીકે પુનિયાનું નામ હંમેશા ભાજપ માટે કામનું રહ્યું છે. જ્યારે ફંડની વાત આવે ત્યારે રાજસ્થાનમાં રાજમાતાથી મોટુમાં ભાજપ પાસે આજે પણ કોઈ નથી.

કોણ છે સતિષ પુનિયા?
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પૂર્વ પ્રચારક સતીશ પુનિયાને ભાજપના કેન્દ્રીય નેતૃત્વની ખૂબ નજીક માનવામાં આવે છે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નજીકના ગણાય છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ભાજપના મુખ્ય પ્રવાહના રાજકારણમાં પ્રવેશેલા સતીશ પુનિયા વિશે પણ સંઘ સકારાત્મક છે અને આ બાબત તેમના પક્ષમાં જાય છે. રાજસ્થાનમાં ઓબીસી સમુદાયની મોટી વોટ બેંક છે. રાજ્યમાં ઓબીસી કેટેગરીમાં લગભગ 91 જાતિઓ છે, જે રાજ્યના કુલ મતદારોના લગભગ 52 ટકા મતબેંક બનાવે છે. સતીશ પુનિયા પોતે ઓબીસી જાટ સમુદાયમાંથી આવે છે. 

દાવેદારો અને જૂથવાદને ડામવો જરૂરી-
ભાજપમાં મુખ્યમંત્રી પદના ઘણા દાવેદારો છે અને બધાના પોત-પોતાના જૂથ છે. એક તરફ પૂર્વ સીએમ વસુંધરા રાજે સિંધિયા છે, જેમણે અનેક પ્રસંગોએ પોતાનો દાવો વ્યક્ત કર્યો છે. જોકે એવું માનવામાં આવે છે કે વસુંધરા રાજે સિંધિયા રાજેન્દ્ર રાઠોડ જેવા ઘણા નજીકના નેતાઓનો સાથ છોડવાના કારણે નબળા પડી ગયા છે. રાજેન્દ્ર રાઠોડ પોતે હવે સીએમ પદના દાવેદાર તરીકે ઉભરી રહ્યા છે.

ગજેન્દ્ર સિંહ શેખાવત, અર્જુન રામ મેઘવાલ અને સતીશ પુનિયા સહિત અન્ય ઘણા નામોની ચર્ચા હવે પછી શરૂ થાય છે. સતીશ પુનિયા બાદ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સંભાળનાર સાંસદ સીપી જોશી પણ હાઈકમાન્ડની નજરમાં ઉભરી રહ્યા છે. સીપી જોશી સંગઠન અને રાજ્યમાં પોતાની પકડ મજબૂત કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે.

ભાજપ પાસે શું વિકલ્પ છે?
આવી સ્થિતિમાં ભાજપ સમક્ષ મૂંઝવણ એ છે કે મુખ્યમંત્રી પદનો ચહેરો સામે રાખીને ચૂંટણી લડવી કે પછી મુખ્યમંત્રીના ઉમેદવાર વગર ચૂંટણી લડવી. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીમાં એક સામાન્ય અભિપ્રાય ઉભરી રહ્યો છે કે જો સામૂહિક નેતૃત્વ હેઠળ ચૂંટણી લડવામાં આવશે, તો મુખ્યમંત્રી પદના તમામ દાવેદારો વધુમાં વધુ ઉમેદવારો જીતવા માટે સખત મહેનત કરશે અને તેનો ફાયદો પાર્ટીને થશે. જ્યારે સીએમ ઉમેદવારની જાહેરાત કરવાથી જૂથવાદ વધુ વધશે.

હનુમાન બેનીવાલ પણ ભાજપ સામે પડકાર-
હનુમાન બેનીવાલ અંગે ભાજપનું મૂલ્યાંકન એ છે કે તેમની પાર્ટી આરએલપી મહત્તમ દસ વિધાનસભા બેઠકો પર પ્રભાવ ધરાવે છે, જ્યાં તે ભાજપ અને કોંગ્રેસ બંનેને નુકસાન પહોંચાડવાની સ્થિતિમાં છે. જો કે, જો હનુમાન બેનીવાલ આમ આદમી પાર્ટી અને સચિન પાયલટને સાથે લઈને મોરચો બનાવે છે તો તે ચોક્કસપણે ભાજપ સામે મોટો પડકાર બની શકે છે, જેનો કટ ભાજપે સમયસર શોધવો પડશે.

વાસ્તવમાં રાજસ્થાનમાં વસુંધરા રાજેના સમર્થકો ઘણા સમયથી રાજેને મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. સમર્થકોનું કહેવું છે કે વસુંધરા રાજે 36 સમુદાયોના નેતા છે. તેમનો દાવો છે કે વસુંધરા રાજેના નેતૃત્વમાં પાર્ટી જીતશે. તેથી જ રાજેને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવો જોઈએ. જો કે, પાર્ટી હાઈકમાન્ડ રાજેના સમર્થકોની માંગને અવગણી રહી છે. પાર્ટી હાઈકમાન્ડનું કહેવું છે કે પીએમ મોદીના ચહેરા પર જ ચૂંટણી લડવામાં આવશે. વસુંધરા રાજેએ પણ પોતાની જમીન પર તાકાત બતાવીને પોતાના ઈરાદા સ્પષ્ટ કરી દીધા છે. જો કે પૂર્વ સીએમ વસુંધરા રાજેનું કહેવું છે કે મુખ્યમંત્રીનો નિર્ણય પાર્ટીના સંસદીય બોર્ડ દ્વારા લેવામાં આવશે.

ઉલ્લેખનીય છેકે, દેશમાં આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે તે પહેલાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે પુરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે ચૂંટણી પ્રભારીની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રાજસ્થાનના સહ પ્રભારી બનાવવામાં આવ્યાં છે. તે ઉપરાંત કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને છત્તીસગઢના સહ પ્રભારીનો હવાલો અપાયો છે. આમ ગુજરાતના બે ભાજપના આગેવાનોને બે રાજ્યોમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. 

ભાજપે ચૂંટણી પહેલા ચાર રાજ્યોમાં પ્રમુખ બદલ્યા-
ભાજપે આગામી વિધાનસભા ચૂંટણી અને વર્ષ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી પાર્ટી સંગઠનના સ્તરે ફેરફાર શરૂ કરી દીધા છે. ચાલુ વર્ષના અંત ભાગમાં કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને 2024માં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે ચાર રાજ્યોમાં નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિ કરી છે. જી કિશન રેડ્ડી, સુનીલ જાખડ અને બાબુલાલ મરાંડીને અનુક્રમે તેલંગાણા, પંજાબ અને ઝારખંડમાં ભાજપની કમાન સોંપવામાં આવી છે. આ ઉપરાંત પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડી પુરંદેશ્વરીને આંધ્રપ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવાયા છે. ભાજપના સંગઠનમાં આ ફેરફારને પગલે મોદી કેબિનેટમાં ફેરબદલને અટકળોને પણ વેગ મળ્યો છે, કારણ કે જી કિશન રેડ્ડી હાલમાં કેન્દ્રીય પ્રધાન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news