રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની તૈયારીમાં ભારત! પ્રતિબંધો પર આપ્યો આ જડબાતોડ જવાબ

સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત પ્રતિસ્પર્ધી ઉર્જા સ્ત્રોતો(Competing Energy Sources) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને તેણે તમામ ઓઈલ ઉત્પાદકોની રજૂઆતનું સ્વાગત કર્યું છે. ભૂ રાજનૈતિક ઘટનાક્રમે દેશની ઉર્જા સુરક્ષા પર મોટો પડકાર રજૂ કર્યો છે. 

રશિયા પાસેથી સસ્તુ ઓઈલ ખરીદવાની તૈયારીમાં ભારત! પ્રતિબંધો પર આપ્યો આ જડબાતોડ જવાબ

નવી દિલ્હી: ભારતના કાયદેસર રીતે ઉર્જા ખરીદવાના મુદ્દાનું રાજનીતિકરણ થવું જોઈએ નહીં અને જે દેશ ઓઈલ મામલે આત્મનિર્ભર છે કે જે પોતે રશિયાથી ઓઈલ આયાત કરે છે તેઓ પ્રતિબંધાત્મક વેપારની વકિલાત કરી શકે નહીં. સરકારી સૂત્રોના જણાવ્યાં મુજબ ભારત પ્રતિસ્પર્ધી ઉર્જા સ્ત્રોતો(Competing Energy Sources) પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને તેણે તમામ ઓઈલ ઉત્પાદકોની રજૂઆતનું સ્વાગત કર્યું છે. ભૂ રાજનૈતિક ઘટનાક્રમે દેશની ઉર્જા સુરક્ષા પર મોટો પડકાર રજૂ કર્યો છે. 

ક્રૂડ ઓઈલની ખરીદીના રસ્તા ખુલ્લા છે
જો કે ભારતના એ વલણની ટીકા કરવામાં આવી છે કે તેણે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે ક્રૂડ ઓઈલની ખરીદીના રસ્તા ખુલ્લા રાખ્યા છે. ત્યારબાદ હવે આ ટિપ્પણી આવી છે. રશિયાએ ગત સપ્તાહના અંતમાં યુક્રેન પર સૈન્ય કાર્યવાહીના જવાબમાં રશિયન ઓઈલ અને ગેસની આયાત પર અમેરિકા તરફથી પ્રતિબંધ લગાવાયા બાદ ભારત અને અન્ય દેશોને સસ્તુ ઓઈલ આપવાની રજૂઆત કરી હતી. 

ક્રૂડ ઓઈલના ભાવમાં આવી તેજી
સૂત્રોએ જણાવ્યું કે 'ભારત પ્રતિસ્પર્ધી ઉર્જા સ્ત્રોત પર ધ્યાન કેન્દ્રિત કરતું રહેશે. અમે તમામ ઉત્પાદકોના આવા પ્રસ્તાવોનું સ્વાગત કરીએ છીએ. ભારતીય વેપારી પણ સર્વોત્તમ વિકલ્પ શોધવા માટે વૈશ્વિક ઉર્જા બજારોમાં કામ કરે છે.' સૂત્રોએ કહ્યું કે યુક્રેન સંઘર્ષના કારણે ક્રૂડ  ઓઈલના ભાવમાં આવેલી તેજીએ ભારતના પડકારો વધાર્યા છે. તેનાથી સ્વાભાવિકપણે પ્રતિસ્પર્ધી દર પર ઓઈલ ખરીદવા અંગે દબાણ વધ્યું છે. 

ઈન્ડિયન ઓઈલે ખરીદ્યુ 30 લાખ બેરલ ક્રૂડ ઓઈલ
મળતી માહિતી મુજબ ઓઈલના મામલે આત્મનિર્ભર કે પોતે રશિયાથી ઓઈલ આયાત કરનારા દેશ કાયદેસર રીતે તેના કારોબાર પર પ્રતિબંધની વકિલાત કરી શકે નહીં. ભારતના કાયદેસર રીતે ઉર્જા ખરીદવાના મુદ્દાનું રાજનીતિકરણ થવું જોઈએ નહીં. ખબર છે કે ઈન્ડિયન ઓઈલે ગત સપ્તાહે રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે 30 લાખ બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે. 

ઉલ્લેખનીય છે કે વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ જેન સાકીએ કહ્યું હતું કે ભારત દ્વારા ડિસ્કાઉન્ટના ભાવે રશિયન ઓઈલ ખરીદવાની રજૂઆતને સ્વીકારવું એ અમેરિકા દ્વારા મોસ્કો પર લગાવવામાં આવેલા પ્રતિબંધોનો ભંગ નથી, પરંતુ આ દેશોએ એ સમજવું જોઈએ કે યુક્રેન પર રશિયાના હુમલા વચ્ચે 'તેઓ ક્યાં ઊભા રહેવા માંગે છે.'

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જ્હોન્સનના પ્રવક્તાએ કહ્યું કે બ્રિટન ઈચ્છે છે કે તમામ દેશોએ રશિયન ઓઈલ અને ગેસથી અલગ થવું જોઈએ, કારણ કે તેનાથી રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની યુદ્ધ મશીનને ફાઈનાન્સ મળશે. તેમણે કહ્યું કે રશિયા ખુબ ઓછા પ્રમાણમાં ભારતને ક્રૂડ ઓઈલની નિકાસ કરે છે, જે દેશની જરૂરિયાતના એક ટકાથી પણ ઓછું છે. 

સૂત્રોએ જણાવ્યું કે આયાત માટે સરકારો વચ્ચે કોઈ સમજૂતિ પણ નથી. તેમણે કહ્યું કે ભૂ-રાજનૈતિક ઘટનાક્રમે ભારતની ઉર્જા સુરક્ષા સામે પડકારો રજૂ કર્યા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ રશિયન ઓઈલ અને ગેસની ખરીદી આખી દુનિયા કરે છે, ખાસ કરીને યુરોપમાં. તેમણે કહ્યું કે રશિયાના કુલ કુદરતી ગેસની નિકાસના 75 ટકા ઓઈસીડી દેશો જેમ કે જર્મની, ઈટાલી અને ફ્રાન્સને થાય છે. 

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિન્દમ બાગચીએ રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ ભાવે ઓઈલ ખરીદવાની સંભાવના પર ગુરુવારે ઈન્કાર નહતો કર્યો અને કહ્યું હતું કે મોટો ઓઈલ આયાતકાર દેશ હોવાના કારણે હંમેશા તમામ સંભાવનાઓ પર વિચાર કરે છે. મીડિયાકર્મીઓ સાથે વાતચીત કરતા તેમણે કહ્યું કે, 'ભારત પોતાની જરૂરિયાતનું મોટાભાગનું ઓઈલ આયાત કરે છે, તેની જરૂરિયાતો આયાતથી પૂરી થાય છે. આથી અમે વૈશ્વિક બજારમાં તમામ સંભાવનાઓનું દોહન કરતા રહીએ છીએ. કારણ કે આ પરિસ્થિતિમાં અમારે અમારી ઓઈલની જરૂરિયાતો માટે આયાતનો સામનો કરવો પડી રહ્યો છે.'

બાગચીએ કહ્યું કે રશિયા, ભારતને ઓઈલની આપૂર્તિ કરનારો પ્રમુખ આપૂર્તિકર્તા દેશ નથી રહ્યો. બાગચીને જ્યારે પૂછવામાં આવ્યું કે આ ખરીદી રૂપિયા-રૂબલ સમજૂતિના આધારે થઈ શકે છે તો તેમણે કહ્યું કે તેમને આ અંગે વિસ્તૃત જાણકારી નથી. 

(ઈનપુટ-ભાષા)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news