લોકસભા ચૂંટણી જંગઃ જાણીને નવાઈ લાગશે કે દેશમાં 96 ટકા રાજકીય પક્ષો માન્યતા વગરના

ભારતીય રાજકારણમાં એક કરતાં વધુ પક્ષોની વ્યવસ્થા છે, જેમાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરના પક્ષો હોય છે. ભારતીય ચૂંટણી પંચ નિયત સમયાંતરે પક્ષના દરજ્જાની સમીક્ષા કરે છે. ભારતીય ચૂંટણી પંચના આંકડા મુજબ વર્તમાનમાં દેશમાં કુલ 1841 પક્ષો ચૂંટણી પંચમાં નોધાયેલા છે, જેમાંથી 7 રાષ્ટ્રીય પક્ષ છે, 51 રાજ્ય સ્તરના પક્ષ છે અને 1785 માન્યતા વગરના પક્ષ છે. 

લોકસભા ચૂંટણી જંગઃ જાણીને નવાઈ લાગશે કે દેશમાં 96 ટકા રાજકીય પક્ષો માન્યતા વગરના

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ ભારતીય રાજકારણમાં એક કરતાં વધુ પક્ષોની વ્યવસ્થા છે, જેમાં રાષ્ટ્રીય, રાજ્ય અને જિલ્લા સ્તરના પક્ષો હોય છે. ભારતીય ચૂંટણી પંચ નિયત સમયાંતરે પક્ષના દરજ્જાની સમીક્ષા કરે છે. ભારતીય ચૂંટણી પંચના આંકડા મુજબ વર્તમાનમાં દેશમાં કુલ 1841 પક્ષો ચૂંટણી પંચમાં નોધાયેલા છે, જેમાંથી 7 રાષ્ટ્રીય પક્ષ છે, 51 રાજ્ય સ્તરના પક્ષ છે અને 1785 માન્યતા વગરના પક્ષ છે. જો કોઈ દેશમાં રાષ્ટ્રીય કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી લડવા માગતું હોય તેણે સૌ પ્રથમ ચૂંટણી પંચમાં પોતાના પક્ષની નોંધણી કરાવાની રહે છે. 

ચૂંટણી પંચ દ્વારા જે પક્ષને માન્યતા મળી હોય તેને કેટલાક ફાયદા પણ પ્રાપ્ત થાય છે. જેમ કે, તેની મરજી પ્રમાણેનું ચિન્હ પસંદ કરવાની અને આ ચિન્હ કાયમી ધોરણે રાખવાની, રાજ્ય સંચાલીત ટીવી અને રેડિયોમાં બ્રોડકાસ્ટ માટેનો ફ્રી સમય, ચૂંટણીની તારીખો નક્કી કરતા સમયે તેની સલાહ લેવાય અને સાથે જ મતદારો માટેના નિયમો અને ધારાધોરણ નક્કી કરવા માટે પણ તેમની સલાહ-સુચન લેવામાં આવતું હોય છે. 

ચૂંટણી પંચમાં રજિસ્ટર્ડ થયેલા પક્ષોને ચૂંટણી લડવા માટે ચૂંટણી પંચ પાસે રહેલા ચિન્હોમાંથી ચૂંટણી ચિન્હ પસંદ કરવાની છૂટ હોય છે. દેશનાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચૂંટાયેલી સરકાર કાર્યરત હોય છે. જો સરકાર કાર્યરત ન હોય તો અહીં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાનું રહેતું હોય છે. 

રાષ્ટ્રીય કક્ષાનો પક્ષ બનવા માટેના ધારાધોરણ

  • આ પક્ષે દેશના ત્રણ જુદા-જુદા રાજ્યોમાં ઓછામાં ઓછી બે ટકા સીટ જીતેલી હોવી જોઈએ. 
  • સામાન્ય ચૂંટણીમાં આ પક્ષે ઓછામાં ઓછા 6 ટકા મત મેળવેલા હોવા જોઈએ અને ઓછામાં ઓછી ચાર લોકસભા બેઠક જીતેલી હોવી જોઈએ. 
  • જો પક્ષ ચાર કે તેના કરતાં વધુ રાજ્યોમાં ચૂંટાય તો તેને 'રાજ્ય કક્ષાના પક્ષ'ની માન્યતા મળે છે. 

ભારતમાં રાષ્ટ્રીય પક્ષો
ભારતમાં કુલ 7 પાર્ટીને 'રાષ્ટ્રીય પક્ષ'નો દરજ્જો મળેલો છે. જેમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC), ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (AITC), ભારતીય જનતા પાર્ટી (BJP), બહુજન સમાજ પાર્ટી (BSP), કમ્પ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (CPI) , કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ) (CPI-M) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો સમાવેશ થાય છે. આવો આ રાષ્ટ્રીય પક્ષો વિશે વિગતવાર માહિતી જાણીએ. 

1. ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસ (AITC)

  • સ્થાપક અને વર્તમાન અધ્યક્ષ: મમતા બેનરજી
  • સ્થાપના વર્ષઃ 1998
  • વડું મથકઃ 36જી, ટોપ્સિયા રોડ, પંચાનગ્રામ, કોલકાતા. (પ.બંગાળ)
  • મમતા બેનરજીઃ પશ્ચિમ બંગાળમાં 'દીદી'ના હુલામણા નામથી ઓળખાતા મમતા બેનરજી 1998માં ઓલ ઈન્ડિયા તૃણમુલ કોંગ્રેસની સ્થાપના કરતાં પહેલાં કોંગ્રેસ પક્ષમાં હતા. વર્ષ 2011માં પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓના 36 વર્ષના એકહથ્થુ શાસનનો અંત લાવીને તેઓ મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ 2016માં યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં પણ બહુમતી સાથે ચૂંટાઈ આવીને તેઓ વર્તમાનમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદે છે. આ અગાઉ તેઓ બે વખત સાંસદ તરીકે ચૂંટાઈ આવેલા છે. કેન્દ્રમાં રેલવે મંત્રાલય સંભાળનારા તેઓ પ્રથમ મહિલા હતા. 

2. બહુજન સમાજ પાર્ટી (BSP)

  • સ્થાપકઃ કાશી રામ
  • વર્તમાન અધ્યક્ષઃ મયાવતી
  • સ્થાપના વર્ષઃ 1984
  • વડું મથકઃ 12, ગુરુદ્વારા રકબગંજ રોડ, નવી દિલ્હી. (દિલ્હી)
  • માયાવતીઃ માયાવતીએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી પદ ચાર વખત સંભાળ્યું છે. જેમાં સૌ પ્રથમ 1995માં ટૂંકા સમય માટે, પછી 1997માં, ત્યાર બાદ 2002થી 2003 અને 2007થી 2012 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા. તેઓ અનુસૂચિત જાતિના ભારતના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. 

3. ભારતીય જનતા પાર્ટી (BJP)

  • સ્થાપકઃ શ્યામા પ્રસાદ મુખર્જી
  • વર્તમાન અધ્યક્ષઃ અમીત શાહ
  • સ્થાપના વર્ષઃ 1980
  • વડું મથકઃ 6-એ, દીનદયાલ ઉપાધ્યાય માર્ગ, નવી દિલ્હી. (દિલ્હી)
  • વર્તમાનમાં ભારતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને નરેન્દ્ર મોદી તેમના વડા પ્રધાન છે. આ અગાઉ, અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની હતી. 

4. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(CPI)

  • સ્થાપકઃ ચારુન મજૂમદાર, એમ.એન. રોય, સુલ્તાન અહેમદ ખાન, અબાની મુખરજી, મોહમ્મદ શફિક સિદ્દિકી, એવલીન ટ્રેન્ટ, મોહમ્મદ અલી, આચાર્ચ, રોઝા ફિટિન્ગહોફ, રફિક અહેમદ
  • વર્તમાન અધ્યક્ષઃ સુરાવરમ સુધારક રેડ્ડી
  • સ્થાપના વર્ષઃ 1925
  • વડું મથકઃ ઈન્દ્રજીત ગુપ્તા માર્ગ, નવી દિલ્હી. (દિલ્હી)

5. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ) 

  • સ્થાપકઃ જ્યોતિ બસુ, ઈ.એમ.એસ. નામ્બુદ્રીપાદ
  • વર્તમાન અધ્યક્ષઃ સીતારામ યેચુરી
  • સ્થાપના વર્ષઃ 1964
  • વડું મથકઃ ભાઈ વીર સિંઘ માર્ગ, નવી દિલ્હી. (દિલ્હી)
  • કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ)નું પશ્ચિમ બંગાળમાં 36 વર્ષ સુધી એકહથ્થુ શાસન હતું. તેમાં પણ તેના સ્થાપક જ્યોતિ બસુનો સળંગ 23 વર્ષ (21 જૂન, 1977થી 5 નવેમ્બર,2000) સુધી મુખ્યમંત્રી પદે રહેવાનો રેકોર્ડ છે. તેમનો આ રેકોર્ડ તાજેતરમાં જ સિક્કિમના મુખ્યમંત્રી પવન ચામલિંગે તોડ્યો છે. 

6. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)

  • સ્થાપકઃ એલાન ઓક્ટાવિયન હ્યુમ 
  • વર્તમાન અધ્યક્ષઃ રાહુલ ગાંધી
  • સ્થાપના વર્ષઃ 1885
  • વડું મથકઃ 24, અકબર રોડ, નવી દિલ્હી. (દિલ્હી)
  • ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ ભારતનો સૌથી જૂનો રાજકીય પક્ષ છે અને ભારત દેશને આઝાદી અપાવામાં તેનું ઘણું મોટું યોગદાન છે. આઝાદી પછી કોંગ્રેસ પાર્ટીએ 70 વર્ષ સુધી રાજ કર્યું છે અને ભારત દેશને નવી ઊંચાઈઓ આપી છે. 

7. નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP)

  • સ્થાપકઃ શરદ પવાર, પી.એ. સંગમા, તારીક અનવર
  • વર્તમાન અધ્યક્ષઃ શરદ પવાર
  • સ્થાપના વર્ષઃ 1999
  • વડું મથક- 10, બિશમ્બર માર્ગ, નવી દિલ્હી. (દિલ્હી)
  • કોંગ્રેસ પાર્ટીમાંથી છૂટા પડીને શરદ પવારે 1999માં નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરી હતી. તેઓ મહારાષ્ટ્રમાં ત્રણ વખત મુખ્યમંત્રી પદે રહી ચૂક્યા છે. આ ઉપરાંત કેન્દ્રમાં પણ અનેક મંત્રાલયોમાં કેન્દ્રીય મંત્રી તરીકે કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. દેશના રાજકારણમાં શરદ પવારનું એક સન્માનનીય નામ છે. શરદ પવાર આ ઉપરાંત બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (BCCI)ના 2005થી 2008 સુધી ચેરમેન રહ્યા હતા અને વર્ષ 2010થી 2012 સુધી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ પદે રહી ચૂક્યા છે. વર્ષ 2017માં તેમને ભારતનું બીજું સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ વિભૂષણ અપાયું હતું. 

ભારતના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news