કર્ણાટક રાજકીય સંકટ: કોંગ્રેસ કોટાના 21 મંત્રીઓએ આપ્યું રાજીનામું, રાજનાથે કહ્યું-'BJPનો હાથ નથી'
કર્ણાટક સરકાર પર તોળાઈ રહેલું સંકટ વધુ ગાઢ થતુ જાય છે. કોંગ્રેસ-જેડીએસ સરકારને બચાવવાની કવાયત જોરશોરમાં ચાલુ છે. આજે કર્ણાટક સરકારમાં સામેલ કોંગ્રેસના તમામ મંત્રીઓને ડેપ્યુટી સીએમ જી.પરમેશ્વરે પોતાના ઘરે બ્રેકફાસ્ટ માટે બોલાવ્યાં. તમામ મંત્રીઓ ત્યાં પહોંચી ગયા છે.
Trending Photos
નવી દિલ્હી: કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ સરકારને બચાવવાની કવાયત જોરશોરમાં છે. પરંતુ આજે સરકાર પર મોટું સંકટ આવી ગયું છે. કર્ણાટકના મંત્રી અને અપક્ષ ધારાસભ્ય નાગેશે મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ ત્યારબાદ કર્ણાટક સરકારમાં સામેલ કોંગ્રેસના મંત્રીઓએ પદેથી રાજીનામા આપી દીધા છે. તેમની સંખ્યા 21 છે. આ વાતને સિદ્ધારમૈયાએ સમર્થન આપ્યું છે. આ બાજુ રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે કર્ણાટકમાં જે કઈ થઈ રહ્યું છે તેમાં ભાજપનો કોઈ હાથ નથી. અમારી પાર્ટી હોર્સ ટ્રેડિંગ કરતી નથી.
અપક્ષ ધારાસભ્ય નાગેશે રાજભવન જઈને રાજ્યપાલ વજુભાઈ વાળાને પોતાનું રાજીનામું સોંપ્યું. નાગેશે પત્રમાં લખ્યું છે કે કર્ણાટકની કુમારસ્વામી સરકારને આપેલુ સમર્થન પાછું ખેંચુ છું. ભવિષ્યમાં જો ભાજપ તરફથી ઓફર મળશે તો હું ભાજપ સરકારને સપોર્ટ કરવા તૈયાર છું.
રાજીનામું આપ્યાં બાદ નાગેશ ખાસ વિમાન દ્વારા મુંબઈ માટે રવાના થઈ ગયા છે. અત્રે જણાવવાનું કે રાજીનામું આપી ચૂકેલા કોંગ્રેસ-જેડીએસના અસંતુષ્ટ ધારાસભ્યો મુંબઈમાં છે. તેમને ત્યાં ખાસ હોટલમાં રખાયા છે.
Karnataka Congress Legislature Party leader Siddaramaiah corrects himself; says, "21 Karnataka Congress ministers have resigned voluntarily" https://t.co/vXrXlaWU51
— ANI (@ANI) July 8, 2019
ભાજપ પાસે હાલ 105 ધારાસભ્યો છે. આ પ્રકારે કોઈ પણ સ્થિતિમાં તેની પાસે બહુમત માટે 1 મતની કમી રહેશે. આવા અવસરે સ્પીકરનો મત મહત્વનો બની જશે. આથી એવું માનવામાં આવી રહ્યું છે કે ભાજપ હાલ વેઈટ એન્ડ વોચની રણનીતિ પર કામ કરી રહ્યો છે.
સોમવારે સવારે કર્ણાટક સરકારમાં સામેલ તમામ કોંગ્રેસ મંત્રીઓને ડેપ્યુટી સીએમ જી પરમેશ્વરના ઘર બ્રેકફાસ્ટ પર બોલાવવામાં આવ્યાં હતાં. સૂત્રોના જણાવ્યાં મુજબ તમામ મંત્રીઓને રાજીનામું આપવાનું જણાવવાનું હતું. જેથી કરીને કોંગ્રેસ-જેડીએસના અસંતુષ્ટ ધારાસભ્યોને મંત્રીપદ ઓફર કરી શકાય. આ જ ક્રમમાં કોંગ્રેસના સાંસદ ડી કે સુરેશે દાવો કર્યો હતો કે કર્ણાટક સરકારમાં સામેલ કોંગ્રેસના તમામ મંત્રીઓ રાજીનામા આપવા જઈ રહ્યાં છે.
ભાજપના નેતા શોભા કરંદલજે સોમવારે બી એસ યેદિયુરપ્પાના આવાસે પહોંચીને મુલાકાત કરી હતી. તેમણે કહ્યું કે કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ પણ સીએમ પદેથી રાજીનામું આપી દેવું જોઈએ. કોંગ્રેસ ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે. તેઓ કર્ણાટકમાં બીજી સરકાર માટે રસ્તો બનાવી રહ્યાં છે. તેમણે કહ્યું કે નાગેશનું ભાજપમાં સ્વાગત છે. ભાજપ કોંગ્રેસ અને જેડીએસના અસંતુષ્ટ ધારાસભ્યો સાથે કોઈ પણ પ્રકારે સંપર્કમાં નથી.
અત્રે જણાવવાનું કે નાગેશ સહિત કુલ 13 ધારાસભ્યોએ રાજીનામા આપ્યાં છે. આ સાથે જ બળવાખોર ધારાસભ્યોની કુલ સંખ્યા વધીને 14 (એક ધારાસભ્યે પહેલા જ રાજીનામું આપી દીધુ હતું) થઈ ગઈ છે. આમ આ રીતે વિધાનસભામાં સંખ્યાબળને જોતા એક પ્રકારે ટાઈ મેચ થઈ ગઈ છે. આવું એટલા માટે કારણ કે જો આ રાજીનામાનો સ્વીકાર થઈ જાય તો વિધાનસભામાં સભ્યોની સંખ્યા 210 થઈ જશે.
કર્ણાટક કોંગ્રેસે ધારાસભ્યોની બેઠક બોલાવી
કર્ણાટક કોંગ્રેસે પાર્ટીના નવ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા બાદ આ સંકટને દૂર કરવા માટે 9મી જુલાઈએ તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી છે. આ અગાઉ કોંગ્રેસના એક ધારાસભ્ય આનંદ સિંહ (વિજયનગર)એ એક જુલાઈના રોજ રાજીનામું આપી દીધુ હતું. જેથી કરીને હવે બળવાખોર ધારાસભ્યોની સંખ્યા 10 થઈ ગઈ છે.
જુઓ LIVE TV
કોંગ્રેસ પ્રવક્તા રવિ ગૌડાએ કહ્યું કે કોંગ્રેસ વિધાયક દળના નેતા સિદ્ધારમૈયાએ તમામ ધારાસભ્યોને નિર્દેશ આપ્યા છે કે તેઓ મંગળવારે સવારે 9.30 વાગે વિધાનસભા ભવનના કોન્ફરન્સ હોલમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા કરે. જેમાં શનિવારનું રાજીનામું આપી ચૂકેલા ધારાસભ્યોની ચિંતાઓ પણ સામેલ છે.
વિધાયક દળની બેઠક આયોજિત કરવાનો નિર્ણય પ્રદેશ કોંગ્રેસના નેતાઓની બેઠકમાં લેવામાં આવ્યો. જેમાં સિદ્ધારમૈયા, ઉપમુખ્યમંત્રી જી.પરમેશ્વરા, પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ ઈશર કંદ્રે અને પાર્ટીના કર્ણાટક પ્રભારી કે.સી.વેણુગોપાલ હાજર રહ્યાં હતાં. ગૌડાએ કહ્યું કે પ્રદેશ અધ્યક્ષ દિનેશ ગુંડુ રાવ અને મલ્લિકાર્જૂન ખડગે જેવા વરિષ્ઠ નેતાઓ પણ બેઠકમાં સામેલ થશે.
વિધાનસભા અધ્યક્ષ કે.આર.રમેશકુમાર મંગળવારે જ ધારાસભ્યોના રાજીનામા પર વિચાર કરશે. ધારાસભ્યોએ કુમારની ગેરહાજરીમાં પોતાના રાજીનામા તેમના અંગત સચિવને સોંપ્યા હતાં. જેમાં કોંગ્રેસના 9 ધારાસભ્યો અને 3 જેડીએસના ધારાસભ્યોના રાજીનામા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે