ખડગેનો પીએમ મોદીને જવાબ, કોંગ્રેસે લોકશાહી ટકાવી એટલે ચા વેચનાર બન્યા વડાપ્રધાન

કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ મોદીને જવાબ આપતાં કહ્યું કે, મોદી કટોકટોની વાતો કરે છે જે 43 વર્ષ જૂની છે પરંતુ છેલ્લા ચારની જાહેર ન કરેલી કટોકટીનું શું? 

ખડગેનો પીએમ મોદીને જવાબ, કોંગ્રેસે લોકશાહી ટકાવી એટલે ચા વેચનાર બન્યા વડાપ્રધાન

મુંબઇ : મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી મલ્લિકાર્જુન ખડગેએ  વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વળતો પ્રહાર કરતાં કહ્યું કે, ચા વેચનાર દેશના વડાપ્રધાન બની શક્યા એનું કારણ એ છે કે કોંગ્રેસે લોકશાહીને ટકાવી રાખી હતી. ખડગેએ કહ્યું કે, વડાપ્રધાન દરેક કાર્યક્રમમાં પૂછી રહ્યા છે કે કોંગ્રેસે છેલ્લા 70 વર્ષમાં શું કર્યું? એમના જેવા ચા વેચનાર દેશના વડાપ્રધાન બની શક્યા એનું કારણ એ છે કે અમે લોકશાહીને સુરક્ષિત રાખી છે. 

તેમણે કહ્યું કે, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને સોનિયા ગાંધીના ચારિત્ર્ય પર છાશવારે વાતો ઉછાળવામાં આવે છે. ભાજપ દ્વારા જાણી જોઇને આ કરવામાં આવી રહ્યું છે. મોદી કટોકટીની વાતો કરે છે એ તો 43 વર્ષ જૂની છે. પરંતુ છેલ્લા ચાર વર્ષમાં જાહેર ન કરેલી કટોકટી જેવી સ્થિતિ ચાલી રહી છે એનું શું? ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. કૃષિ યોજનાઓ નિષ્ફળ થઇ રહી છે. ખેડૂતોને નવી લોન નથી મળી રહી અને વેપાર ધંધા પણ ચોપટ થયા છે. 

કોંગ્રેસ તરફથી પીએમ મોદી સામે મોરચો તાજેતરમાં સામે આવેલા નિવેદન બાદ શરૂ કરાયો છે. પીએમ મોદીએ કટોકટીને નિશાન બનાવતાં કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીની દેન ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે માત્ર એક પરિવારને ફાયદો આપવા માટે કટોકટી દેશ પર નાંખવામાં આવી હતી. તેમણે કોંગ્રેસ સામે નિશાન સાધતાં કહ્યું હતું કે, હંમેશા સત્તામાં રહેવાથી સત્તા ભૂખને કારણે લોકશાહીની હત્યા કરવામાં આવી હતી. દેશના નેતાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. 

પીએમ મોદીએ કોંગ્રેસ સામે હુમલો કરતાં કહ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસની ટીકા કરવા માટે કાળ દિવસ નથી મનાવતી, પરંતુ યુવાનોને કટોકટી દરમિયાન શું થયું હતું એ સમજાવવા માટે આ કાલ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, ભારત કટોકટીને કાળા દિવસોના રૂપમાં યાદ કરે છે. જે દરમિયાન દરેક સંસ્થાને રદ કરવામાં આવી અને ભયનો માહોલ પેદા કરવામાં આવ્યો હતો. માત્ર લોકોને જ નહીં પરંતુ વિચારો અને કલાત્મક સ્વતંત્રતા પર પણ પાબંદી લગાવવામાં આવી હતી. યુવાનોને ખબર નથી કે એ વખતે શું થયું હતું અને કલ્પના નથી કરી શકતા કે આઝાદી વગરના એ દિવસો કેવા રહ્યા હશે? 

(ઇનપુટ : ભાષા)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news