PM મોદીએ જે સલાહ મને આપી, તેના પર પોતે અમલ કરવો જોઈએ: મનમોહન સિંહ

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે કઠુઆ અને ઉન્નાવ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શરૂઆતની ચૂપ્પી પર નિશાન સાધ્યું છે.

PM મોદીએ જે સલાહ મને આપી, તેના પર પોતે અમલ કરવો જોઈએ: મનમોહન સિંહ

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહે કઠુઆ અને ઉન્નાવ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શરૂઆતની ચૂપ્પી પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે જે સલાહ પીએમ મોદીએ પહેલા મને આપી હતી, હવે તેમણે પોતે તેના ઉપર અમલ કરતા આવા કેસોમાં વધુ બોલવું જોઈએ. વાત જાણે એમ છે કે કઠુઆમાં આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને ઉન્નાવમાં ભાજપના એક એમએલએ પર કિશોરી સાથે કથિત બળાત્કારના મામલા બહાર આવ્યાં બાદ દેશભરમાં રોષ ફેલાયો. આખરે પીએમ મોદીએ ગત શુક્રવારે પોતાની ચૂપ્પી તોડતા આ મામલે કહ્યું કે આ ઘટનાઓ શરમજનક છે. બેટીઓને ન્યાય મળશે અને દોષિતોને છોડવામાં નહીં આવે.

આ જ સંદર્ભમાં ધ ઈન્ડિયન એક્સપ્રેસને આપેલા એક ઈન્ટરવ્યુમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડો.મનમોહન સિંહે કહ્યું કે તેમના કાર્યકાળના અંતિમ વર્ષોમાં પીએમ મોદી સહિત અનેક નેતાઓ તેમના ઉપર ગંભીર મુદ્દાઓ પર ચૂપ રહેવાના આરોપો લગાવતા હતાં. તેવા સમયે ભાજપ તેમને 'મૌન મોહન સિંહ' કહીને કટાક્ષ કરતો હતો. આ અંગે તેમનું કહેવું છે કે આ પ્રકારની ટિપ્પણીઓ તેમને આખી જિંદગી સાંભળવા મળી. તેમણે ઈન્ટરવ્યુંમાં કહ્યું કે "પરંતુ મને લાગે છે કે જે સલાહ વડાપ્રધાન પહેલા મને આપતા હતાં, તેના ઉપર હવે પોતે અમલ કરીને વધુ બોલવું જોઈએ. પ્રેસ રિપોર્ટ્સથી મને માલુમ પડતું હતું કે તેઓ મારા નહીં બોલવાની આલોચના કરતા હતાં. મને લાગે છે કે તે સલાહ પર હવે તેમણે પોતે અમલ કરવો જોઈએ." જો કે તેમણે એમ પણ કહ્યું કે મને એ વાતની ખુશી છે કે આખરે પીએમ મોદી આ મુદ્દે બોલ્યા ખરા.

મનમોહન સિંહે કહ્યું કે અનેક ગંભીર મુદ્દાઓ પર પીએમ મોદીની ખામોશીથી લોકોને એ વિચારવાની તક મળી કે તેમના કૃત્યો વિરુદ્ધ તેમના ઉપર કોઈ કાર્યવાહી થશે નહીં. તેમણે કહ્યું કે મને લાગે છે કે જે ઓથોરિટીમાં છે તેમણે સમય રહેતા આવા મામલાઓ પર બોલવું જોઈએ જેથી કરીને સમર્થકો સુધી યોગ્ય સંદેશ પહોંચે. 2012માં દિલ્હી  દુષ્કર્મ મામલા પછી તરત કોંગ્રેસ પાર્ટી અને સરકારે બળાત્કાર સંબંધી કાયદાને સખત બનાવવા માટે જરૂરી સંશોધન કર્યાં.

કઠુઆ કેસ
મનમોહન સિંહને જ્યારે પૂછવામાં આવ્યું કે કઠુઆ રેપ કેસને શું જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ યોગ્ય રીતે હેન્ડલ કર્યો? તો તેમણે જવાબ આપ્યો કે જો શરૂઆતથી જ આ મામલાને તેઓ પોતાના હાથમાં લઈ લેત તો વધુ ગંભીર રીતે મામલો હેન્ડલ કરી શકત. આ સાથે જ કહ્યું કે તેમના ગઠબંધન સહયોગી પાર્ટી ભાજપ તરફથી બની શકે કે દબાણ થયું હોય કારણ કે સરકારમાં સામેલ ભાજપના બે મંત્રીઓ રેપના આરોપીઓના સમર્થનમાં જોવા મળ્યાં. જો કે ત્યારબાદ આ બંને મંત્રીઓએ રાજીનામાં આપવા પડ્યાં.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news