Weather News: પહાડી વિસ્તારોમાં પૂરના હાલાત, જ્યારે યુપી-રાજસ્થાનમાં વીજળી ત્રાટકતા 64 લોકોના મૃત્યુ

દેશમાં હાલ હવામાનની જબરદસ્ત થપાટ જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં દિલ્હી-એનસીઆરના લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તો દેશના અનેક હિસ્સામાં આકાશમાં આફત વરસી રહી છે.

Weather News: પહાડી વિસ્તારોમાં પૂરના હાલાત, જ્યારે યુપી-રાજસ્થાનમાં વીજળી ત્રાટકતા 64 લોકોના મૃત્યુ

નવી દિલ્હી: દેશમાં હાલ હવામાનની જબરદસ્ત થપાટ જોવા મળી રહી છે. ઉત્તર ભારતમાં દિલ્હી-એનસીઆરના લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે તો દેશના અનેક હિસ્સામાં આકાશમાં આફત વરસી રહી છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર જેવા પહાડી વિસ્તારોમાં વરસાદનો પ્રકોપ જોવા મળ્યો છે. 

ઉત્તરાખંડમાં વરસાદ બન્યો આફત
ઉત્તરાખંડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. બાગેશ્વરમાં ભૂસ્ખલનથી ધસી પડેલા મકાનમાં દટાઈને પતિ પત્ની અને 7 વર્ષના પુત્રના મોત થયા છે. જ્યારે પૂર્ણાગિરી દર્શનથી પાછા ફરી રહેલા યુવક-યુવતીની બાઈક ટનકપુરની પાસે નાળામાં વહી ગઈ. આ અકસ્માતમાં યુવતીનું મોત થઈ ગયું. અલ્મોડામાં મરચૂલામાં રામગંગામાં તેજ પ્રવાહમાં પિતા પુત્ર વહી ગયા. જ્યારે ઋષિકેશમાં બે પર્યટકો ગંગામાં વહી ગયાના સમાચાર છે. 

— ANI (@ANI) July 12, 2021

હિમાચલ પ્રદેશમાં પૂર
હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં તો જાણે પૂર આવી ગયું છે. ધર્મશાળામાં વરસાદ બાદનો નજારો ડરામણો છે. અનેક જગ્યાએ મકાન ધસી પડ્યા છે તો ક્યાંક  ગાડીઓ પુરના સેલાબમાં વહી ગઈ છે. કાંગડાના મટોર વિસ્તારમાં પણ પુર અને ભારે વરસાદનો કહેર છે. 

જમ્મુ અને કાશ્મીરમાં વાદળ ફાટ્યું
જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટતા ભારે તબાહી જોવા મળી છે. અનેક ઘરોને નુકસાન પહોંચ્યું છે. ચારેબાજુ કાટમાળ દેખાઈ રહ્યો છે. વાદળ ફાટવાના કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. વરસાદનો પણ ખુબ કહેર છે. અનેક ગામડાના લોકો પોતાના ઘરો છોડીને સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે. 

યુપી-રાજસ્થાન સહિત અનેક જગ્યાએ વીજળીનો કહેર
રાજસ્થાન ડિઝાસ્ટર મેનેજમેન્ટના જોઈન્ટ સેક્રેટરી કલ્પના અગ્રવાલે જણાવ્યું કે રાજ્યમાં ઓછામાં ઓછા 23 લોકો વીજળી પડવાથી મોતને ભેટ્યા છે અને 25 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે યુપીમાં પણ વીજળી પડવાથી 41 લોકોના મોત થયા છે. રાજ્યના રિલીફ કમિશનર રણવીર પ્રસાદે કહ્યું કે અત્યાર સુધી ઉપલબ્ધ માહિતી મુજબ રાજ્યમાં વીજળી પડવાથી 16 જિલ્લામાં થઈને 41 લોકોના મૃત્યુ થયા છે અને 30 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોના પરિજનોને 4 લાખની આર્થિક સહાય કરવામાં આવશે. 

આ ઉપરાંત તેમના જણાવ્યાં મુજબ યુપીમાં ઘાયલોને રાજ્ય સરકાર તરફથી સારવાર પૂરી પાડવામાં આવશે. આ  બાજુ આકાશી કહેરના કારણે 250 જેટલા પશુઓના મોત થયા છે અને 20 ઘાયલ થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news