સવર્ણ અનામત ચર્ચાઃ આ પહેલી સિક્સર નથી, હજુ ઘણી સિક્સર આવશે- રવિશંકર પ્રસાદ
કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કેન્દ્રીય કાયદામંત્રીએ જણાવ્યું કે, 2010માં તમને કોણે રોક્યા હતા. વાત-વાતમાં રવિશંકરે સરકાર તરફથી આવનારા કંઈક આવા જ બીજા નિર્ણયો તરફ ઈશારો કરી દીધો હતો
Trending Photos
નવી દિલ્હીઃ આર્થિક અનામત પર બંધારણ સુધારા બિલ લોકસભામાં પસાર થઈ ગયા બાદ હવે રાજ્યસભામાં તેના પર ચર્ચા ચાલી રહી છે. વિરોધ પક્ષમાં આરજેડી અને ડીએમકે સિવાય મોટાભાગના પક્ષોએ તેને ટેકો આપ્યો છે. રાજ્યસભામાં વિરોધ પક્ષના મોટાભાગના સવાલોનો જવાબ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે આપ્યો હતો. તેમણે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા કેન્દ્રીય કાયદામંત્રીએ જણાવ્યું કે, 2010માં તમને કોણે રોક્યા હતા. વાત-વાતમાં રવિશંકરે સરકાર તરફથી આવનારા કંઈક આવા જ બીજા નિર્ણયો તરફ ઈશારો કરી દીધો હતો.
કાયદા મંત્રીએ વિરોધ પક્ષના આરોપોનો જવાબ આપતા જણાવ્યું કે, 'તમે લોકોએ સમર્થન તો આપ્યું છે, પરંતુ તેમાં કિંતુ-પરંતુ લગાવી દીધા છે. તમે બિલ રજૂ કરવાના સમય સામે આંગળી ઉઠાવી રહ્યા છો. હું આપને જણાવી દઉં કે ક્રિકેટમાં સિક્સર સ્લોગ ઓવરમાં જ મારવામાં આવે છે. મેચ જ્યારે એકદમ નજીક આવી જાય છે ત્યારે સિક્સર લાગે છે. જો તમને તેનાથી મુશ્કેલી છે તો આ પ્રથમ સિક્સર નથી, હજુ બીજી સિક્સર લાગવાની છે.'
Sh. Ravi Shankar Prasad's Speech | The Constitution (124th Amendment) Bill, 2019: https://t.co/xVt1PCpxNU via @YouTube
— Rajya Sabha TV (@rajyasabhatv) January 9, 2019
કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, 'સવર્ણોમાં પણ ગરીબાઈ છે. આ સમાજના પણ અનેક લોકો મજૂરી કરે છે. તેમણે જણાવ્યું કે, આ બિલ કોર્ટમાં પડી જશે એવા લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. હું તેમને જણાવવા માગું છું કે, બંધારણની મૂળ લાગણીને બદલવા સિવાય તેમાં સંસદ કોઈ પણ ફેરફાર કરતી નથી.'
રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, અમે અનામતની મૂળ જોગવાઈમાં કોઈ ફેરફાર કરતા નથી. આ અનામત કેન્દ્રમાં જ નહીં પરંતુ રાજ્યોમાં પણ લાગુ છે. તેમણે જણાવ્યું કે, 2010માં કોંગ્રેસ પાસે પણ તક હતી, પરંતુ તેઓ આ બિલ લાવ્યા નહીં.
રવિશંકર પ્રસાદે જણાવ્યું કે, એ સમયે તો સરકાર પાસે સંપૂર્ણ રિપોર્ટ તૈયાર હતો, તેમ છતાં તેમણે શા માટે આ બિલ રજૂ ન કર્યું. હવે અમારી ઉપર સવાલ ઉઠાવી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે