દિવાળીના 5 દિવસ ક્યાં ગાયબ થઈ જતા પીએમ મોદી? Interviewમાં આપ્યો જવાબ
Trending Photos
નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં પોતાની જીવન યાત્રાના વિવિધ પડાવ અને અનુભવો શેર કર્યા છે. તેમણે પોતાના જીવનના અનુભવોને ફેમસ ફેસબુક પેજ હ્યુમંસ ઓફ બોમ્બે સાથે શેર કર્યા છે. આ પેજ તેમના ઈન્ટરવ્યૂને 5 ભાગમાં પ્રકાશિત કરી રહ્યું છે. જેમાં હાલ ઈન્ટરવ્યૂનો ત્રીજો પાર્ટ શેર કરાયો છે. શરૂઆતના બે ભાગમાં પીએમ મોદીએ પોતાનું બાળપણ, સંઘ પ્રતિ લગાવ અને બે વર્ષની તેમની હિમાલય યાત્રા વિશે જણાવ્યું. ત્રીજા ભાગમાં તેમણે હિમાલયથી પરત ફર્યા બાદના અનુભવો શેર કર્યાં છે. તેમણે કહ્યું કે...
‘હિમાલયથી પરત આવ્યા બાદ મને મારા વિશે વિશ્વાસ આવી ગયો કે, હું મારું જીવન બીજાની સેવામાં લગાવવા માંગું છું. જોકે, પરત ફરવાના થોડા સમયમાં જ હું અમદાવાદ પરત આવી ગયો. આ રીતે પહેલીવાર હું મોટા શહેરમાં રહેવા ગયો, જ્યાં જીવનની ગતિ બિલકુલ અલગ હતી. ત્યાં મેં મારા કાકાની કેન્ટીનમાં તેમની મદદ કરવાની શરૂઆત કરી.
અંતમાં હું રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘનો પૂર્ણકાલિક પ્રચારક બની ગયો. ત્યાં મને જીવનના અલગ અલગ ભાગોના લોકોને મળવાનો અને વાતચીત કરવાની તક મળી. આ સાથે જ વિવિધ ક્ષેત્રોમાં કામ કરવાનો મોકો પણ મળ્યો. ત્યાં અમે વારાફરતી આરએસએસ કાર્યાલયને સાફ કરતા હતા. સાથીઓ માટે ચા અને ખાવાનું બનાવતા તેમજ વાસણો પણ સાફ કરતા હતા.’
આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, તેઓએ આ પડાવ પર જીવનની કઠોરતાની વચ્ચે વ્યસ્ત હતા, પંરતુ વાતચીત માટે સ્પષ્ટ હતા કે, હિમાલયથી જે શાંતિનો અનુભવ લઈને પરત ફર્યાં છે, તેને કોઈ પણ ભોગે જવા નહિ દે. આ કારણે જીવનમાં સંતુલન બનાવી રાખવા માટે દર વર્ષે પાંચ દિવસ એકાંતવાસમાં જવાનો નિર્ણય કર્યો.
‘અનેક લોકોને આ જાણકારી ન હતી કે, હું દિવાળીના પ્રસંગે 5 દિવસ માટે એકાંતવાસ પર જતો રહો છું. એવા કોઈ જંગલમાં જ્યાં માત્ર સ્વચ્છ જળ સિવાય કોઈ વ્યક્તિ ન રહેતો. હું એ 5 દિવસોમાં ખાવાની પૂરતી સામગ્રી પેર કરીને લઈ જતો હતો. ત્યાં કોઈ રેડિયો કે પેપર ન રહેતા અને ન તો એ સમયે કોઈ ટીવી કે ઈન્ટરનેટ હતું.’
આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે, તે એકાંતવાસ તેમને જીવનને હેન્ડલ કરવામાં તાકાત આપતો હતો. લોકો મને કહેતા કે, તમે કોને મળવા જાઓ છો? તો હું જવાબ આપતો કે, હું મારી જાતને મળવા જઉં છું.
આ ઈન્ટરવ્યૂમાં પીએમ મોદીએ યુવા મિત્રોને પણ સલાહ આપી છે. તેમણે કહ્યું કે, પોતાના જીવનની તેજ ગતિ અને વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે થોડોક સમય પોતાના માટે કાઢવો જોઈએ. પોતાના વિશે વિચારો અને આત્મમંથન કરો. તેનાથી તમારો દ્રષ્ટિકોણ બદલાશે. તમે તમારી અંતરાત્માને વધુ સારી રીતે સમજી શકશો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે