મનોહર પર્રિકર: લોકપ્રિય મુખ્યમંત્રી હોવા છતાં એકેય વખત કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા...
ગોવાના મુખ્યમંત્રી અને દેશના સંરક્ષણ મંત્રી જેવા મહત્વનાં પદો પર રહેનાર મનોહર પર્રિકર પોતાની સાદગી અને ઇમાનદારીનું પ્રતિક હતા. તેઓ પ્રજામાં પણ ઘણા લોકપ્રિય હતા. તેઓ ચાર વખત સીએમ બન્યા પરંતુ કમનસીબી એ રહી કે તેઓ એકેય વખત કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યા.
Trending Photos
નવી દિલ્હી : મનોહર પર્રિકરે રાજકારણમાં 1994માં ડગ માંડ્યા હતા. ત્યાર બાદ પણજી વિધાનસભા સીટથી ભાજપના ઉમેદવાર તરીકે જીત પ્રાપ્ત કરીને ધારાસભ્ય બન્યા. ત્યાર બાદ તેઓ જુન 1999 સુધી ગોવા વિધાનસભામાં વિપક્ષનાં નેતા રહ્યા. 1999માં ગોવા વિધાનસભા ચૂંટણી યોજાઇ. રાજ્યની 40માંથી 10 સીટો ભાજપે જીતી. ત્યાર બાદ ગોવા પીપલ્સ કોંગ્રેસની સરકાર બની પરંતુ તે એક વર્ષમાં પડી ભાંગી ત્યાર બાદ પર્રિકરે મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટીનાં બે અને 2 અપક્ષ ઉમેદવારો સહિત 21 ધારાસભ્યોનાં સમર્થન સાથે ગોવા ગઠબંધન સરકાર બનાવી અને તેઓ મુખ્યમંત્રી બન્યા.
2002માં પહેલો કાર્યકાળ
પર્રિકર 24 ઓક્ટોબર, 2000નાં રોજ ગોવાના મુખ્યમંત્રી બન્યા પરંતુ તેમનો આ પહેલા કાર્યકાળ 27 ફેબ્રુઆરી 2002 સુધી જ ચાલ્યો. તેમણે 2002માં ગોવાનાં તત્કાલીન રાજ્યપાલ મોહમ્મદ ફઝલે વિધાનસભા ભંગ કરીને રાજ્યમાં નવી ચૂંટણી કરાવવાની ભલામણ કરવાની સાથે રાજીનામું આપી દીધું.
2002માં બીજો કાર્યકાળ
પર્રિકરે પાંચ જુન 2002માં બીજી વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે કમાન સંભાળા. આ વખતે પણ તેઓ પોતાનો કાર્યકાળ પુરો ન કરી શક્યા. ભાજપનાં ચાર ધારાસભ્યોએ 29 જાન્યુઆરી, 2005નાં રોજ રાજીનામાં આપી દીધા. ત્યાર બાદ લઘુમતીમાં આવી ગયેલી સરકારના મુખ્યમંત્રી તરીકે પર્રિકરે રાજીનામું આપવું પડ્યું. કોંગ્રેસના પ્રતાપ સિંહ રહાણે પર્રિકરનાં બદલે મુખ્યમંત્રી બન્યા.
2012માં ત્રીજો કાર્યકાળ
ગોવામાં 2007માં વિધાનસભા ચૂંટણી થઇ જેમાં દિગમ્બર કામતનાં નેતૃત્વવાળી કોંગ્રેસની સામે પરાજીત થવું પડ્યું. પાંચ વર્ષ સુધી નેતા વિપક્ષ રહ્યા. જો કે 2012 માં યોજાયેલ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 40 માંથી 21 સીટો સાથે સત્તામાં પરત ફરી અને ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે પર્રિકરની તાજપોશી થઇ. જો કે 2014માં જ્યારે નરેન્દ્ર મોદીની કેન્દ્રમાં સરકાર બની તો મોદી સરકારે તેમને સંરક્ષણ મંત્રી બનાવ્યા જેથી તેમણે ગોવાના મુખ્યમંત્રી પદે રાજીનામું આપવું પડ્યું. જેથી આ વખતે પણ પર્રિકરનો કાર્યકાળ અધુરો રહ્યો.
2017માં ચોથો કાર્યકાળ
ગોવામાં 2017માં વિધાનસભા ચૂંટણી થઇ પરંતુ ભાજપ રાજ્યમાં બહુમતી પ્રાપ્ત ન કરી શકી. ત્યાર બાદ સંરક્ષણ મંત્રીનું પદ છોડીને ગોવા પરત બોલાવાયા. કોંગ્રેસે 17 સીટો સાથે સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી પરંતુ ભાજપ પોતાનાં 13 ધારાસભ્યો અને ગોવા ફોરવર્ડ પાર્ટી અને એમજીપી જેવા દળો સાથે મળીને સરકાર બનાવવામાં સફળ રહી. ત્યાર બાદ મુખ્યમંત્રી તરીકે પર્રિકરની તાજપોશી થઇ. જો કે ગત્ત વર્ષે તેમને અગ્નાશયનું કેન્સર હોવાની વાત સામે આવી. જો કે તેમણે અંતિમ શ્વાસ સુધી ગોવા અને દેશની સેવા કરી પરંતુ તેઓ પોતાનો ચોથો કાર્યકાળ પણ પુર્ણ કરી શક્યા નહોતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે