ગણેશ ચતુર્થીએ નવી સંસદના શ્રીગણેશ! જાણો કેવું છે દુનિયાની સૌથી મોટી લોકશાહીનું મંદિર, શું છે ખાસિયતો

New Parliament : આજે પીએમ મોદી સહિત તમામ સાંસદો નવી સંસદ ભવનમાં પ્રવેશ કરશે. નવું લોકસભા ભવન જૂના ભવનની સરખામણીમાં ત્રણ ગણુ મોટું છે, તેની ડિઝાઈન ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર પરથી પ્રેરિત છે. જ્યારે નવી રાજ્યસભાની ડિઝાઈન ભારતના રાષ્ટ્રીય પુષ્પ કમળથી પ્રેરિત છે.  સંસદની નવી હાઈટેક ઈમારત આર્કિટેક્ચર જગતની અજાયબી, પરંપરા અને આધુનિકતાનો અનોખો સંયોગ.

ગણેશ ચતુર્થીએ નવી સંસદના શ્રીગણેશ! જાણો કેવું છે દુનિયાની સૌથી મોટી લોકશાહીનું મંદિર, શું છે ખાસિયતો

New Parliament Building: આજે ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વ પર પ્રધાનમંત્રી મોદી સહિત બન્ને ગૃહના તમામ સાંસદો જૂની સંસદ ભવનને છોડીને નવી સંસદમાં પ્રવેશ કરશે. આ એક ઐતિહાસિક ક્ષણ હશે. PM મોદી સહિત તમામ સાંસદો બન્યા ઈતિહાસના સાક્ષી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂની સંસદથી પગપાળા નવી સંસદમાં પહોંચશે. નવું સંસદ ભવન ભારતના 96 વર્ષ જૂના સંસદ ભવનનું સ્થાન લેશે. ખાતમુહૂર્તના અઢી વર્ષમાં દેશને નવું સંસદ ભવન મળ્યું છે...રેકોર્ડ સમયમાં આ ઐતિહાસિક ઈમારતને આકાર અપાયો છે. સંસદ ભવનનું કામ પૂર્ણ કરવાની સમયમર્યાદા નવેમ્બર 2022ની હતી, જો કે કોરોના કાળને કારણે નિર્માણકાર્ય પૂરું થવામાં 6 મહિનાનો સમય વધુ લાગ્યો છે. 

ઉલ્લેખનીય છેકે, 10 ડિસેમ્બર 2020, આ એ દિવસ હતો, જ્યારે દેશના નવા સંસદ ભવનના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. નવા સંસદ ભવનનો નકશો દેશ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. લોકોને જિજ્ઞાસા હતી, કે નવી સંસદ કેવી હશે. એક સદી બાદ તેમાં શું બદલાવ આવશે...આ તમામ સવાલોના જવાબ હવે આપણી સામે છે. કેમ અનોખી છે નવા ભારતની નવી સંસદ? જાણો નવી સંસદની ખાસિયતો.

નવા સંસદમાં લોકસભામાં બેઠક ક્ષમતા 888 સાંસદોની છે, જ્યારે જૂના ભવનની ક્ષમતા 552 સાંસદોની હતી. રાજ્યસભાની બેઠક ક્ષમતા 384 સાંસદોની છે, જે જૂની સંસદમાં 245ની હતી.  નવી ઈમારતમાં સંસદના સંયુક્ત સત્ર માટેની બેઠક ક્ષમતામાં પણ વધારો થયો છે. હવે સંયુક્ત સત્રમાં 1272 સભ્યો બેસી શકશે. નવું લોકસભા ભવન જૂના ભવનની સરખામણીમાં ત્રણ ગણુ મોટું છે, તેની ડિઝાઈન ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર પરથી પ્રેરિત છે. જ્યારે નવી રાજ્યસભાની ડિઝાઈન ભારતના રાષ્ટ્રીય પુષ્પ કમળથી પ્રેરિત છે.

ત્યારે હવે કેન્દ્રીય કેબિનેટમાં મહિલા અનામત બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. આ બિલની સાથે જ હવે દેશના લોકતંત્રમાં જવાબદાર સ્થાનો પર મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળશે. તેથી એક નવા ઉમંગ અને નવા ઉત્સાહ સાથે મહિલા સાંસદો પણ આ નવી સાંસદમાં આજે પ્રવેશ કરશે. ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધીમાં સાડા સાત હજાર સાંસદ થઈ ચુક્યા છે જેમાં માત્ર 600 મહિલાઓને જ સ્થાન મળી શક્યું છે.

નવા સંસદ ભવનમાં શું છે ખાસ?        
પહેલાંથી વધારે ક્ષમતા            
લોકસભામાં 888 સંસદ સભ્ય બેસી શકે તેટલી ક્ષમતા રાખવામાં આવી છે.
રાજ્યસભામાં 384 સંસદ સભ્યો બેસે તેટલી ક્ષમતા રાખવામાં આવી છે.
જૂના સંસદ ભવનથી 17,000 સ્ક્વેર મીટર મોટું ભવન
64,500 સ્ક્વેર મીટરમાં નવું સંસદ ભવન
ત્રિકોણ આકારની ડિઝાઈન
દરેક કામકાજ માટે અલગ રૂમની વ્યવસ્થા
હાઈટેક સુવિધાઓથી સજ્જ ઓફિસ
સંપૂર્ણ રીતે ભૂકંપપ્રૂફ રચના
કોમન રૂમની વ્યવસ્થા
મહિલાઓ માટે લોન્જની વ્યવસ્થા
વીઆઈપી લોન્જ પણ તૈયાર કરાઈ
10 ડિસેમ્બર 2020માં નવા સંસદ ભવનનો શિલાન્યાસ
1200 કરોડ રૂપિયાનો ખર્ચ કરા

નવી સંસદમાંના સુશોભનમાં શું છે ખાસ?
નવા સંસદ ભવન વાસ્તુશાસ્ત્ર અને ભારતની સાંસ્કૃતિક વૈવિધ્યતાનો અજોડ નમૂનો છે. સમગ્ર સંસદ પરિસરમાં મૂર્તિઓ, પેઈન્ટિંગ, સુશોભન, વોલ પેનલ્સ તેમજ પથ્થર અને મેટલના સ્થાપત્યના પાંચ હજાર જેટલા પીસ મૂકવમાં આવ્યા છે. જેમાં ગરુડ, અશ્વ અને મગર સહિતના પ્રાણીઓના શિલ્પનો પણ સમાવેશ થાય છે. આ તમામ પ્રાણીઓનું ધાર્મિક મહાત્મય છે. ભવનમાં તમામ રાજ્યોની સંસ્કૃતિના પ્રતિક છે. એટલે કે નવું સંસદ ભવન ધર્મ, સંસ્કૃતિ અને સ્થાપત્યનો અજોડ નમૂનો બની રહી છે

નવી સંસદમાં થશે આખા ભારતના દર્શનઃ
સંસદભવનમાં સાગના જે લાકડાનો ઉપયોગ કરાયો છે, તે મહારાષ્ટ્રના નાગપુરનું છે. માર્બલ રાજસ્થાનના છે. બ્રાસ વર્ક અમદાવાદનું છે. સંસદ ભવનમાં પાથરવામાં આવેલા કાર્પેટ યુપીમાં બનેલા સંસદભવનના ભોંયતળિયાને બનાવવા માટે ત્રિપુરાના ખાસ વાંસનો ઉપયોગ કરાયો છે. સંસદ ભવન પર સ્થાપિત કરાયેલા રાષ્ટ્રચિહ્ન મહારાષ્ટ્રના ઔરંગાબાદ અને જયપુરમાં બનેલા છે. સંસદ ભવનની અંદર લગાવેલું અશોક ચક્ર ઈન્દૌરમાં બનેલું છે. જ્યારે સંસદ ભવનનું ફર્નિચર મુંબઈનું છે. એટલે કે નવું ભવન આત્મનિર્ભર ભારતનું સૌથી મોટું ઉદાહરણ છે.

નવા સંસદ ભવનના મધ્યમાં બંધારણ હૉલ પણ તૈયાર કરાયો છે, જ્યાં દેશનો લોકતાંત્રિક વારસો જોઈ શકાશે. ઈમારતની છત પર રાષ્ટ્રચિહ્ન અને મુખ્ય દ્વાર પર સત્યમેવ જયતેનું લખાણ, આ દ્રશ્યો જોઈને કોઈ પણ નાગરિકને પોતાના ભારતીય હોવા પર ગર્વ થાય.

ચાર માળનું નવું સંસદ ભવન 64 હજાર 500 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. સમગ્ર સંસદ ભવનના બાંધકામ માટે 26  હજાર 45 ટન સ્ટીલ 63 હજાર 807 ટન સીમેન્ટ અને 9 હજાર 689 ટન ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ત્રિકોણ આકારમાં બનાવવામાં આવેલા નવા સંસદ ભવનની ભવ્યતા એવી છે કે જોનાર વ્યક્તિ જોતી જ રહી જાય. સેન્ટ્રલ વિસ્ટા પરિયોજના હેઠળ તૈયાર કરાયેલા નવા સંસદ ભવનની સૌથી મોટી ખાસિયત એ છે કે તે સ્વદેશી છે. ભારતના મટીરિયલમાંથી બનેલું છે અને ભારતીયોએ જ બનાવેલું છે. 

જૂના સંસદ ભવનનું બાંધકામ 6 વર્ષમાં પૂર્ણ થયું હતું, જ્યારે નવા ભવનનું બાંધકામ અઢી વર્ષમાં પૂર્ણ થયું છે. જૂની ઈમારતના બાંધકામ પાછળ 83 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો, જ્યારે નવી ઈમારત પાછળ 900 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. જૂની ઇમારત ગોળાકાર છે, જયારે નવી ઈમારત ત્રિકોણાકાર છે. અંગ્રેજ આર્કિટેક્ટ એડવિન લ્યુટિયન અને હર્બર્ટ બેકરે જૂની સંસદની ડિઝાઇન બનાવી હતી, જ્યારે નવી સંસદની ડિઝાઇન ગુજરાતની કંપની HCP ડિઝાઈન પ્લાનિંગ દ્વારા તૈયાર કરવામાં આવી છે
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news