ભારતના 8 પૂર્વ નૌસૈનિકોની મુક્તિ બાદ દોહા પહોંચ્યા PM મોદી, કતારના PM સાથે કરી મુલાકાત

ભારતના 8 પૂર્વ નૌસૈનિકોની મુક્તિ બાદ દોહા પહોંચ્યા PM મોદી, કતારના PM સાથે કરી મુલાકાત

યુએઈનો પ્રવાસ પૂરો કરીને પીએમ નરેન્દ્ર મોદી કતાર પહોંચી ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બુધવારે રાતે બે દિવસના કતાર પ્રવાસ અંતર્ગત રાજધાની દોહા પહોંચ્યા. દોહા પહોંચ્યા બાદ તેમણે કતારના પ્રધાનમંત્રી શેખ મોહમ્મદ બિન અબ્દુલરહેમાન અલ થાની સાથે બેઠક કરી. બેઠક બાદ પીએમ મોદીએ ટ્વીટ કરતા કહ્યું કે કતારના પીએમ સાથે તમની મુલાકાત શાનદાર રહી. બંને નેતાઓ વચ્ચે ભારત-કતાર મિત્રતા વધારવા અંગે ચર્ચા  થઈ. પીએમ મોદી ગુરુવારે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે મુલાકાત કરશે. જેમાં દ્વિપક્ષીય સંબંધોની સાથે સાથે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર વાતચીત થશે. 

વર્ષ 2014માં પ્રધાનમંત્રી બન્યા બાદ નરેન્દ્ર મોદીનો આ બીજો કતાર પ્રવાસ છે. અત્રે જણાવવાનું કે તેમણે પહેલીવાર કતારનો પ્રવાસ જૂન 2016માં કર્યો હતો. વિદશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે પીએમ મોદીનો આ પ્રવાસ કતાર સાથે ઐતિહાસિક અને ગાઢ સંબંધોને પ્રોત્સાહન આપશે. નોંધનીય છે કે પીએમ મોદીનો આ પ્રવાસ એવા સમયે થયો છે જ્યારે હાલમાં જ કતારની સરકારે આઠ પૂર્વ ભારતીય નેવી અધિકારીઓની ફાંસીની સજા માફ કરીને તેમને ભારત આવવાની મંજૂરી આપી દીધી. 

(Source: DD News) pic.twitter.com/wiH3wqZNSK

— ANI (@ANI) February 14, 2024

પીએમ મોદીનો આ પ્રવાસ ખુબ મહત્વનો
છેલ્લા 18 મહિનાથી આઠ પૂર્વ નૌસૈનિકો કતારની જેલમાં જાસૂસીના આરોપમાં બંધ હતા જેમનો હાલમાં જ છૂટકારો થયો અને તેમાંથી 7 ભારત પરત પણ ફર્યા. જે ભારતની ખુબ મોટી કૂટનીતિક જીત ગણવામાં આવી રહી છે. ઓગસ્ટ 2022માં કતારની ગુપ્તચર એજન્સીએ કથિત જાસૂસી મામલામાં  દોહામાંથી આઠ ભારતીય નાગરિકોની ધરપકડ કરી હતી જે એક ખાનગી કંપનીમાં કામ કરતા હતા. તેમને મોતની સજા થઈ હતી. નવેમ્બર 2023માં ભારત સરકારે કતારની એક ઉચ્ચ અદાલતમાં મોતની સજા વિરુદ્ધ અપીલ દાખલ કરી હતી. કૂટનીતિક સ્તરે પણ ભરપૂર પ્રયત્નો થયા. ત્યારબાદ કતારની કોર્ટે ભારતીયોની મોતની સજાને પલટી નાખી. કોર્ટે મોટની સજા ઘટાડીને જેલની સજા કરી હતી. ત્યારબાદ સજા માફી થઈ અને નાગરિકો ભારત આવી શક્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news